16 - મથુરાધિપતિ કૃષ્ણ / ઉષા ઉપાધ્યાય


રાજા તારી ડેલીએ બળે છે ઝમ્મર દીવડા
     અહીં અમે અંધારે ડૂબ્યાં ઘેઘૂર,
રાજા તારી મેડીએ બળે છે કેસર દીવડા
     અહીં અમે વણ રે પેટાવ્યાં કપૂર.

રાજા તારી ઓસરીએ ટહુંકતા મોરલા
     અહીં અમે ડૂબતા બપૈયાના સૂર,
રાજા તારી ડેલીએ રૂમઝૂમતા ઘોડલા
     અહીં અમે તૂટ્યાં કોઇ નેપુરના સૂર.

રાજા તારી સોળસેં રાણીઓ કરે ચાકરી
     અહીં અમે આળખેલા પડદાની હૂર.
રાજા તારી આઠે પટરાણી ધરે પામરી
     અહીં અમે ઝૂરતી બે આંખોનાં પૂર.


0 comments


Leave comment