68 - તું સ્મરે ને ક્ષણ મહીં થઈ જાઉં હાજર / ઉર્વીશ વસાવડા
તું સ્મરે ને ક્ષણ મહીં થઈ જાઉં હાજર,
છું પ્રણય આદેશને અધીન આખર.
નાવ કાગળની કલમનાં લઈ હલેસાં,
ચાલ મથીએ પાર કરવા શબ્દ સાગર.
સાવ છે અકબંધ શૈશવની સ્મૃતિઓ,
એક વડલો એજ મિત્રો એજ પાદર.
કેમ દેખાડી શકું એ કોઈને પણ,
સાવ ચીંથરેહાલ છે આ મારી ચાદર.
આ ગઝલ જેવું જીવન પૂરું કરીને,
હું કરું અર્પણ તને સપ્રેમ સાદર.
0 comments
Leave comment