3 - ‘પૂરુ અને પૌષ્ટી’ નાટકના દિગ્દર્શક શ્રી ફણીશાઈ ચારીની નોંધ / પી.એસ. ચારી


      સન ૧૯૯૬ના જુલાઈ માસમાં વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ ખાતે સંગીત નાટક અકાદમી નવી દિલ્હીના ઉપક્રમે યોજાયેલ નાટ્યલેખન શિબિરમાં જ્યારે પ્રથમ વાર વીરુ પુરોહિતે ‘પૂરુ અને પૌષ્ટી’નું વાંચન કર્યું ત્યારે ત્યાગ, બલિદાન, પ્રેમ, વાત્સલ્ય અને કૃતાર્થતાની કાવ્યનીતરતી વાણીમાં થયેલું કલ્પનાશીલ નિરૂપણ મને સ્પર્શી ગયું. નાટકની આ કાવ્યાત્મકતા નાટકને એક ‘ઉદાત્ત વાસ્તવવાદ’ તરફ દોરી જાય છે. અને એટલે જ તેની રંગમંચ ઉપર રજૂઆત કોઈ પણ દિગ્દર્શક માટે એક પડકાર ઊભો કરે છે. વળી તે વખતે મારી પાસે ચુનંદા કલાકારો પણ નહીં. સાવ નવાસવા નટનટીઓ સાથે કામ કરવાનું હતું એટલે નિર્માણની આખી પ્રક્રિયા મારા માટે academic exercise બની ગઈ. લેખકનાં સર્જનાત્મક વિચારોને મંચ ઉપર સાકાર કરવા એ મારા માટે તો શૂન્યમાંથી સર્જન કરવા જેવું હતું. પણ છતાંય નવલોહિયા નટોના સથવારે મેં પ્રતમાંની નાટ્યાત્મક ક્ષણોને ખોળી તેણે દૃશ્યશ્રાવ્ય ઘાટ આપવા માંડ્યો. દૃશ્યબંધ રચનામાં યયાતિ પૂરુની પુરાકથાને પૂરતું મહત્વ મળે તે માટે મેં વાંસની પાલકો બાંધી કંતાનનો ઉપયોગ કરી ભૂમિ સાથેનો સંબંધ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. નાટકની કથાવસ્તુ અનેક પરિણામોને આવરી લેતી હોવાને કારણે મેં સંગીતના ઉપયોગ દ્વારા વિવિધ ઘટનાઓને સાંકળી લેવાનો ઉપક્રમ રાખ્યો. મુખ્યત્વે કર્ણાટકી સંગીત ખપમાં લીધું પણ તે તેના અસલ સ્વરૂપમાં નહીં. શ્લોકની પઠનશૈલી ઉપનિષદનાં શ્લોકો પર આધારિત કવિત્ શૈલીમાં હતી. સંગીતમાં આવતા ધ્વનિલયોમાં ચેન્ડા (એક પ્રકારનું ચર્મવાદ્ય) અને ઘંટ તથા ગોંગ જેવાં ઘનવાદ્યોનો વિનિયોગ કર્યો. પ્રેક્ષકો પાત્રોને સરળતાથી ઓળખે તે માટે મેં વેષભૂષામાં તેમજ સમગ્ર ડિઝાઈનમાં પારંપારિક અને પૂર્વોત્તર આદિવાસી શૈલીઓનું સંમિશ્રણ કર્યું હતું.

      અને પ્રેક્ષકો સામે સમસામાયિક સંદર્ભમાં યયાતિ-પૂરુની જે પુરાકથા ઉપસી તે તો લેખનની વિશિષ્ટ શૈલી તથા નટ, તંત્રજ્ઞ અને દિગ્દર્શકની આંતર પ્રેરણાઓનું મૂર્તિમંત સ્વરૂપ હતું.

પી.એસ.ચારી
(ફણીશાઈ ચારી)


0 comments


Leave comment