3.1 - અંક : દ્વિતીય - દૃશ્ય : પ્રથમ / પૂરુ અને પૌષ્ટી / વીરુ પુરોહિત
અંક : દ્વિતીય
દૃશ્ય : પ્રથમ
સ્થળ : પ્રથમ અંક પ્રમાણે જ !
સમય : પ્રથમ અંક પછી દસ વર્ષની કોઈ વર્ષાઋતુનો પ્રથમ પ્રહર.
(જવનિકા ઉદ્ઘાટન સમયે રંગમંચ પર એક ખૂણામાં માટીનું શિલ્પનિર્માણ કરવામાં વ્યસ્ત પૂરુ શિલ્પ સ્ત્રીનો દેહ પ્રકટ કરે છે. થોડી ક્ષણો દૂર ઊભી શિલ્પને નીરખી...)
પૂરુ : દેવયાનીની પ્રતિકૃતિ જ ભાસે છે !
(વિરામ)
કાર્યની સફળતાના અર્ધપંથે આવી ઊભો છું! અવિરત દસ ઋતુચક્રની તપશ્ચર્યાની આજે પરીક્ષા લઈ રહ્યો છું! ઉત્તીર્ણ થઈશ તો દેવયાની પ્રતિ પ્રજ્વળેલા વૈરાગ્નિની શાંતિનો માર્ગ સરળ થઈ જશે!
(હસ્ત પ્રક્ષાલન)
અલ્પકાળમાં જ... હા, અત્યંત અલ્પકાળમાં વશીકરણનું આ તીર દેવયાનીના હૃદયમાં પીડા કરવા માંડશે ! એ.... એ... વિવશ બની જશે, પીડાનાં નિરાકરણ અર્થે ! સર્વ ઉપાયો નિરર્થક જણાશે... અને...માત્ર એક જ માર્ગ શેષ રહેશે, મારી સમક્ષ ઉપસ્થિત થવાનો... એને મારી આજ્ઞા પ્રમાણે જ વર્તવું ૫ડશે... હા, મારી આજ્ઞા પ્રમાણે જ....!
(વિરામ)
કિન્તુ..... પૌષ્ટીનાં પ્રણયસ્પંદનો... કદાચિત બેસૂરાં થઈ જશે ! નામશેષ પણ..... નહીં... નહીં... અત્યંત કઠીન માર્ગ ગ્રહણ કર્યો છે, મેં ! શું મારી ધારણા અનુસાર જ સર્વ ઘટના ઘટે જ, એ નિશ્ચિત છે ? આમ શી રીતે થયું?
(વિચાર કરી)
કદાચ... મારા વૈરાગ્નિએ જ મને અન્ય ધારણાઓ પ્રતિ નથી પ્રેર્યો ! તો શું આ તપ અહીં જ... અપૂર્ણ સ્થિતિએ ત્યાગી દઉં ? નહીં, નહીં, ફ્લશ્રુતિ કંઈ પણ હો, એ પૂર્ણ તો થશે જ. (પર્ણકુટિ બહાર લટકતાં ધનુષ્ય-તૂણીર લઈ, મૂર્તિ પ્રતિ શરસંધાન કરે છે. નેપથ્યે તાનપુરો છેડાય છે .)
उत्तुदस्त्वोत्त् तुद्तु मा धृथा : शयेने स्वे !
इषु: कामस्य या भीमा तवा विध्यामि त्व ह्रदि !!
( ભાવાર્થ : તારો ઉખેડનાર તને ઉખેડી નાખે, તું તારા શયનસ્થાનમાં રોકાઈશ નહી ! કામનુ જે ભયાનક તીર છે, તેનાથી તને હૃદયમાં હું વીંધું છું.
(૧) ‘અથર્વવેદ’ના તૃતીયકાંડના ચતુર્થ અનુવાકના રપમા સુક્તની છ ઋચાઓ છે, જેનો અનુષ્ટુપ છંદ છે. આ સૂકત વશીકરણ માટે હોવાનું ‘અગ્નિપુરાણ’ માં વિધાન છે. )
(મૂર્તિના હૃદયમાં તીરથી વેધન કરે છે…)
(બીજું શરસંધાન કરે છે….. નેપથ્યે પૌષ્ટીનું ગાન, ક્રમશ: સમીપ આવતા સ્વરે...…)
(ગાન)
ઈન્દ્રધનુ કંચુકી કરી, અંજન વીજળીનું ધરી !
જૂઓ, માલતીમાલ કંઠમાં ! હું શ્રાવણની પરી !
છે મોરપિચ્છનું અંબર મારે, નીવીબંધ કેકાની,
હું ભ્રમણ કરું મૃગ પેઠે, ધારા પકડીને વારિની !
આ શીકર સુવાસિત ઊડે તે મુજ કેશઘટાનું કંપન,
છે અંબુજ પર જલબિંદુ વા નથનાં મોતીનું જંપન !
કપૂર થઈને નેત્રદ્વયેથી પ્રણય પ્રતીક્ષા નીસરી !
જૂઓ, માલતીમાલ કંઠમાં ! હું શ્રાવણની પરી !
(પૂરુને શરસંધાન મુદ્રામાં નિહાળી પાછળથી આશ્લેષમાં લઈ પૂરુના સ્કંધે ચિબુક ટેકવે છે.... પૂરુના હાથથી ધનુષ્ય અને તીર છૂટી ભૂમિ પર પડે છે.)
ઓષ્ઠે ઓષ્ઠ ધરી, નાસિકારંધ્ર ગણો વાંસળી,
રોમરોમ મારાં તૃણ છે, તવ સર્પ સમી આંગળી !
(યુગલ સ્વરે)
ચક્રવાકનું ભાગ્ય લઈ આપણ અવની અવતર્યાં,
નભ ઊડયાં, જલ નાહ્માં, સ્થલમાં સાથસાથ સંચર્યાં !
યુગ યુગ આમ જ પુન: પુન: મળવાની મનસા કરી,
(પૌષ્ટી)
જૂઓ, માલતીમાલ કંઠમાં ! હું શ્રાવણની પરી !
(ગાન સમાપ્ત થતાં બન્ને થોડી ક્ષણો આશ્લેષમય રહી મત્ત રહે છે.)
પૂરુ : (ઉન્મત્ત સ્વરે) હે દક્ષની પ્રસ્વેદજાયા સુન્દરી ! તવ ગાનમાં હું મત્ત થઈ સુણતો હતો, કો' વન વિષેના વાંસને ભ્રમરે ડસી રંધ્રો કર્યા હો, તે વિષે વાયુ ફૂંકાતા જાગતા મધુસ્વર સમું કંઈ ! મુજ ચિત્ત કેરા શાંત જલમાં સ્વરમધ્રુર આકારતા નિશદિન છવિ તારી! કહે, હે સુન્દરી !
એ…શું હશે ?
પૌષ્ટી : હે મીનકેતન ! દેવ, પિતુ કે મનુષ્યો જેહનાથી ઝંખવાતા, બ્રહ્મના માનસ વિષે જે જન્મ પામતા, અગ્નિથી પણ શ્રેષ્ઠ અગ્નિરૂપ તે મારા હૃદયમાં પ્રજ્વળો છો ! હું કમલદલ શૈયા કરી, ચંદન ધરી અંગાંગ પર હર દિવસ-રજની નિર્ગમું છું આપની ઝંખા વિષે ! ’ને તે છતાં હે દેવ! મારા પ્રાણ શેં આ દેહને ત્યાગી જતાં ના ?
(બન્ને થોડી ક્ષણો એકમેકને અનિમેષ નિહાળે છે.)
પૂરુ : હે સુન્દરી ! તું મરાલી છો !
પૌષ્ટી : તમે છો માનસરોવર !
પૂરુ : હે સુન્દરી ! તું નાગરવેલી વેલ !
પૌષ્ટી : તમે છો અગતિયાનું* વૃક્ષ !
(*નાગરવેલની ખેતી કરતાં પહેલાં અગતિયાનું વૃક્ષ ઉછેરવું પડે છે, નાગરવેલ માત્ર આ વૃક્ષ પર જ ચઢે છે. પ્રેમનું કેવું અનન્ય પ્રતીક !!)
પૂરુ : હે સુન્દરી! તું સૂર્યમુખી શતદલા !
પૌષ્ટી : તમે છો સમ અશ્વના રથી !
પૂરુ : હે સુન્દરી! તું પદ્મિની સર મધ્યા !
પૌષ્ટી : તમે નભથી નીરખતા ચંદ્ર !
પૂરુ : હે સુન્દરી ! સ્વપ્નનાં સહુ રમ્ય દૃશ્યો આપણું વાસ્તવ બની સાક્ષાત હો...
પૌષ્ટી: તથાસ્તુ ! પ્રિય, તથાસ્તુ ! હું આનંદિત છું મારા આ સદભાગ્યથી !
પૂરુ : સુન્દરી ! પ્રણયના આ રથ ઉપર આરુઢ, આપણે રમ્ય પ્રદેશો ખેડયા છે...
પૌષ્ટી : હું રોંમાંચિત છું ભાવિનાં સુખદ સ્વપ્નની કલ્પનાઓથી ! હું રોમાંચિત છું. …
(શિલ્પ જોઈને) … આ શિલ્પ! કોનું શિલ્પવિધાન કર્યું તમે ?
પૂરુ: શું તમે રાજમાતાને નથી જાણતા ?
પૌષ્ટી : કિન્તુ, એમનું શિલ્પવિધાન ?! અને હૃદયમાં આ તીર...
પૂરુ : તમે તો સર્વવિદ્યાઓના જ્ઞાતા છો !
પૌષ્ટી : કિન્તુ, રાજમાતા પર વશીકરણ !
પૂરુ : હા, સુન્દરી ! હા ! મારા વૈરાગ્નિને શાંત કરવા હું દસ વર્ષોથી મંત્રસિધ્ધિમાં વ્યસ્ત હતો ! આજે મેં તીર ભોંકીને...
પૌષ્ટી : આપને રાજમાતા સાથે વૈર ! શી રીતે સંભવી શકે ? આપના બન્નેના માર્ગો જ ભિન્ન છે.
પૂરુ : અમારા માર્ગો ભિન્ન નથી ! આ ભિન્ન જણાતા માર્ગો પણ કોઈ સ્થળે એકત્ર થઈ જતા હું જોઈ શક્યો છું…હું જોઈ રહ્યો છું...એક થઈ જતા માર્ગોને.... …
પૌષ્ટી : હું આ પ્રહેલિકા નથી ઉકેલી શકતી !
પૂરુ : માતાજી સાથે રાજમાતાએ અન્યાય આચર્યો છે.
પૌષ્ટી : માતાજી સાથે ?!
પૂરુ : હા, સુન્દરી!
પૌષ્ટી : શી રીતે ?
પૂરુ : માતાજી રાજપુત્રી હતા અને દેવયાની ગુરુપુત્રી ! એક આશ્રમકન્યા.... કિન્તુ, પોતાની અને પોતાનાં પિતાજીની સત્તાનો આશ્રય લઈ, માતાજીને દાસી બનાવ્યાં... માતાજીનું રાજમાતા બનવાનું સુભાગ્ય એમણે જ હરી લીધું છે !
પૌષ્ટી: ઓહ !
પૂરુ : માતાજીને પુનઃ એમનું રાજમાતા પદ પ્રાપ્ત કરાવવા જ પ્રવૃત્ત છું! તમારો સહકાર...…
પૌષ્ટી : કિન્તુ....એ કાજે આટલો કઠિન માર્ગ ?!
પૂરુ : હું જ્ઞાત છું, સુન્દરી ! મને અન્ય અમંગલ ઘટનાઓની પણ કલ્પના છે! શકય છે કે અમંગલ પણ ઘટે !
પૌષ્ટી : (પૂરુને વળગીને) નહીં, નહીં, મારી કસોટી ન લો ! કોઈપણ અમંગલને મંગલમાં પરિવર્તિત કરવા તમે સમર્થ છો !
પૂરુ : કિંન્તુ, વિધિ જ જો અમંગલ પ્રદાન કરે તો તેને મંગલમાં શી રીતે પરિવર્તિત કરી શકાય? મારા એ સામર્થ્ય નથી !
પૌષ્ટી : (અળગી થઈને) મારામાં છે ! હું કરીશ વિધિને પણ અનુકૂળ ! હા, હું કરીશ અનુકૂળ, વિધિને...
પૂરુ : સુન્દરી ! મનુષ્યના જન્મ સાથે જ એને સર્વ કંઈ વિધિ દ્વારા પ્રાપ્ત થાય છે. કિંતુ, એક પરિધિમાં જ ! એ પરિધિની પાર કદાચ અનંત સુખ હોય તો પણ સર્વ વૃથા જ !
પૌષ્ટી : હું એ પરિધિની પારથી પણ સર્વ કંઈ આપને લાવી આપીશ !
પૂરુ : નહીં, સુંદરી ! એવી ચેષ્ટા પણ ના કરશો ! એમાં સ્વની આહુતિ જ માત્ર છે, સર્વનાશ સિવાય અન્ય કશું જ નથી!
પૌષ્ટી : હું આપીશ સ્વની આહુતિ ! ભલે મારો સર્વનાશ પણ થાય....
(કોઈનાં પગલાંનો ધ્વનિ સાંભળી પૂરુ ત્વરાથી શરસંધાન કરે છે)
પૂરુ : માતાજી પધારી રહ્યાં છે.
(ત્વરાથી મૂર્તિ પાસે જઈ છાતીમાંથી તીર ખેંચી લે છે)
(શર્મિષ્ઠા-અનુ-દ્રુહ્યુનો પ્રવેશ)
પ્રણામ માતાજી! પ્રણામ વડીલબંધુ!
(પૌષ્ટી પણ પ્રણામ કરે છે. શર્મિષ્ઠા એને સ્નેહથી આશ્લેષમાં લે છે.)
શર્મિષ્ઠા : કુશળ તો છે ને, વત્સ ?
પૌષ્ટી : આપના આશીર્વાદથી !
શર્મિષ્ઠા : આ શિલ્પવિધાન ! (પાસે જાય છે.) દેવયાનીની પ્રતિકૃતિ ભાસે છે !
પૂરુ : હા, માતાજી !
શર્મિષ્ઠા : (સાશંક) શા માટે એવું શિલ્પવિધાન કર્યું ?
પૂરુ : રાજમાતાનું કુશળ થાય, માટે વેદોકત વિધિ કરી રહ્યો હતો ! …
શર્મિષ્ઠા : કિન્તુ, આ હૃદયના ભાગે ઊંડો વ્રણ શા કારણે ?
પૂરુ : (ખડખડાટ હાસ્ય સાથે) એ તો માતાજી, આમને(પૌષ્ટી ભણી નિર્દેશી) થયું કે હું દેવયાનીમાં આસકત થયો છું, તેથી ક્રોધમાં પથ્થરનો પ્રહાર કર્યો.
શર્મિષ્ઠા : એ અત્યંત સ્ત્રી-સહજ છે ! પૂરુ ! તું શું મારી ભાવિ પુત્રવધૂને આમ જ વ્યથિત કર્યા કરશે ?
પૌષ્ટી : જુઓને માતાજી ! મને ક્યારનાય વ્યથિત કર્યા કરે છે ! સારુ થયું, આપ પધાર્યા-નહીંતો....
શર્મિષ્ઠા : બસ હવે થોડા કાળની જ વાત છે.
પૌષ્ટી : શાની ?
શર્મિષ્ઠા : યોગ્ય મુહૂર્તે તમારો વિવાહ સંપન્ન થાય, એનો પ્રબંધ કરવો પડશે...
( પૌષ્ટી લજ્જા પામે છે.)
( આ સામે પૂરુ-અનુ-દ્રુહ્યુ વાર્તાલાપમાં વ્યસ્ત છે)
(ત્રણેય ભાઈઓ મૂર્તિ ઉઠાવી... વિસર્જન કરવા પ્રસ્થાન કરે છે.)
પૌષ્ટી ! પૂરુ તો મારું અશોક વૃક્ષ છે ! મેં એનું કેટલાં જતનથી સંવર્ધન કર્યું છે ! જો ... એમાં કેવાં સુંદર પુષ્પો ખીલ્યા છે ! જો...જો.. કેવાં સુંદર પુષ્પો.... !! મારા સુખનો આજે કોઈ અવધિ નથી ! અનહદ આનંદ ઊમટી રહ્યો છે, હૃદયમાં ! પૌષ્ટી...
(ભેટે છે.)
પૌષ્ટી : કિન્તુ માતાજી ! ( અળગી થાય છે.)
તેજ ગતિનો એક જ ઝંઝાવાત બધાં જ પુષ્પોનો નાશ કરી શકે છે... એક જ ચક્રવાત વૃક્ષને પણ મૂળથી ઉખાડી કાઢે છે!
શર્મિષ્ઠા : કેમ આવું અમંગલ વિચારે છે, પૌષ્ટી ?!
પૌષ્ટી : માતાજી ! હું જ્ઞાત જ છું કે આપ સર્વપ્રકારે સમર્થ છો, એમનું રક્ષણ કરવા !
(ત્રણેય ભાઈઓનો પ્રવેશ)
શર્મિષ્ઠા: (સસ્મિત) તું નચિંત રહે ! એ મારી આજ્ઞા ક્યારેય નહીં ઉથાપે !અને જો, તમારી બંનેની વચ્ચે એવું કંઈ બન્યું હોય...
પૂરુ : (દૂરથી જ) માતાજી ! એનું કોઈ કથન ધ્યાનમાં લેશો નહીં... અન્યથા મારી વિરુદ્ધ અનેક ષડ્યંત્ર...
શર્મિષ્ઠા : તું નચિંત રહે! વત્સ !
પૌષ્ટી : (છેડાઈને) માતાજી ! આપ તો એમના પક્ષે ગયાં !
શર્મિષ્ઠા : હું તો મધ્યમાં જ છું ! …
પૌષ્ટી : (છણકો કરી) હું વિદાય લઉં છુ ; કિન્તુ માતાજી ! આપે મારા પક્ષે રહેવું પડશે ! પ્રણામ માતાજી !
(પ્રસ્થાન)
શર્મિષ્ઠા : આચાર્યશ્રી અત્યંત પ્રસન્ન હતા, બન્ને બંધુઓની શિક્ષાથી ! પૂરુ, અત્યંત સંતુષ્ઠ હતા પ્રગતિથી!
અનુ : પૂરુ, ગુરુદક્ષિણામાં શું માંગ્થું, જાણે છે ?
પૂરુ : શું ?
દ્રુહ્યુ : અમને કહે, ઈશ્વરને પ્રાર્થના કરજો કે મને પૂરુ જેવા શિષ્યો મળે!
અનુ : મને તો અત્યંત હર્ષ થયો; કિંન્તુ દ્રુહ્યુના ચહેરા પર થોડી ગ્લાનિ છવાઈ હતી!
દ્રુહ્યુ : નહીં, બંધુ ! એ તો આશ્રમથી વિદાય થવાની ગ્લાનિ હતી ! પૂરુ પ્રત્યે મને પણ આપના જેટલો જ સ્નેહ છે. પૂછો માતાજીને !
અનુ : (પૂરુ પ્રતિ જોઈ) છેડયોને ?!
(બધા હસે છે)
(નેપથ્યે પદસંચાર થતાં પૂરુ ત્વરાથી શરસંધાન કરે છે. થોડી ક્ષણોમાં વૃઘ્ધ યયાતિ અને દેવયાની પ્રવેશી રંગમંચના એકખૂણે ઊભા રહે છે.)
દેવયાની: યદુ અને તુર્વસુ અતિ મંદગતિએ આવતા લાગે છે.
યયાતિ : હં !
દેવયાની : દેવ ! હું અત્યંત સાશંક છુ.
યયાતિ : શાથી ?
દેવયાની : પ્રાત: મને આવેલાં સ્વપ્નથી ?
દેવયાની : પ્રાત: મને આવેલાં સ્વપ્નથી ?
યયાતિ : શાનું સ્વપ્ન ?
દેવયાની : મેં નિહાળ્યું કે હું સર્વ શૃંગાર કરી, નવોઢાનું રૂપ ધરી ઊભી છું, અને કોઈ અજાણ્યો યુવાન મારો પાણિગ્રહી મને પોતાના ભણી આકર્ષી રહ્યો છે ! હું પણ કશો જ પ્રતિકાર કર્યા વગર એના આશ્લેષમાં જાઉં છું ! કંઈ અમંગલ તો નહીં ઘટે ને ?
યયાતિ : નહીં દેવિ ! શાંત થાઓ ! (આગળ વધે છે…)
(પૂરુ –અનુ - દ્રુહ્યુ અને શર્મિષ્ઠા પ્રણામ કરે છે.)
શર્મિષ્ઠા : આપનું સ્વાગત છે, પધારો !
(અનુ-દ્રુહ્યુ બાજઠ લાવી આસન આપે છે.)
યયાતિ : (બેસીને) હજુ પણ યદુ અને તુર્વસુ આવ્યા નહીં
દેવયાની : આવતા જ હશે ! લો, આવી ગયા.
(બન્ને શર્મિષ્ઠાને પ્રણામ કરે છે.)
યયાતિ : યદુ અને તુર્વસુને યુવાન થયા નિહાળી, મને આચાર્યશ્રીનું શાપનિવારણ સ્મરણમાં આવ્યું ! વર્ષોથી આ વૃધ્ધાવસ્થાની અસહ્ય પીડાથી ત્રસ્ત તો છું જ ! આજે મને થયું : લાવ, મારા સર્વ પુત્રોને પૂછી જ લઉં! યદુ, વત્સ ! અહીં આવ !
યદુ : જી પિતાશ્રી ! (આગળ આવે છે.)
યયાતિ : આ ! મારી પીડાદાયક વૃધ્ધાવસ્થા દૂર કરવાનો એક જ માર્ગ છે. આચાર્યશ્રીએ આપેલા આ શાપનું એક જ નિવારણ છે, તેથી વત્સ ! હું તને પૂછું છું, શું મારી આ વૃધ્ધાવસ્થા સ્વીકારી, તારી સુંદર યુવાવસ્થા મને આપીશ ?
યદુ : પિતાશ્રી ! હું આપનો જ્યેષ્ઠ પુત્ર છું, આપનો પ્રથમ ઉત્તરાધિકારી ! તેથી આપની વૃધ્ધાવસ્થાનો પણ પ્રથમ અધિકારી હું જ ગણાઉ ! કિન્તુ, પિતાશ્રી ! જે યુવાવસ્થા મને પુનઃ ક્યારેય ન મળી શકે, તેને અર્પણ હું શી રીતે કરું ?
(યયાતિ, દેવયાની ભણી જુએ છે-તે નીચું જોઈ જાય છે.)
યયાતિ : તુર્વસુ, વત્સ ! અહીં આવ !
(આવે છે.)
વત્સ!તું મારો પ્રિય પુત્ર છે! તું નાનો હતો ત્યારે તે એક વૃધ્ધને જોઈ કહ્યું હતું, પિતાશ્રી, હું આપને આ સ્થિતિમાં ક્દાપિ ન જોઈ શકું ! વત્સ ! હું તારી યુવાવસ્થા માંગું છું. આપીશ?
તુર્વસુ : પિતાશ્રી ! હું આપનો અતિસ્નેહ પામ્યો છું, સત્ય છે ! હું આપને આ કષ્ટપ્રદ સ્થિતિમાં નથી જોઈ શકતો, એ પણ સત્ય છે ! કિન્તુ, હું આવી સ્થિતિમાં મને પણ શી રીતે જોઈ શકું ?
(યયાતિ, દેવયાની ભણી જુએ છે-તે નીચું જોઈ જાય છે.)
યયાતિ : અનુ, વત્સ ! અહીં આવ !
(આવે છે.)
વત્સ ! હું જ્ઞાત છું કે રાજપુત્ર હોવા છતાં મેં તને રાજમહાલયમાં રહેવાનો અધિકાર આપ્યો નથી; કિંન્તુ... તું મારો પુત્ર હોવાથી જ હું તારી યુવાવસ્થા માંગું છું ... આપીશ ?
વત્સ ! હું જ્ઞાત છું કે રાજપુત્ર હોવા છતાં મેં તને રાજમહાલયમાં રહેવાનો અધિકાર આપ્યો નથી; કિંન્તુ... તું મારો પુત્ર હોવાથી જ હું તારી યુવાવસ્થા માંગું છું ... આપીશ ?
અનુ : હું અવશ્ય અર્પણ કરું; કિન્તુ પિતાશ્રી જે આચાર્યશ્રી એ મને શિક્ષા અને સંસ્કાર આપ્યા છે તેમના પ્રતિ હું અધ્યયનકાર્ય કરવા વચનબધ્ધ છું ! હૂં વિવશ છું, પિતાશ્રી ! મને ક્ષમા કરો !
(યયાતિ, શર્મિષ્ઠા ભણી જુએ છે-તે નીચું જોઈ જાય છે.)
યયાતિ : દ્રુહ્યુ, વત્સ ! અહીં આવ!
(આવે છે)
વત્સ, તેં જન્મ સમયે જ મસ્તક ઊંચું કરી ઉત્તર ભણી જોયું હતું, તેથી મેં શર્મિષ્ઠાને વચન આપ્યું હતું કે આ બાળકને હું ઉત્તરનું આધિપત્ય આપીશ; કિંન્તુ વત્સ! એ આપતાં પહેલાં તારી યુવાવસ્થા માંગવાનો સમય આવ્યો ! વત્સ, તારી યુવાવસ્થા આપીશ મને ?
દ્રુહ્યું : મારું સદભાગ્ય કે હું આપને કંઈક આપી શકું ! પણ આચાર્યશ્રીએ શિક્ષાનો પ્રસાર કરવા મને વચનબધ્ધ કર્યો છે ! અને વૃધ્ધાવસ્થામાં એ કાર્ય શી રીતે સંભવે? મને ક્ષમા કરો, પિતાશ્રી!
(યયાતિ, શર્મિષ્ઠા ભણી જુએ છે-તે નીચું જોઈ જાય છે.)
યયાતિ : પૂરુ, વત્સ! તું મારું અંતિમ આશાકિરણ છે !
પૂરુ : પ્રણામ પિતાશ્રી ! પ્રણામ માતુશ્રી !
યયાતિ : વત્સ ! મારા સર્વપુત્રોમાં તું અનુજ છે. તું મને સર્વથી અધિકપ્રિય છે ! તું સર્વથી વિદ્વાન પણ છે ! વત્સ ! મારી આ વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી શું તું તારી યુવાવસ્થા અર્પણ કરશે ?
પૂરુ : પિતાશ્રી ! આપે જ્યારે વડીલબંધુઓને આ જ પ્રશ્ન કર્યો ત્યારથી જ મારા હૃદયમાં કંપ જાગી રહ્યો હતો ! મને ભય હતો કે એમાંના કોઈ ‘હા’ ભણી દેશે તો મારી મનોકામના પૂર્ણ નહીં થાય! હું મારા સર્વ વડીલબંધુઓનો ઋણી છું…
યયાતિ : અર્થાત્ વત્સ, તું મારી વૃધ્ધાવસ્થાનો સ્વીકાર કરે છે ? મને તારી યુવાવસ્થા અર્પણ કરે છે ?!
પૂરુ : અવશ્ય પિતાશ્રી ! મારી સર્વ અવસ્થાઓ પર આપનો તથા માતુશ્રીનો અધિકાર છે ! બાલ્યકાળનાં સર્વ દશ્યો આજે પણ મને સ્પષ્ટપણે સ્મરણમાં છે ! આપે મારી આંગળી પકડી મને ચાલતાં શીખવ્યું, વનનાં પશુ-પક્ષીઓ હોંશભેર ઓળખાવ્યાં, હું હસ્યો ત્યારે આપ હસ્યા- હું રડયો ત્યારે આપ રડયાં... મને ઠેસ વાગી અને આપ ગબડયા ! સઘળું જ સ્મરણમાં છે... પિતાશ્રી! હું મારી યુવાવસ્થા જ માત્ર નહીં, મારા પ્રાણ પણ આપને અર્પી શકું... કિન્તુ...
યયાતિ : કિન્તુ ?!
પૂરુ : મને માતાજીની આજ્ઞા હોય તો જ!
(યયાતિ શર્મિષ્ઠા ભણી જુએ છે…એ સગર્વ નિહાળે છે.)
માતાજી, આપ મને આજ્ઞા કરો ! મારી મનોકામના અધીરતા ધારણ કરી રહી છે !
(સર્વ કોઈ શર્મિષ્ઠા ભણી દૃષ્ટિ નોંધી ઊભાં છે)
શર્મિષ્ઠા: પૂરુ, વત્સ ! ગર્વ છે મને તારા નિર્ણયથી ! તેં જ મને આજે શર્મિષ્ઠામાંથી ગર્વિષ્ઠા બનાવી છે ! પૂરુ ! વર્ષોથી મારાં હૃદયસ્પંદનો કોઈ જ આકાર ધર્યા વિના વાયુમાં વિલીન થઈ જતાં હતાં ! મને હમેશાં એમ જ થતું કે મારાં સ્પંદનો જાણે વાયવ્ય રહેવા જ સર્જાતા હશે ! કિન્તુ, વત્સ ! તું ! માત્ર તું, એક એવું સરોવર છે, જેમાં મારા હૃદયસ્પંદનોનાં સ્પષ્ટ વલયો મને દેખાયાં છે ! પૂરુ ! હું ધ્વનિ છું અને તું પ્રતિઘ્વનિ ! અને એ પણ એવો પ્રતિધ્વનિ જે અનેકગણાં સ્વરૂપે પ્રકટ થાય છે ! પૂરુ, મારે મન તું માત્ર પુત્ર જ નથી; મારી લાગણીઓ, મારી આકાંક્ષાઓ, મારી ઈચ્છાઓનો પ્રતિધ્વનિ છે; જેમાં સહસ્રદલકમલરૂપે શોભતું સરોવર પણ છે ! વત્સ ! મારી સ્થિતિ તો જો ! હું તને આજ્ઞા આપીશ અને મારા જ હાથે આ સરોવરને ડહોળી નાંખીશ !
(વિરામ)
ક્ષણો પછી, વત્સ ! તું વૃધ્ધ થશે…. માત્ર વૃઘ્ધ થશે એટલું જ નહીં, તું મારો પણ વડીલ થશે ! પૂરુ ! શું આવું ઘટ્યું છે કયારેય કે માતા કરતાં પુત્ર માટો હોય ?!
પૂરુ : માતાજી ! વનમાં જ્યારે વસંતનું આગમન થાય, પુષ્પોથી ખચિત આખું વન આપની સમક્ષ હસી રહ્યું હોય; ત્યારે ધારજો કે આપનો પૂરુ જ હસી રહ્યો છે ! માતાજી ! પક્ષીઓનો સમૂહ જયારે તાર સ્વરે કલરવ કરતા હોય ત્યારે ધારજો કે આપનો પૂરુ ગાન સંભળાવી આપનો રોષ સમાવી રહ્યો છે ! આકાશમાં જયારે ચંદ્ર તારકો ચમકી રહ્યા હોય; ત્યારે માતાજી, ધારજો કે આપનો પૂરુ આપને દૂરથી નીરખીને આનંદિત થઈ રહ્યો છે ! વળી હે માતાજી ! વર્ષાઋતુમાં જયારે આકાશમાંથી જલધારાઓ ઊતરી આવે ત્યારે એને માત્ર ધારાઓ જ ન માનશો... માનજો કે આપનો પૂરુ એની આંગળીઓ લંબાવી રહ્યો છે, આપના પ્રતિ, આપના આલંબન માટે ! માતાજી ! મને આપશોને આલંબન ?
(શર્મિંષ્ઠા ધૂસકે ધૂસકે રુદન કરે છે)
શર્મિષ્ઠા : બસ, વત્સ ! બસ !
પૂરુ : માતાજી ! જયારે આપ પર્ણફુટિની બહાર નિદ્રાધીન હશો ત્યારે કયારેક રાત્રિના કાળે, વાયુના સંચરણથી આ મધુમાલતીની વેલ આપના કપોલે સ્પર્શે; તો ધારજો કે આપનો પૂરુ જાગી ગયો છે અને સ્તનપાન માટે વિનવી રહ્યો છે !
શર્મિષ્ઠા: (ડૂસકાં સાથે) બસ, વત્સ ! વત્સ !
પૂરુ: માતાજી ! હું કયાંય જઈશ નહીં, જુદાંજુદાં રૂપે આપની આસપાસ જ હોઈશ ! મને આજ્ઞા આપો, માતાજી !
શર્મિષ્ઠા: વત્સ ! કોઈ અસાવધ ક્ષણે પણ મારા હૃદયમાં તારી વૃઘ્ધછવિ આકારાઈ હોય તેવું મને સ્મરણમાં નથી ! છતાં… હું કઠોરહૃદયા માતા તને આજ્ઞા આપું છું કે તું તારા પિતાશ્રીની વૃધ્ધાવસ્થા ગ્રહણ કરી, તારી યુવાવસ્થા અર્પણ કર !
યયાતિ : વત્સ, અનુ, દ્રુહ્યુ! પર્ણકુટિના પાર્શ્વભાગમાં સ્થિત યજ્ઞફૂંડમાં અગ્નિનું સ્થાપન કરો !
(બન્ને જાય છે.)
દેવયાની : પૂરુ ! મારી દૃષ્ટિ સમક્ષ વર્ષો પહેલાંનો પેલો નટખટ કુમાર આજે પણ તરવરી રહ્યો છે ! મેં તને પરત કરેલું પેલું ફળ તો તને સ્મરણમાં જ હશે !
(પૂરુ નિરુત્તર) મને થાય છે. સારું થયું જે થયું તે ! આટલાં વર્ષે પણ ફળ તો મળ્યું !
(નેપથ્યે અગ્નિસ્થાપનના શ્લોકો શરૂ થાય છે.)
યયાતિ : વત્સ, પૂરુ ! ચાલ યજ્ઞફૂંડ સમીપે !
(પૂરુ, શર્મિષ્ઠાને પ્રણામ કરી જાય છે)
(થોડી ક્ષણો રંગમંચ પરનાં સર્વપાત્રો સ્થિર. નેપથ્યે યયાતિના ૐ ણે હ્રિં કલીં શ્રી…નું પુનરાવર્તન સભળાય છે. યયાતિ યુવાવસ્થા ધરી પ્રવેશે છે. દેવયાની સાનંદ બે ડગ સામું ચાલે છે. શર્મિષ્ઠા અપલક નિહાળે છે. પૂરુ વૃધ્ધાવસ્થા ધરી પ્રવેશે છે.)
શર્મિષ્ઠા : (ચીસ પાડી) પૂરુ ! (ડૂસકાં સાથે) પૂરુ ! હું જ હતભાગી છું ! મારું દુર્દેવ તો જુઓ!
(પૂરુ અને યયાતિ બન્ને પ્રતિ બન્ને હાથ ફેલાવે છે) જુઓ, મારું દુર્દેવ ! હું બન્ને બાજુથી હરાઈ ગઈ છું ! એક બાજુથી મારો પુત્ર હરાઈ ગયો... અને બીજી બાજુથી સ્વામી...! વેદનાનાં આ વમળદ્વયમાં.... (ક્લ્પાંત કરતાં ઊભડક બેસે છે) પ્રભુ! મારા પર થોડી તો કૃપા કરો ! મને તત્કાળ મૃત્યુ તો આપો !
(ફસડાઈ પડે છે ને મૂર્છા પામે છે.)
(અનુ-દ્રુહ્યુ સુશ્રુષામાં વ્યસ્ત છે.)
દેવયાની : (યયાતિને) પ્રિય ! આપ અત્યંત સુંદર જણાઓ છો ! અહી પધારો, આ જલમાં આપનું પ્રતિબિંબ નિહાળવાનું આપને અવશ્ય ગમશે ! પધારો પ્રિય !
(બન્ને રંગમંચની ધાર પાસે ઊભી પ્રેક્ષાગારના ઊંડાણે નિહાળે છે. યયાતિ અત્યંત પ્રસન્ન જણાય છે. )
યયાતિ : અત્યંત આકર્ષક જણાઉં છું. ! આપ શું કહો છો, દેવિ?
દેવયાની : સાક્ષાત્ કામદેવ જેવું રૂપ છે આપનું દેવ ! (જલમાં નિહાળી) પ્રભાતે દેદીપ્યમાન બાલાર્ક જેવી કાંતિ છે, આપની ! પૂર્ણ ખીલેલાં, મંદવાયુથી ડૉલાયમાન થતાં બે કમલ સમાન આપનાં ચક્ષુઓ... પરવાળાંયુકત નિર્મળ સરોવરમાંથી જાણે સીધી દાંડી પર પ્રગટી શોભાયમાન થઈ રહ્યાં છે ! દેવ ! જુઓ, આપની આંખોમાં મારું પ્રતિબિંબ દેવીલક્ષ્મી સમાન કેવું હસી રહ્યું છે !
યયાતિ : હા, દેવિ !
દેવયાની : પ્રિય, હવે પ્રસ્થાન કરીશું ?
યયાતિ : હા, દેવિ !
દેવયાની : પૂરુ! તારે પણ રાજમહાલયમાં પધારવાનુ છે !
(પૂરુ મસ્તક હલાવી ‘હા' ભણે છે)
અનુ! દ્રુહ્યુ ! તમે માતાજીને સંભાળજો ! એ જ્યારે સ્વસ્થ થાય ત્યારે જાણ કરજો કે પૂરુ રાજમહાલયમાં છે!
(દેવયાની-યયાતિ-પૂરુ -યદુ-તુર્વસુનું પ્રસ્થાન)
(થોડી ક્ષણોમાં શર્મિષ્ઠા જાગૃત થાય છે)
શર્મિષ્ઠા : (બ્હાવરી બની શોધતાં) પૂરુ ! વત્સ પૂરુ ! તું ક્યાં છે? (અનુને) પર્ણકુટિની પાછળ છે? (દ્રુહ્યુને) વનમાં કાષ્ઠ લેવા ગયો હશે? ના...ના.….દેવપૂજા કરી રહ્યો હશે ! હં...તેથી જ મને પ્રત્યુત્તર નથી આપતો ! (પર્ણફુટિમાં જઈ આવે છે.) પૂરુ ! તું કયાં છે? (અનુને હચમચાવતાં) કયાં છે, પૂરુ?
અનુ : માતાજી ! આપ સ્વસ્થ થાઓ !
(વિરામ) પૂરુને પિતાશ્રી એમની સાથે રાજમહાલય લઈ ગયા છે !
શર્મિષ્ઠા : (ગળગળા સ્વરે) જાણો છો તમે ? એક દિવસ એક ઘવાયેલા પક્ષીને લાવી પૂરુ મને કહે: માતા, આ તારો પૂરુ છે એમ માની સુશ્રુષા કર ! અને આજે મેં જ મારા પૂરુને ક્ષત કર્યો !?
(અનુના મસ્તક પર હાથ પસવારે છે…..બીજી બાજુ દ્રુહ્યુ હશે એમ માની હાથ ફેલાવે છે, પણ હાથ નીચો પડે છે…)
અનુ ! દ્રુહ્યુ કયાં ?
અનુ : માતાજી ! એ પૂરુ અહીં લાવવા...
શર્મિષ્ઠા : જ્ઞાત છે તમને ? એક દિવસ મેં ક્ષીરપાક બનાવી તેને આપ્યો, તો એ ભોળિયો મને કહે : માતાજી ! વડીલબંધુઓ આવશે ત્યારે જ હું એમની સાથે આરોગીશ ! તમે બન્ને આજે આવ્યા; કિન્તુ મેં પૂરુને વિષ આરોગવા કહ્યું... અને... અને... એ ભોળિયો આરોગી પણ ગયો ! હા, આરોગી જ ગયો ! સાવ ભોળિયો... સાવ જ… ભોળિયો !
(વિરામ)
મેં આજ્ઞા જ ન આપી હોત તો સારું હતું ! પૂરુ ! મારા પૂરુ !
(અનુના ખભે મસ્તક ઢાળી રુદન કરે છે. અનુ માતાના મસ્તકે હાથ પસવારે છે. શર્મિષ્ઠા સંકલ્પ સાથે ઊઠે છે. પર્ણફુટિમાંથી પૂજાથાળ લાવી, ધનુષ્ય તૂણીરને તિલક કરી પુષ્પમાલા અર્પણ કરે છે.)
(એજ વેળા પૌષ્ટીનું આગમન)
પૌષ્ટી : માતાજી ! માતાજી ! આપ રડી રહ્યાં છો ?
શર્મિષ્ઠા: (બાઝી પડે છે,) પૂરુ ! મારો પૂરુ !
પૌષ્ટી : શું થયું પૂરુને ? (અવાજ ફાટી જાય છે.)
શર્મિષ્ઠા : વત્સ ! એક મયૂર કલા કરી રહ્યો હતો, આનંદમાં મગ્ન એ નૃત્ય કરી રહ્યો હતો; મેં એનાં પિચ્છ ખેંચી લીધાં ! મેં પુષ્પોથી ખચિત એક છોડ મરડીં નાખ્યો ! હું પાપિણી છું ! હા, હા, હું જ પાપિણી છું !
પૌષ્ટી : માતાજી, આપ કંઈ તો કહો !
(અનુ પ્રતિ) શું થયું છે પૂરુને ?
અનુ : પિતાશ્રીની વૃદ્ધાવસ્થા ગ્રહણ કરી, પોતાની યુવાવસ્થા અર્પણ કરી છે !
પૌષ્ટી : અત્યારે ક્યાં છે?
અનુ ; એમની સાથે રાજમહાલય!
પૌષ્ટી ; હું જઈશ ત્યાં...
શર્મિષ્ઠા: નહીં, તું નહીં જાય !
પૌષ્ટી : (રડમસ બની) માતાજી ! જેણે, એક એક તણખલું એકઠું કરી રહેલી ચકલીનો માળો શીર્ણવિશીર્ણ કરી નાખ્યો છે, કળાયેલ મોરની આસપાસ રમતી ઢેલનું સૌભાગ્ય, મોરને હરીને દુર્ભાગ્યમાં પરિવર્તિત કર્યુ છે, સૂર્યને રાહુ ગ્રસી ગયો છે, અને સવાર પછી તૂર્ત જ રાત્રી મળી છે; છતાં આપ એ વ્યાધ પાસે જવા આજ્ઞા આપવાનું છોડી, હું પૂરુનું મુખદર્શન ન કરી શકું એવી આજ્ઞા આપો છો ?
શર્મિષ્ઠા: હા, મારી એ જ આજ્ઞા છે !
પૌષ્ટી : માતાજી ! આપ અન્યાય કરી રહ્યાં છો I
શર્મિષ્ઠા : મને એ આક્ષેપ માન્ય છે !
પૌષ્ટી : આપે મને એમનું રક્ષણ કરવાનું વચન આપ્યું હતું ! આપે વચનભંગ કર્યો છે!
શર્મિષ્ઠા : મને એ આક્ષેપ પણ થાય છે !
પૌષ્ટી : માતાજી ! કોઈએ મારા પર ઢોળેલા દુર્દૈવને હું શા માટે જીવનભર ઊંચક્યા કરું ?
શર્મિષ્ઠા : એ ‘કોઈ’ નથી ! મારો પુત્ર છે !
પૌષ્ટી : અને મારા પ્રિયતમ !
શર્મિષ્ઠા : હાસ્તો !
પૌષ્ટી : મારા ભાવીસ્વામી!
શર્મિષ્ઠા : હાસ્તો !
પૌષ્ટી : તો હું પૂછું છું : મારા સ્વામીએ ક્યાં અપરાધનો દંડ કર્યો છે, મને? શું મારો પ્રેમ મારો અપરાધ છે? શું મેં સેવેલાં રમણીય સ્વપ્નો મારો અપરાધ છે ? અને શું એમની યુવાની પર માત્ર એમનો જ અધિકાર ? મારો તલમાત્ર પણ નહી… ?
શર્મિષ્ઠા: મારી આજ્ઞા લીધી હતી !
પૌષ્ટી: મારી સંમતિનીં લેશ પણ આવશ્યકતા ન જણાઈ ? અને….અને.... માતાજી ! આપે પણ આવી આજ્ઞા આપી ?
શર્મિષ્ઠા : પૌષ્ટી, વત્સ ! લાગણીના પ્રચંડ પ્રવાહમાં તે ક્ષણે હું તણાઈ રહી હતી. મારા નિર્ણયો ત્યારે હું નહોતી લેતી, જાણે કોઈ અગમ્ય તત્વ જ મારા દ્વારા નિર્ણયો કરતું હતું ! આવી અવસ્થામાં પૂરુએ યુવાવસ્થા અર્પવા મારી આજ્ઞા માંગી... અને મારાથી આજ્ઞા અપાઈ ગઈ ! પૌષ્ટી ! સહનશીલતા સ્ત્રીનો ગુણ....
પૌષ્ટી: હું ત્યાં જઈશ ! અને મારા ભાવિસ્વામીને પૂછીશ.…
શર્મિષ્ઠા : નહીં, વત્સ ! હવે વધુ અનર્થો સર્જવાનું રહેવા દે ! તું નહીં જ જાય !
(પૌષ્ટી જવા કરે છે.) એક ડગ પણ આગળ જાય તો તને મારા શપથ છે !
(પૌષ્ટી એ જ મુદ્રામાં સ્થિર ! પાછાં ફરી...)
પૌષ્ટી: તો માતાજી, મારી પ્રતિજ્ઞા પણ આપ સાંભળો !
(દ્રુતલયે મૃદંગવાદન) આપ પૂરુને સંદેશો મોકલજો કે હું અહીં જ (પર્ણફુટિની સમીપે સ્થિત એક શિલા પર આસન ગ્રહી) જન્મજન્માંતર પર્યંત એના આગમનની પ્રતીક્ષા કરીશ ! વળી, કહેજો કે, આપે મને રાજમહાલયમાં જતાં અવરુધ્ધ કરી છે, તેથી હું પણ કાલદેવતાને અવરુધ્ધ કરી, અહીં જ આ પર્ણફુટિ પાસે, મને પ્રાપ્ત થયેલી યોગવિદ્યાના બળે કાષ્ઠમય થઈ શતવર્ષ પર્યંત પ્રતીક્ષા કરીશ ! શતવર્ષે હું પુનઃમૂર્ત થઈશ, અને જો એમને પામીશ નહીં તો પુન: શતવર્ષ કાષ્ઠમય થઈશ !
(યોગમુદ્રામાં આસનસ્થ થાય છે.)
શર્મિષ્ઠા: નહી વત્સ ! નહી !
(એજ વળાએ દ્રુહ્યુના પ્રવેશ)
દ્રુહ્યુ : માતાજી!
(શર્મિષ્ઠા એ બાજુ, નિહાળી)
શર્મિષ્ઠા : પૂરુ ! (એક ડગ ભરે છે.)
(બીજી બાજુ નિહાળી)
પૌષ્ટી!
પૌષ્ટી!
(દ્રુતલયે વાદ્યસંગીત દૃશ્ય સ્થિર થાય છે, પ્રકાશ આયોજનથી પુરુ ! શર્મિષ્ઠા ! પૌષ્ટી ! સતત દર્શાવાય છે)
(અંધકાર)
0 comments
Leave comment