64 - ઘોંઘાટમાં / ગૌરાંગ ઠાકર
રોજ શોધું છું અહીં રઘવાટમાં
મૌન ખોવાઈ ગયું ઘોંઘાટમાં
હું બગડતા ઢાળનો પથ્થર નથી,
કૈંક શીખી જાઉં છું પછડાટમાં.
આભનો એને મુબારક વ્યાપ, દોસ્ત,
કેમ રાખું પાંખ હું ફફડાટમાં.
મારું ને ઈશ્વરનું એક જ ઘર અહીં,
ભીડ થઈ ગઈ ખોળિયે વસવાટમાં.
હું કશું પણ મેળવીને શું કરું ?
હોય છે આનંદ બસ, તલસાટમાં.
0 comments
Leave comment