69 - બા / ગૌરાંગ ઠાકર


જન્મ દઈ પહેરાવી ખુદની ચામડી,
રોજ સીવતી હૂંફની બા ગોદડી.

એમ જોયું બા વગરનું ઘર અમે,
જળ ગયું ને કાંઠે રહી ગઈ નાવડી.

અમને ચાંચે ચણ ને પાંખે પીંછાં દઈ,
તું અચાનક કેમ બહુ ઊંચે ઊડી ?

જીવતી ગીતા હતી બા કૃષ્ણની,
કર્મથી એ ના કદી છૂટી પડી.

સાવ જુદું ને સરળ જીવન જીવી,
એણે પગમાં પહેરી ન્હોતી પાવડી.

હે પ્રભુ, હર જન્મમાં આ બા મળે,
તું કહે તે રાખું બાધા-રાખડી.

હું કવિતા શું લખું ‘ધનુબા’ વિશે,
લ્યો, મને ઓછી પડી બારાખડી.

(‘ધનુબા’ સ્વર્ગવાસ – ૧૪.૧૦.૨૦૦૬)


0 comments


Leave comment