3 - પ્રકરણ - ૩ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


      નીલકંઠને પ્રશ્ન થયો : મહેશભાઈ ખરેખર પોતાના મોટા ભાઈ હતા ? પછી એ પ્રશ્ન થવા બદલ તેણે શરમની આછી લાગણી અનુભવી. તોય મહેશભાઈનું અરુચિકર ચિત્ર તેનાથી ઘૂંટાયા કર્યું – આખો દિવસ પગારવધારો, બોનસ, ગ્રેચ્યુઇટી, કે કેઝ્યુઅલ લીવની વાતો કરતા, સવારનું અખબાર સાંજે – અથવા સાંજ સુધી વાંચતા, રાત્રે જમ્યા પછી નિયમિતપણે દાંતે તપખીર ઘસતા, ચાર કે પાંચ ચોક્કસ યાદ નથી – બાળકોને રાત્રે ભણાવતા અને महिम्नस्तोत्र નો મુખપાઠ કરાવતા, ક્યારેક કંટાળીને પત્નીને એટલે કે લલિતાભાભીને થપાટ લગાવી દેતા, ઘરના એકેએક સભ્યની સવિશેષ પોતાની વર્ષગાંઠ ઉત્સાહપૂર્વક અને ભૂલ્યા વગર ઊજવતા, વારતહેવારે મિષ્ટાન્ન જમવાની અપેક્ષા રાખી ભર્યે પેટે બપોરે ઊંઘતી વખતે નસકોરાં બોલાવતા, વાંચવાની ઈચ્છા થાય તો બંકિમબાબુથી માંડીને શ્રીમદ્દ રાજચંદ્ર સુધીનાં લેખકોનાં ઊધઈ ખાધેલાં પુસ્તકો છાજલી પરથી ઉતારતાં, રોજ સવારે ૪૫ મિનિટ સુધી સંધ્યા કરતા, દર સોમવારે એકટાણું કરતા, શ્રાવણ મહિનામાં રોજ સાંજે ભૂલેશ્વર જઈ બીલીપત્ર ચડાવી આવવાનો નિયમ રાખતાં, કોઈવાર ‘ગેલોર્ડ’ જેવી હોટેલમાં જઈ વેજિટેબલ કટલેસ ખાઈ આવતા, ભારતનાં જે જે રાજ્યો લોટરીની ટિકિટો કાઢતાં હોય એ બધાંની ટિકિટો જુદાં જુદાં બાળકોને નામે ખરીદી તેનો ડ્રો થવાનો હોય તેની આજુબાજુના દિવસો એ ભારે ઉશ્કેરાટમાં રહેતા, અવારનવાર વરલી મટકાના આંકડા લગાવતા, શ્યોર આંકડો મેળવવા માટે જાતજાતના નુસખા અજમાવતા.....

      નીલકંઠને હજી વધારે વિચારો આવતા હતા, પણ મહેશ – ભાઈએ એને ખભો પકડીને ઢંઢોળ્યો એટલે ‘હા, મોટા ભાઈ ! ચાલોને ઘેર’ કહી તે સ્થિર ઊભો રહી ગયો. તેની અનિચ્છા છતાં મહેશભાઈ એના આ સૂચનનો સ્વીકાર કરી તરત ગલીમાં આગળ વધ્યા એટલે નીલકંઠને પણ તેનું અનુસરણ કરવું પડ્યું. મકાનનો દાદર ચઢતાં ચઢતાં તો એમણે કેટલા બધા પ્રશ્નો પૂછી લીધા : ‘તમારે ત્યાં હવે નળમાં પાણી નિયમિત આવે કે ? છાપાવાળો સવારે છ વાગ્યે છાપું નાંખી જાય છે ને ? દક્ષિણ દિશામાં મકાનો છે એટલે શિયાળામાં તમારે બહુ પવન નહિ આવતો હોય’ – અને નીલકંઠે જેવું રૂમનું બારણું ઉઘાડ્યું કે તરત મહેશભાઈએ પૂછ્યું : ‘નીરા ક્યાં ગઈ છે ? ઘરમાં નથી શું ?’ નીલકંઠે જાણે એમનો એ પ્રશ્ન સાંભળ્યો જ ન હોય એમ કશો જવાબ આપ્યો નહિ, પણ મહેશભાઈ એટલે મહેશભાઈ; એમણે ફરીથી પૂછ્યું, ‘મેં કહ્યું, નીલકંઠ, નીરા બહાર ગઈ છે ?’ એમનો પ્રશ્ન બરાબર પૂરો થવા દઈ થોડીક ક્ષણો પછી નીલકંઠે જવાબ આપ્યો, ‘એને પિયર ગઈ છે.’

‘ક્યારથી ?’ તરત જ મહેશભાઈનો નવો પ્રશ્ન આવ્યો.
‘હમણાં... એકબે દિવસથી.’
‘ક્યારે પાછી આવવાની છે ?’ સીમાવિહીન કુતૂહલ.
‘આવશે બેત્રણ દિવસમાં.’
‘એને પિયરે કોઈ સાજુંમાંદું ?’ પ્રશંસનીય વ્યવહારકુશળતા.
‘મને ખબર નથી.’
      ‘ત્યારે શું નીરા અમસ્તી જ પિયર ગઈ છે ?’ આ પ્રશ્ન છેલ્લો હશે ? આશા તો નહોતી. નીલકંઠને લાગ્યું કે એના મનમાં પેલી ટેન્શનની લાગણી ફરીથી નોકદાર બનતી જતી હતી. એણે વાત બદલવા પૂરતો વિવેક કર્યો : ‘મહેશભાઈ ચા પીશો ને ?’ મહેશભાઈએ કહ્યું : ‘હા, જરા ફક્કડ બનાવજે; મસાલો નાખીને.’
(ક્રમશ:....)


0 comments


Leave comment