83 - ૧૩ જૂન / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આખરે આજનો દિવસ પૂરો થયો. સવારે ડિપાર્ટમેન્ટ પર ગઈ, તો રુચિએ સમાચાર આપ્યા કે આજે વૃંદા-અજિતનાં લગ્ન છે. કાલે રાત્રે ફોન હતો. બધું અચાનક જ નક્કી થયું.

      એક પણ સેશન એટેન્ડ કર્યા વિના રૂમ પર આવતી રહી. મારે ખૂબ જ ખુશ થવું હતું, પણ સતત એક ઠંડી ઉદાસી મને ઘેરતી જતી હતી. ના, આ દિવસ માતમ મનાવવાનો નથી, કમ-સે-કમ વૃંદાને તો એક દિશા મળી...

      છેવટે સાંજે રૂમની બહાર નીકળી, અંબાજીથી મમ્મીએ ખરીદેલી સાડી પહેરીને. વૃંદા માટે ય મમ્મીએ લીધી છે, પરંતુ એનું આસમાની લહેરિયું....

      પહેલી વાર લાગ્યું કે રંગોના હોઠ પણ સિવાઈ જાય છે. સ્ટેન્ડ પર આવી તો થયું, ક્યાં જાઉં ? સાબરમતી ? હિંમત ન ચાલી, પાછળ ફરીને જોવાની. અવઢવમાં હતી ત્યાં એક બસ પાસે આવીને ઊભી રહી. ચડ્યા પછી જોયું તો એ ૯૦/૨ હતી. સાબરમતી આશ્રમ ઊતરી. ઊંચા જીવે એક આંટો માર્યો. જાણે કોઈ અજાણ્યો વિસ્તાર હતો ને સતત કોઈ મારો પીછો કરતું હતું ! ઘાટ પાસે પાણી સુકાઈ ગયું હતું. માળામાં પાછાં ફરેલાં પંખીનો અવાજ માથે ચકરાવા લેતો ઠોલતો હતો મને. ન સહેવાતાં ચડી ગઈ બસમાં.

      જાણે મને બધાં ચારેબાજુથી ભીંસી રહ્યાં હતાં. હર પળે થતું હતું કે ઊતરી જાઉં.... ને ઊતરી ગઈ નેહરુબ્રિજ ક્રોસિંગ પાસે. પીઠ પરથી કંડકટરની બણબણતી ગાળો ખંખેરતાં મેં સામે ફૂટપાથ પર બ્રિજકોર્નર પાસે વાડીલાલ આઈસ્ક્રીમનું બોર્ડ જોયું, થયું; વૃંદાને મન એક તરફ વાડીલાલ અને બીજી તરફ બીજા બધા આઈસ્ક્રીમ ! એણે અત્યંત પ્રિય બટરસ્કોચ ખાધો. ખાતાં ખાતાં થયું, ખરેખર મને શાનું દુઃખ થાય છે ? વૃંદાનાં લગ્નનું ? કે પછી મને જાણ નહીં કર્યાનું ? વૃંદાના અભાવનું કે વૃંદાને મારી જરૂર નથી એનું ? મને લાગે છે કદાચ મારા અહમને ઠેસ વાગ્યાનો આ શહિદાના અંદાજ છે.

      લાલ દરવાજા તરફ જતાં પુલના નાકે બેઠેલી વેણીવાળી પાસેથી બે ગુલાબ ખરીદ્યાં ને નદીની વચ્ચોવચ વહેતી એક માત્ર ધારાને સોંપ્યાં. કદાચ સાબરમતી મારી આ ભેટ વૃંદા અને અજિતને પહોંચાડે....


1 comments

Jun 19, 2017 06:35:04 PM

wah

1 Like


Leave comment