17 - સાયુજ્ય / ઉષા ઉપાધ્યાય


કા’ન વસે તું દૂર દેશ કે
     સાવ અમારી પાસે!

લોક કહે છે સમજો રાધા
     ગોકુળ છોડ્યું ક્હાને,
પળ પણ અળગો રહે ન મુજથી
     મન મારું ક્યમ માને? કા’ન…...

આવ કહું જ્યાં આવી ઊભે
     વ્હાલ કરીને ચૂમે,
ગિરિધર વસતો વૃંદાવનમાં
     સાથ અમારી ઝૂમે. કા’ન…...

ચંદ્રકિરણના હાર ગૂંથી એ
     કંઠે મારા ધરતો,
ઝળહળતા તારક લાવીને
     કર્ણફૂલમાં સજતો. કા’ન.......

ઘેન છવાયું અજબ આંખમાં,
     અટકળથી પગ ચાલે,
ઠેસ જરા-શી વાગે જ્યાં એ
     દોડી હેતે ઝાલે. કા’ન.........

આવડું શાને હેત કરો છો વ્હાલમ!
     શાને વરસો છો ભરપૂર,
સાનભાન કે મુક્તિની અવ
     નથી જગા તલપૂર. કા’ન.......


0 comments


Leave comment