18 - વાસંતી પૂર / ઉષા ઉપાધ્યાય


અમને એવી ટેવ મળે કોઇ ફૂલ તો ઝીલી
લટમાં ગૂંથી લઇએ,
તમને કેવી ટેવ સજનવા સજે ફૂલ ત્યાં
પથ્થર ઝીંકી દઇએ!

ગોફણ તોળી પથ્થર વીંઝો, પ્હાડ ઝીંકો
ધોખો ન્હોય સજનવા,
લટે ગૂંથાયું ફૂલ હવે ના ખરશે, રીઝો
ખીજો ચ્હાય સજનવા.

ફૂલનાં છલછલ છલકે રૂપ ને ઊમટે
સમણાં ગાંડાંતૂર,
કે ઊઘડે ભોગળ ભીડ્યાં દ્વાર ને ઊછળે
દશે દિશાનાં પૂર.

પછી તો અલ્લક-મલ્લક સરતી તરતી
જાઉં, તણાતી જાઉં,
કોઇની ઝલમલ ઝલમલ હથેળીઓમાં
સાવ ઝિલાતી જાઉં.

સજનવા નૈન મિલાવી આજ,
કહી દો સોઇઝાટકી સાવ નથી હું પૂર
જે ઊમટ્યું આમ,
કહી દો ફેંક્યા પથ્થર ભેળું પથ્થર ઉર
હવે મુજ સાવ!


0 comments


Leave comment