19 - છલકાતું છલછલ તળાવ / ઉષા ઉપાધ્યાય


તું છે છલકાતું છલછલ તળાવ
એટલે હોવું ઊગિયું મારું આજ દલેદલ
મ્હેકતા કમળફૂલ સમું તત્કાળ.

તારું છલકાવું સ્હેજ વેણમાં ભીનાં
ભીંજવે મારાં મનને જાણે હોય ભવોભવ
મળતી તારા સંગની મેઘલમાળ.

તું છે છલકાતું છલછલ તળાવ
રીસ કરું જો ભૂલથી તોયે મન પળેપળ
અટકી ઊભે પ્રીતની તારી પાળ.

તારું મલકાવું સ્હેજ મનને ભીંજવે
ઊડતો જાણે હોય રંગીલો ક્યાંક ખરેખર
ફાગણની આ ધૂપનો રંગઉછાળ.

તું છે છલકાતું છલછલ તળાવ
એટલે હોવું આમ બન્યું છે આજ પળેપળ
ઝરતાં પારિજાતની ફૂલનડાળ.


0 comments


Leave comment