21 - વેદનાનું રૂપ / ઉષા ઉપાધ્યાય


ધડધડ ધડધડ ગડડ ગડડ ક્ષણ,
રડવડ રડવડ ચરર ચરર વ્રણ.

ધ્રિબાંગ ધ્રિબાંગ ધ્રિબાંગ ધ્રુસકે
ઢોલ નગારાં ડસ ડસ ડૂસકે
કમળ ફૂલનાં પાંદ ઉઝરડે
ઝાકળ ઝીણી આગ ઉતરડે.

ખળભળ ખળભળ ખલકમલક જન
ટળવળ ટળવળ અવળસવળ મન.

ત્રિતાંગ ત્રિતાંગ ત્રિતાંગ ત્રૂટતા
આભ-કાંગરા ઘડ ઘડ તૂટતા
રેશમ-કૂણી કાય પીંખતા
ધૂમકેતુ ક્યા આભ ચીરતાં.

તરફડ તરફડ લહર લહર જલ
કરવત કરવત કટત રહત પલ.

છલાંગ છલાંગ છલાંગ ભરતો
વડવાનલ રણતૂર ઊછળતો
ગેબ ગુહાનો ડમરો લૂંટતો
અનલ કોરડો ફોરમ વીંખતો.


0 comments


Leave comment