22 - ચંદનની ડાળ / ઉષા ઉપાધ્યાય


ભીતરમાં વેદનાની બરછી ખૂંચે ને તો યે,
વસ્તીમાં ભમીએ થૈ ફૂલ રે ફટાક,
     ભલા કેવો આ મનખા અવતાર!

કદી ટચલી એક આંગળીએ તોળ્યો’તો પ્હાડ,
એનો આ ભવમાં લાગ્યો શું થાક?
     તે ડુંગર તો ઠીક, હવે તરણાંનો લાગે છે ભાર. ભલા.....

બાંધ્યા હો મેઘ તો તો મૃગલાને મારીને,
વરસાવું અંજળના અંકાશી છાક,
     પણ દોરો તો શું, અહીં જોગીના જન્મ્યાને વાર. ભલા....

એવો તો જન્મ્યા ને જીવ્યાનો લાગે છે ભાર,
જાણે ચંદનની ડાળ ભીંસે નાગના વળાંક,
     રે! એનો કિયા તે મહુવરથી કરીએ ઉતાર! ભલા....


0 comments


Leave comment