23 - મુમૂર્ષા / ઉષા ઉપાધ્યાય


આકાશકુસુમવત્ આશાઓના ગજરા લઈને ફરવાનું,
ને ક્ષણે ક્ષણે આ આઘાતોના પથ્થર જીરવી ભમવાનું.

ઘનઘોર ઘટાના ભણકારે અહીં ઝાકળ ઝીલી જીવવાનું,
ચાતક નજરે નભ સામે બસ ટાંપી રહીને જીવવાનું.

સપનાંઓના મ્હેલ બધા, અહીં ગીરવે મૂકી જીવવાનું,
છે મુદ્દલ તો ક્યાં કોઈ કને? બસ, ઉછી-ઉધારું જીવવાનું.

હસવાનું તો ઠીક – નહીં એક સાચું આંસુ મળવાનું,
છે પૂતળાંઓની ભીડ અહીં, પાષાણ બનીને જીવવાનું.

મંજૂર નથી આ સમયશકુનિ સાથે બેસી, અમથું અમથું રમવાનું,
ને આ કોણ કરે છે નભથી સાદ? લ્યો ફાડો ચિઠ્ઠી, આવું છું.


0 comments


Leave comment