24 - મનની મિરાત / ઉષા ઉપાધ્યાય


મનમાં રાજે સુખના દરિયા
     દુ:ખની ડુંગરમાળ !

મન છે માટી, મન મોલાતું
     મન છે ઝીણી શાળ,
મન છે કુંવરી, કુંવર છે મન
     મન સોનેરી વાળ !

ખડિયો-ખાંપણ બાંધતું ફરે
     મન ઘોડાની નાળ,
કોઇ ઝરૂખે એ જ તો વેરે
     મોતીએ ભર્યો થાળ !

મોરની આંખે મન જુએ જ્યાં
     ઝૂલતી મોગરમાળ,
નેણ ઝુકાવી મન રુએ ત્યાં
     વનમાં ઊઠે ઝાળ !

માંહ્યલી વાણી ઊકલી જ્યારે
     મનના ઠર્યા ગાળ,
મનની મિરાત મોકલી જેણે
     ધરશું એની માળ.


0 comments


Leave comment