4 - ‘મિથ’નો મહિમા – ‘પૂરુ અને પૌષ્ટી’ / ચિનુ મોદી
સમગ્ર વિશ્વના નાટકના ઈતિહાસને તપાસો તો એક વાત સ્પષ્ટ જ છે કે કવિતા અને નાટકને ખૂબ જ લેવાદેવા છે. એ જ રીતે ખ્યાત કથાનક અને નાટકનેય લેવાદેવા છે. નાટકમાં ભાવસ્થિતિ જ્યારે ટોચે પહોંચે છે ત્યારે ગદ્યકાર નાટ્યકાર પણ, કવિતાની લગોલગની ભાષાને, ઉપયોગમાં લે છે. કવિતા એ નાટકની ભાવક્ષણની તીવ્રતા પ્રગટ કરવા માટેનું ઉત્તમ માધ્યમ બની રહે છે. આવું સોફોક્લીસમાં પણ જોવા મળશે, શેક્સપિયરમાં પણ જોવા મળશે, જ્હોન ઓફ આર્ક જેવા નાટકમાં ‘શો’માં પણ જોવા મળશે. એલિયટ તો કવિ જ છે, પણ બેકેટ જેવા કેવલ વિચક્ષણ નાટ્યકાર પણ ‘ક્રેપ લાસ્ટ ટેઈપ’માં આવો અનુભવ-કાવ્યાનુભવ કરાવે છે. ગિરીશ કર્નાડ આપણી ભૂમિનું આ સમયનું આ સંદર્ભે શ્રેષ્ઠ ઉદાહરણ છે.
તો, ૧૯૬૮ થી વીરુ પુરોહિત કવિતામાં જીવ પરોવી બેઠેલો ઊર્મિકવિ છે. કવિતાની શક્તિનો નાટકમાં ઉપયોગ કરી શકે એ કક્ષાનો એ રિયાઝી કવિ છે. પદ્ય અને કેવલ હાથવગું નથી, હોઠવગું પણ છે. તો, જગત સાહિત્યના નાટ્યકારોની પંગતમાં બેસવાની પ્રાથમિક શરત તો વીરુમાં સિધ્ધ થયેલી છે. મોટાં નાટ્યકાર થવા માટેની બીજી શરત છે : ચૂસ્ત કથાનક – શક્ય હોય ત્યાં સુધી ખ્યાત કથાનક.
ખ્યાત કથાનકના આગ્રહ વિશે પછી વાત, પહેલાં ચૂસ્ત કથાનક વિશે વાત કરીએ. અંકોડાબધ્ધ-તાર્કિક-હકીકતયુક્ત-કથાનક નાટકને સ્પષ્ટ આરંભ, મધ્ય અને અંત આપે છે. નાટકને આ ત્રણ બિંદુઓનો જેટલો ખપ છે, એટલો અન્ય કથાત્મક સાહિત્ય સ્વરૂપમાં આવશ્યક નથી ‘યુલિસિસ’ નવલકથા જ હોઈ શકે, એવા વસ્તુસંકલન સાથે નાટક ન રચી શકાય. આપણી ભાષાનાં નાટકોમાં ચૂસ્ત કથાનકનો અભાવ આપણને વારંવાર પાછા પાડે છે અને મેઈન સ્ટ્રીમ ઓફ ઇન્ડિયન થિયેટર સાથે ગુજરાતી ભાષાને બહુ લેવાદેવા નથી થઈ. છેલ્લા ૫૦ વર્ષમાં ગુજરાતી ભાષાનું એક પણ મૌલિક નાટક ચૂસ્ત કથાનકના અભાવે ભારતીય નાટકની સંજ્ઞા પામી શક્યું નથી. આમાં કૈંક અપવાદે ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો’ લેખી શકાય.
આવો અપવાદ ‘પૂરુ અને પૌષ્ટી’ કરાવે છે, એ આનંદની ઘટના છે. ખ્યાત કથાનક સ્થાપિત આરંભ-મધ્ય-અંતવાળું હોય છે. એની કથા સ્પષ્ટ હોય છે અને સર્વ સ્વીકૃત હોય છે. ‘પૂરુ અને પૌષ્ટી’ની કથા એટલે યયાતિ-દેવયાની-શર્મિષ્ઠાની કથા. પણ, મુનશી જેવા કસબી અને પુરાણરિયાઝી સર્જક પણ જે આ ખ્યાલ કથાનકની ખરી સંઘર્ષ ક્ષણોને નહોતા જોઈ શક્યા, જે વીરુ જોઈ શક્યો છે. ખ્યાત કથાનકમાં કલ્પવાનું કશું નથી હોતું, પ્રતીતિપણા માટે મથવાનું નથી હોતું. ચરિત્ર પણ નામાભિધાન અને એના સર્વ કર્મ સાથે તૈયાર મળે છે એટલે આ સૌમાં શક્તિઓ વ્યય કરવાને બદલે સર્જકે પોતાનું સર્જકત્વ અશેષ નાટ્યવિદ્યામાં એને પ્રસ્તુત કરવામાં જ ખપે લગાડવાની ઉત્તમ તક મળે છે.
વીરુ પોતાનામાં હતું તે તમામ સર્જકત્વ જ આ નાટકમાં ખપે નથી લગાડતો, આ ઉપરાંતની એની શક્તિઓ પણ નાટકમાં ખીલી ઊઠે છે. વીરુમાંનો કેવળ સુકવિ જ અહીં નથી પ્રગટ થતો, એનો નાટ્યકાર તરીકેનો પ્રતિભાવંત ચહેરો પણ-મોં કળાઓ પણ પ્રગટ થાય છે. સજ્જ નાટ્યકાર જેવી એની પ્રતિભા આ પહેલાં જ યત્ને પ્રગટ થયેલી જોઈ, હું રોમાંચિત છું – આનંદિત છું. મારો નાટ્યકામી પ્રેક્ષક જીવ આ કૃતિના કેવળ પુન: વાચનથી જ પ્રસન્ન પ્રસન્ન છે.
આ કૃતિનું પહેલાં થોડું શ્રાવણ પણ કરેલું, થોડા અંશ ભજવાયેલા પણ જોવા મળેલા, પરંતુ એ સૌથી ચકિત નહોતું થવાયું. આ મુદ્રિત વર્ઝને મને સાચ્ચે જ ચકિત કર્યો છે અને વીરુ પુરોહિતે શેષ સમય નાટ્યક્ષેત્રે હવે આપવો જોઈએ એમ મનની-મારા મનની માંગણી પણ છે.
આ કૃતિ નાટકની જ સંજ્ઞાને સિદ્ધ કરે છે, કારણ અહીં રસિકને અધ્ધરજીવ રાખે એવી સૌ ક્ષણોને વીરુએ ગંભીરતાનો પુટ આપીને એમાંના ‘રોમાન્સ’ના તત્વને ઓગાળી નાંખ્યું છે અને એવી ક્ષણોને વધુ સંઘર્ષાત્મક, વધુ ચિરંજીવ બનાવી છે. વીરુ એ ખ્યાત કથાનકનો પુન:કથન પૂરતો ઉપયોગ નથી કર્યો, એણે આ ખ્યાત કથાનકમાંના શક્ય સંઘર્ષનાં સ્થાનો શોધી કાઢ્યાં છે : (૧) પૂરુ અને પૌષ્ટી બન્ને આ ખ્યાત કથાનકનાં, મહાકવિ દ્વારા અસ્પર્શ્ય સંઘર્ષસ્થાન સર્જવા ખપે લાગતાં ચરિત્ર બની રહે છે. પૂરુ અને પૌષ્ટી બન્ને સાથે મળીને જ દેવયાનીને પુન: તાપસી બનાવે છે. આ વાત મૂળ કથાનકને વધુ રસિકતા આપવાની વીરુની ક્ષમતાની દ્યોતક બને છે.
(૨) ઈડિપસ જેવું વિધિવશ કરુણ અનુભવતું પાત્ર સોફોક્લીસ કરે છે, તો, વીરુ દેવયાની દ્વારા જાણી જોઈ પુત્ર પૂરુને યયાતિ દ્વારા ભોગવી તીવ્ર કરુણનો અનુભવ કરાવે છે. આ સંઘર્ષક્ષણને આપણે જોઈ નહીં પોંખીએ તો આપણે વીરુને ખૂબ જ અન્યાય કર્યો કહેવાશે.
(૩) અહીં આવતું ગીત વીરુ પુરોહિત ભણી અચરજભાવ નથી પેદા કરાવતું, પણ પરંપરિત હરિગીતનો એણે સંવાદમાં ક્યારેક ક્યારેક ઉપયોગ કર્યો છે, એ પદ્યનાટયની દિશામાંનો છે, એ નોંધવું જ રહ્યું.
(૪) સંવાદની – નાટકના સંવાદની ભાષામાં સ્ટ્રક્ચર્સ વીરુને પહેલા પ્રયત્ને હાથવગાં થઈ ગયાં છે, એ ખરેખર ખૂબ જ આનંદની વાત છે. આ માટે રસિકોએ પૂરુ પૌષ્ટી સાથે સ્નેહાલાપ કરે છે, તે ઘટનાના દૃશ્યને સાંભળવું.
(૫) આજે યયાતિ જેવા રાજવીઓ – પ્રધાનો ભારત દેશમાં છે ત્યારે આ પૌરાણિક કથાનકની આજની આવશ્યકતા સુસ્પષ્ટ છે : એ સંવાદ જોઈએ :
યયાતિ : (પૂરુને) તું પરિચિત છે સત્તાના દુષ્ટભાવથી તેથી જ સત્તા હસ્તગત કરવાનો શ્રેષ્ઠતમ અધિકારી છે.
આ આખીય કૃતિ અવગણાય નહીં, એ સર્વ નાટ્યરસિકોએ જોવું જ રહ્યું.
- ચિનુ મોદી
0 comments
Leave comment