5 - અસાઈત સાહિત્યસભાની મૌલિક નાટ્યપ્રકાશનશ્રેણીનું એક નમણું પુષ્પ ‘પૂરુ અને પૌષ્ટી’ / વિનાયક રાવલ
અસાઈત સાહિત્યસભા દ્વારા મૌલિક નાટ્યપ્રકાશનશ્રેણીનો શુભઆરંભ થયો શ્રી લાભશંકર ઠાકરના ‘પીળું ગુલાબ અને હું’ તથા ચિનુ મોદીના ‘જાલકા’ નાટકના પ્રકાશનથી. ત્યારબાદ આ પ્રકાશનશ્રેણીમાં ‘નવલશા હીરજી’ (ચિનુ મોદી) અને ‘ટાઈમબોમ્બ’ (ઇન્દુ પુવાર) તથા ‘પારેવાંનો ચિત્કાર’ (લવકુમાર દેસાઈ) જેવા ત્રણ દીર્ઘ નાટકોનું પ્રકાશન થયું. મૌલિક નાટ્યપ્રકાશનશ્રેણીમાં વીરુ પુરોહિતના ‘પૂરુ અને પૌષ્ટી’ જેવા દ્વિઅંકી નાટકનું પ્રકાશન એ એક શકવર્તી ઘટના એટલા માટે છે કે એક નવા સર્જકને નાટ્યસર્જનક્ષેત્રે પ્રકાશમાં લાવવાનો યશ અસાઈત સાહિત્યસભાને જાય છે. આ સંસ્થાએ તેજસ્વી સર્જકોની તેજસ્વિતાને ઊપસાવી આપવા માટે જ આ પ્રકારની પ્રકાશનશ્રેણીનું આયોજન કરેલું છે. ગુજરાતીમાં મૌલિક નાટકો ક્યાં છે ? આવો વાહિયાત પ્રશ્ન પૂછનારાઓ માટે આ નાટક એક તમાચારૂપ છે. વીરુ પુરોહિતની કલમમાંથી નીપજેલું આ નાટક ભારતીય નાટ્યપરંપરામાં પોતાનું સ્થાન અંકે કરી શકે એવું અને એટલું સક્ષમ નાટક છે.
‘મીથ’નો પોતાની સર્જકતા વડે આવો સુંદર ઉપયોગ કરીને સુંદર નાટક લખવા બદલ વીરુ પુરોહિતનો ધન્યવાદ !! કહેવાતા નઘરોળ વિવેચકો આ નાટક તરફ પોતાની જાગૃતિ દાખવશે એવી અભિલાષા સંસ્થા રાખે છે. તાસકમાં મૂકીને ફેરવાઈ રહેલું મૌલિક નાટ્યલેખનનું પાનબીડું હવે પછી બીજા સર્જકો ઉઠાવીને મૌલિક નાટ્યલેખન કરશે તો એના પ્રકાશનની જવાબદારી અસાઈત સાહિત્યસભા અચૂક લેશે એવી જાહેરાત કરતાં આનંદ અનુભવું છું.
પુન: વીરુ પુરોહિતને અભિનંદન !!
વિનાયક રાવલ
મેનેજિંગ ટ્રસ્ટી
અસાઈત સાહિત્યસભા
0 comments
Leave comment