3.2 - અંક : દ્વિતીય - દૃશ્ય : દ્વિતીય / પૂરુ અને પૌષ્ટી / વીરુ પુરોહિત


અંક : દ્વિતીય
દૃશ્ય : દ્વિતીય
સ્થળ : પર્ણફુટિ
સમય : અંતિમ દૃશ્ય પછી ૭૦ વર્ષ.
દિવસનો દ્વિતીય પ્રહર.

(રંગમંચ પર બાજઠ પર વિરાજમાન વૃઘ્ધ પૃરુ, પુષ્પમાલા ગૂંથવામાં પ્રવૃત્ત છે. શર્મિષ્ઠા પર્ણફુટિનાં દ્વાર પાસે બેસી ફુટિની ભીંત પર લીંપણ કરી રહી છે. પર્ણફુટિની બાજુમાં કાષ્ટમય પૌષ્ટીની આસપાસ નાનાં છોડ ઊગી ગયાં છે, પૌષ્ટીનું શરીર રાફડાથી અદૃશ્ય છે, માત્ર ચહેરો જ દૃશ્યમાન છે.)

પૂરુ : મારી આસપાસ એક અજગર વીંટળાઈને, અત્યંત ભીંસાયા પછી તર્દન નિષ્પ્રાણ બની ગયો છે ! નથી સહી જતી, અત્યંત અકળાવનારી આ શાપિત સમયની નિશ્ચલતા ! હું, ગળી  ગયેલાં ગાત્રોવાળો હાડ-માંસ-રુધિરનો પિંડ ઊંચકી અહીં સૂર્ય-ચંદ્ર-તારકો આંખોમાં આંજયા કરું છું, અને કયાંક  દૂર પેલા પર્વતની પેલીપાર  એક નૂતન વિશ્વ આકાર ધરી ચૂક્યું હશે ! કદાચ મનુષ્યજાતિની જિજીવિષાના નૂતન અર્થો પ્રસ્થાપિત થયા હશે !  શકય છે કે એ નૂતનવિશ્વમાં કોઈપણની સત્તાના પરિધિની પાર વ્યામોહરહિત મનુષ્ય તર્દન નિર્મળ સ્વરૂપે શ્વસન કરતો હોય ! અને અહીં હું.... એક એવું કેન્દ્ર છું, જેની આસપાસ સતત સંકોચાતું એક આવરણ વીંટળાયું છે... પરિધિરૂપે !
(વિરામ)

આ સર્વ અવસ્થાઓનું દાયિત્વ કોનું ? કોણ છે જે સર્વ અનર્થોનું સર્જન કરે છે ? કોણ છે જે અનિષ્ટોની જન્મદાત્રી છે?

 (વિચારે છે) સત્તા? હા, સત્તા જ ! કિંન્તુ, સત્તા તો ઈશ્વરનું જ સર્જન છે ! સૂર્ય સત્તા છે !  મંગળ, શુક્ર, શનિ, પૃથ્વી ઈત્યાદિ સૂર્યનાં સત્તાપાત્રો હોવાથી જ સૂર્યની આસપાસ વર્તુળાકાર ઘૂમે છે ! કિન્તુ  સૂર્ય કદી શુક્ર જેવા સુંદર ગ્રહના વ્યામાહવશ થઈ એને સમીપે લાવતો નથી કે બીજા કોઈ ગ્રહનો તિરસ્કાર પણ નથી કરતા ! જો એમ થાય તો ? એનો અર્થ એ જ કે સત્તા સાથે વ્પામોહનો સંયોગ જ અનર્થો સર્જે !

શર્મિષ્ઠા : શું વિચારે છે, પૂરુ ?
પૂરુ : માલા ગૂંથી રહ્યો છું !
શર્મિષ્ઠા : (હસ્ત પ્રક્ષાલન કરી) ઘણો કાળ વીતી ગયો !
પૂરુ : હા, લગભગ સાત દશક વીતી ગયાં !
(નેપથ્યે નગારાંનો ધ્વનિ)

ઉદ્દઘોષક :
સાંભળો ! સાંભળો ! સાંભળો ! મહારાજા શ્રી યયાતિ અને રાજમાતાજીનો આદેશ સાંભળો !  મહારાજાને પ્રાપ્ત થયેલાં પુત્રીરત્ન માધવીને આજે એક માસ પૂર્ણ થશે ! એ નિમિત્તે આજે સાયંકાળે મહારાજા અને રાજમાતા માસોત્સવ ઊજવશે, રાજપ્રાસાદનાં પ્રાંગણમાં  પ્રજાજનોને દર્શન આપશે, આશ્રિતોને મનવાંછિત દાન પણ આપશે !  સાંભળો ! સાંભળો ! માસોત્સવની ઘોષણા સાંભળો !
(નગારાંનો ધ્વનિ ક્રમશઃ ઘટી શાંત થાય છે.)
શર્મિષ્ઠા: પૂરુ ! તેં સાંભળીને આ ઘોષણા ?
પૂરુ : હા, મેં સાંભળી ! …
શર્મિષ્ઠા : પૂરુ, દેવયાનીને ત્યાં પુત્રીનો જ઼ન્મ ! એક માસની પણ...! …
પૂરુ : હાં....  
શર્મિષ્ઠા : કશું ના ઘટ્યું હોત તો મારાં આંગણાંમાં પણ કોયલના ટહૂકા ગૂંજતા હોત ! પુરુ ! અહીં આ વૃક્ષની ડાળ પર એક પારણું હોત ! એમાં એક શિશુ ઝૂલી રહ્યું હોત ! અહીં… માટીમાં એની નાની નાની પગલીઓ કેટલા આકારો સર્જતી રહી હોત ! પૂરુ, મને એના પગની ઝાંઝરીના ધ્વનિ સંભળાય છે !  ત્યાં દૂર જો, કોઈ શિશુ ગબડી પડ્યું છે…… મને એનું રુદન વ્યાકુળ બનાવી રહ્યું  છે !

પૂરુ : ચિત્તની અવસ્થા પર અકુંશ એનું જ નામ સંયમ !
શર્મિષ્ઠા :
મારામાં પૌષ્ટીના ભાવો અંકુરિત થઈ રહ્યા છે,  એના માતૃત્વની ઝંખના મારા હૃદયમા આકાર પામી રહી છે ! પૂરુ, તું રાજમહાલય જઈશ ?
પૂરુ: શા માટે ?
શર્મિષ્ઠા :  સાયંકાળે મનવાંછિત દાન આપવાના છે, મહારાજ !
પૂરુ : તો ?
શર્મિષ્ઠા : તું તારી યુવાવસ્થા માંગી લે !
પૂરુ :  એ અશક્ય છે !

શર્મિષ્ઠા: તદ્દન શકય છે !  અશક્ય શી રીતે છે ? મહારાજ સર્વને મનવાંછિત દાન...
પૂરુ :  કિન્તુ, વૃક્ષ કયારેય અન્યને અર્પેલું ફ્ળ માંગી શકે ? મેં સ્વેચ્છાએ યુવાવસ્થા અર્પણ કરી છે … ..
શર્મિષ્ઠા : હું નથી કહેતી, પૂરુ ! મારામાં પૌષ્ટી બોલી રહી છે ! પૌષ્ટીની કામના....
પૌષ્ટી : (આંખો ખોલી, હલનચલન વિના જ, માત્ર વાચિકમ્) જયાં વ્યામોહથી પુષ્ટ થયેલી સત્તાનું જ માત્ર સામ્રાજય હોય ત્યાંથી અનિષ્ટ જ પ્રાપ્ત થાય છે! એ ત્યાં નહી જાય!
(બન્ને એકબીજા પ્રતિ નિહાળે છે)

પૂરુ : કૃપા કરી આપ મને શિવમંદિર લઈ જાઓ !  પૂજાનો સમય વીતી જાય છે !…
(શર્મિષ્ઠા પૂરુ ને ટેકો આપી પ્રસ્થાન કરે છે.)
પૌષ્ટી : સર્વ અવસ્થાઓ સ્થિર છે, અહીં ! અને છતાં મનુષ્યનું મન ક્યાં સ્થિર રહી શકે છે ?
એતો અનેકાનેક આકાંક્ષાઓથી, પુષ્કળ વાસનાઓથી, ચિત્રવિચિત્ર વ્યામોહથી છે અસ્થિર...
યયાતિ :(ઝડપથી પ્રવેશી, પર્ણકુટિની સામે ઊભા રહી) શર્મિ ! શર્મિ ! મારા આનંદનો અવધિ નથી આજે ! આજે જ રણક્ષેત્રથી સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરી મેં નગરમાં પ્રવેશ કર્યો ત્યારે હું એક પુત્રીનો પિતા બન્યાનો વર્તમાન જાણ્યો !
(શર્મિષ્ઠા પ્રવેશે છે, યયાતિ જ્ઞાત નથી.)
શર્મિં ! આજ સાયંકાળે સમગ્ર રાજપ્રાસાદ દીપમાલાઓથી ઝળહળી ઊઠશે, પ્રજાજનો માધવીનો જન્મમાસોત્સવ માણવા ઊમટી પડશે, આશ્રિતો મનવાંછિત દાન પામશે ! શર્મિ ! પ્રિય શર્મિ ! હું તને દાન આપવા જ અહીં આવ્યો છું ! શર્મિ ! બહાર આવ ! હું તને પુત્ર આપવા આતુર છું ! શર્મિ ! તું કયાં છે ?

શર્મિષ્ઠા: હું અહીં છું !
યયાતિ : (ચોંકીને) ત્યાં? ત્યાં શું કરે છે?
શર્મિષ્ઠા:  આપને સાંભળી રહી છું!
યયાતિ : અને પુરુ ?
શર્મિષ્ઠા: શિવમંદિરે પૂજા કરી રહ્યો છે !
યયાતિ : બે માસ પછી જયારે નગરમાં પ્રવેશ્યો ત્યારે રણક્ષેત્રની વિભિષિકાથી ત્રસ્ત હતો, અહીં આવતાં જ હવે સ્વસ્થ થયો છું ! (યયાતિ આગળ વધે છે )
  યુદ્ધમાં રાત્રિની શાંતિ ભેદીને તમરાંનું સંગીત સાંભળી હે સુન્દરી ! તમે સ્મયાઁ છે ! જે ઘડી આકાશમાં મેં શશી નિરખ્યોં, જે ઘડીએ રાત્રિએ કોયલ ટહૂકી તે ઘડી અભિસારિકે ! હે સુંદરી ! તમે સ્મર્યાં છે !
(બન્ને બાહુ ફેલાવી શર્મિષ્ઠાને આશ્લેષમાં લેવા જાય છે. શર્મિષ્ઠા બે ડગ પાછાં હઠે છે, યયાતિ સ્તબ્ધ બની જાય છે)
  કોપાયમાન છો, સુન્દરી. ?
(શર્મિષ્ઠા નિરુત્તર બની, અપલક નિહાળે છે) નિરુપાય હતો…  તેથી જ આપની પાસે નથી આવી શકયો ! કિંન્તુ, આજે... આટલાં વર્ષો પછી સર્વ જયારે રાજપ્રાસાદના શૃંગારમાં વ્યસ્ત છે, હું આપની પાસે...

શર્મિષ્ઠા: દૂર જ રહેજો ! મને સ્પર્શ પણ ના કરશો !
યયાતિ  : હું…હું આપનો સ્વામી છું ! શર્મિ ! મને ના ઓળખ્યો ? હું યયાતિ છું !
શર્મિષ્ઠા : ના, તમે યયાતિ નથી !
યયાતિ : પ્રિયે હું યયાતિ જ છું !
શર્મિષ્ઠા : ના, ના, તમે પૂરુ  છો !
યયાતિ : શું કહ્યું ?
શર્મિષ્ઠા : તમે પૂરુ છો ! મારા પુત્રએ સ્વેચછાએ અર્પેલી જે યુવાવસ્થાને તમે ભોગવવા અહીં આવ્યા છો, તે યુવાવસ્થા પૂરુની છે ! હું એવો અધર્મ નહી આચરવા દઉં !

યયાતિ : દેવિ ! એવા વિચારોથી નિર્બળતા પ્રગટ ના કરો ! સ્વામીને ધિન થવામાં વળી અધર્મ શો ? કામની તૃપ્તિમાં સહાયક થયું એ જ કેવળ સ્ત્રીનો ધર્મ ! કામને ભોગવવો એ જ તો છે યુવાવસ્થાનું કર્મ ! મનુષ્યને ઈશ્વરે જ સોંપ્યું છે આ દાયીત્વ ! સંસાર તો છે, ઉત્ત્પત્તિ અને લયનું એક ચક્ર ! આપણે ઉત્પત્તિને અવરોધી નહીં શકીએ, દેવિ ! આવો કામકર્મમાં...
(આશ્લેષમાં લેવા જાય છે)
શર્મિષ્ઠા :  દૂર રહો... મને સ્પર્શ પણ ના કરશો ! આપનો સ્પર્શ પણ કામથી પૂર્ણ હશે, અને એ સ્પર્શ પણ મારે મન પૂરુનો જ સ્પર્શ હશે ! હું કંઈ કામાંધ નથી કે મારા પુત્રની યુવાવસ્થા... છિ ! છિ !
(છતાં સમીપ આવતા યયાતિને જોઈ) એક ડગ પણ આગળ વધશો તો...તો હું વિષ આરોગીશ!  
યયાતિ : (પ્રલંબ હાસ્ય) તો હું વિષ આરોગીશ... શું કહ્યું તમે ? પુન: કહો તો ? હું... વિષ આરોગીશ... આપનું ચિત્ત ભ્રમિત થયું જણાય છે, દેવિ ! આપને વિશ્રામની આવશ્યકતા છે ! હમણાં હું પ્રસ્થાન કરું છું.... કિંન્તુ સ્મરણમાં રહે; હું પુન: આવીશ! હા, દેવિ ! હું પુન: આવીશ જ !
(પ્રસ્થાન )

શર્મિષ્ઠા : ( ક્યાંય સુધી, જતા યયાતિ ને નિહાળે છે)
   શુભ જ થયું ! મેં યોગ્ય સમયે એક ઝંઝાવાતને ખાળી લીધો, અન્યથા...અન્યથા હું મૂળસમેત ઊખડી જાત ! કેવું દુ;સ્વપ્ન ! કેવો જઘન્ય અપરાધ ! કેવું અધમ પાતક ! ના...ના, ઈશ્વર પણ ક્ષમા ન કરી શકે !
(રંગમંચની તર્દન આગળ પહોંચી જાય છે)
   પૂરુની યુવાવસ્થા મારે ભોગવવાની ! તદન પશુત્વ ! છિ ! છિ ! આવું વિચારવું પણ. મહાપાતક ! આવી કલ્પના પણ મહાવિનાશ ! (નદીમાં નિહાળે છે) જો, શર્મિષ્ઠા ! જો ! તારું વદન કેવું વિકૃત જણાય છે, આ કલ્પના માત્રથી પણ ! તું ચારેપાસ તરડાઈ ગઈ છે ! તારાં તરડાયેલાં અંગાંગોથી કૈં કેટલાંય સળવળતાં સાપોલીયાં બહાર નીકળી રહ્યાં છે ! તું જંતુઓથી નખશીખ ખવાઈ રહી છે ! તું કોહવાઈ ગયેલાં શબ સમાન બની રહી છે ! ત્વરા કર, શર્મિષ્ઠા ! બહાર નીકળ ! બહાર નીકળી જા!

તરુ : (પ્રવેશી) દેવીનો જય હો !
શર્મિષ્ઠા : (ર્ચોકીને) કોણ? કોણ છે એ ?
તરુ : હું છું, દેવિ ! રાજમાતાની દાસી, તરુ. આપ ભયભીત કેમ જણાઓ છો ?
 શર્મિષ્ઠા : ના, ના, કશું જ નથી ? શો છે વર્તમાન?
તરુ : આખા રાજમહાલયનો કાયકલ્પ થઈ ગયો છે. માસોત્સવની વ્યવસ્થા પૂર્ણ થઈ ગઈ છે. મને તો વિશ્રામ જ નથી ! રાજમાતા પણ.... અરે! હું તો વિસરી જ જાત ! રાજમાતાનો સંદેશ આપવા તો હું આવી છું !
શર્મિષ્ઠા : શો છે સંદેશ ?
તરુ : રાજમાતાએ કહાવ્યું છે કે આપે અને પૂરુએ માસોત્સવ સમારંભમાં પધારવાનું છે. આજે મારી પાસે જ આપની બેઠક રાજમાતાની બાજુમાં જ ગોઠવાવીને ! સાચું કહું ? આવું સન્માન બીજા કોઈને ન મળે હોં ! મને તો આપની ઈર્ષ્યા આવે છે !
(હસે છે)
હું તો કોઈ ન જાણે એમ ઘણીવાર રાજમાતાના સિંહાસન પર બેસી લઉં હોં !

શર્મિષ્ઠા : તરુ, રાજમાતાને કહેજે, પૂરુ અહોરાત્ર શિવપૂજામા વ્યસ્ત છે. અમે ઉપસ્થિત નહીં રહી શકીએ ! અમારી શુભકામના પાઠવજે !
તરુ: પધારશો તો આનંદ આવશે હોં !
શર્મિષ્ઠા : તું પ્રસ્થાન કર !
પૂરુ :  (પ્રવેશી) શો વર્તમાન છે ?
 (દાસી વિસ્મય પામે છે, પછી શર્મિષ્ઠા ભણી જોઈ સ્મિત કરી પ્રસ્થાન કરે છે)
શર્મિષ્ઠા :  દેવયાનીની દાસી છે, નિમંત્રણ પાઠવવા આવેલી !
પૂરુ : આપે શો પ્રત્યુત્તર પાઠવ્યો ?
શર્મિષ્ઠા : શુભકામનાઓ પાઠવી છે !
પૂરુ : આપણે જઈએ ત્યાં ?
શર્મિષ્ઠા : દેવયાનીનો એક વિશેષ ‘ખેલ’ નિહાળવા ?
પૂરુ : ના, સત્તાના એક અધિક વરવાં પ્રદર્શનના સાક્ષી થવા !

શર્મિષ્ઠા : કિંન્તુ આપણું, ત્યાં હોવું  ઉચિત ગણાશે ? દેવયાની સમીપે મારું આસન !  અને મહારાજની સમીપે તારું !
પૂરુ : એવું કહાવ્યું  છે ?
શર્મિષ્ઠા : હાસ્તો !
પૂરુ : આપે સંદેશ તો પાઠવી જ દીધો છે, તેથી આપણે નગરજનોની વચ્ચે રહી નિહાળીશું, સર્વ કંઈ !
શર્મિષ્ઠા : વારુ, ત્યારે.
(જવાની વ્યવસ્થા કરી બન્નેનું પ્રસ્થાન)

પૌષ્ટી : મત્સ્ય ! કેવળ મત્સ્ય જ ! સરિતાનાં જલમાં કારાવાસ ભોગવતાં અનેક કોશ દોડવા છતાં કયાંય નહી પહોંચી શકતાં, નહીં જાણી શકતાં ક્યારેય... કે જલની બહાર પણ એક વિશ્વ અસ્તિત્વ ધરાવે છે !  અને છતાં જીવતાં..… વાસનાગ્રસ્ત મનુષ્યોની જેમજ !
દેવયાની :  (પ્રવેશી) શર્મિષ્ઠા ! માત્ર તારી શુભકામના પર્યાપ્ત નથી, તારી ઉપસ્થિતિ પણ આવશ્યક છે ! પૂરુ સાથે તારે રાજસભામાં ઉપસ્થિત રહેવું જ પડશે ! શર્મિષ્ઠા ! શર્મિષ્ઠા !
(પર્ણફુટિમાં પ્રવેશી, બહાર આવે છે) ક્યાં ગયાં હશે, બન્ને ?
(પૂરુનાં ધનુષ્ય-તૂણીર પર દૃષ્ટિ પડતાં, સમીપ જઈ)
   કેટલાય કાળથી આ ધનુષ્પ ૫૨ શરસંધાન નહી થયું હોય ! કેવું જર્જરિત જણાય છે ?! પૂરુની વુધ્ધાવસ્થાની છાયા એના પર પણ... (વિચારે છે.) ઘણાં વર્ષે આજ, પિતાશ્રીના આશ્રમનું સ્મરણ થઈ આવ્યું ! દષ્ટિ સમક્ષ તરવરી ઊઠયો મારો અતીત ! અખંડ મંત્રોચ્ચાર, તપ, અભ્યાસ, યજ્ઞમાં વ્યસ્ત બાળાદેવયાની! ‘તપસ્વિની’ ! ‘તપસ્વિની’ સંબોધી સતત આર્દ્ર રહેતા પિતાશ્રી ! આહ્હા ! કેટલું સુખમય ! મારું પણ હતું એક સ્વપ્ન, શ્રેષ્ઠ તપસ્વિની થવાનું ! મારું પણ હતું એક ધ્યેય, સર્વોત્તમ વિદુષી થવાનું ! છિત્રભિન્ન થઈ ગયું સર્વ…! ગૂંગળાઈ ગયો મારો આત્મા !
(વિરામ)
   મારા અતિવ્યામોહનું જ છે આ ફળ ! કચ ! બૃહસ્પતિનો પુત્ર કચ ! પિતાશ્રીનો શિષ્ય કચ ! હૃદયની કોઈ નિર્બળ અવસ્થામાં ઉત્ત્પન્ન થયો અનુરાગ એના પ્રતિ અને પ્રથમ જ વાર અનુભવી વિવશતા ! શા માટે મેં એ વિવશતાને પોષીને પુષ્ટ કરી? એ જ મને દોરી ગઈ કચ સાથે વિવાહના પ્રસ્તાવ સુધી ! એક શાપ ઉપરાંત શું પ્રાપ્ત થયું મને ? અને શાપ પણ કેવો ? એક ઋષિકન્યાએ ક્ષત્રિય સાથે વિવાહ કરવાનો શાપ? મારી અધોગતિનું આ પ્રથમ સોપાન ! અને પછી તો... એક  પછી એક સોપાનો ત્વરાથી ઊતરતી જ ગઈ ! મેં જેને મહાત કર્યાં, તે કામ –ક્રોધ- અહંકાર-મત્સર સર્વ મારામાં જન્મ્યાં, અને એ બધાંએ એકઠાં મળી મને ગહન ગર્તામાં ધકેલી દીધી ! મારાં અધ:પતન માટે હું જ છું અપરાધી ! કયાં એ તપસ્વિની દેવયાની અને ક્યાં આ દેવયાની, જે એક ક્ષત્રિય રાજાની કામાંધતાને પોષવાનું પાત્ર માત્ર ! રૂપાળું યંત્ર કેવળ ! કેવળ કામવૃત્તિની તૃપ્તિનું ક્રીડનક જ છું હું !? વિદુષી થવા સર્જાયેલ દેવયાની ! તારો આ કેવો વિનિપાત અને તે પણ તેં સ્વયં નોતર્યો ?!? ઓહ ! મારી આ સ્થિતિ ?! શા માટે મને જાગ્યું આકર્ષણ પૂરુમાં ? એનો તો એ બાળસહજ ઉદગાર હતો.…. ‘આપ અતિ સુન્દર છો.’ કિંન્તુ, મેં જ જાણીબૂઝીને આ અગ્નિમાં ઝંપલાવ્પું !
(વિરામ)
  ના, ના, માત્ર આટલા જ નાનાં કારણે કંઈ હું પૂરુ પ્રત્યે આકર્ષાઉં  એવી તો નથી જ...! કદાચ..… કદાચ... પૂરુમાં મને કચનું દર્શન.... ! અને પછી પિતાશ્રીની સત્તાનો કેવો ઉપયોગ કર્યો મેં?  કેટલો પ્રપંચ ?! કેટલી છલના ?! કેટલી આત્મવંચના ?! મેં જ વાસી દીધાં છે સર્વ દ્વારો ! હું જ ભોગવી રહી છું કારાવાસ ! નથી રહ્યો કોઈ જ માર્ગ બહાર નીકળવાનો ! હું હવે મને જ પૂછું છું : (બરાડીને) આ જીવલેણ ગૂંગળામણ જ છે શું મારું ઉપાર્જન ? અહીંથી બહાર નીંકળવાનો છે કોઈ માર્ગ? (સ્તબ્ધતા)

પૌષ્ટી : (માત્ર વાચિકમ્) જેના આત્માનો નાનો અંશ પણ  જીવિત છે, એને પ્રાપ્ત થઈ શકે છે નૂતન જીવનનો માર્ગ!
દેવયાની : કોણ બોલ્ચું એ ?
પૌષ્ટી :  હું પૌષ્ટી છું !
દેવયાની : પૌષ્ટી ? કોણ પૌષ્ટી?
પૌષ્ટી : આપની છલનાનું સર્વાધિક કરુણ પરિણામ!
દેવયાની : હું તો આપને કયારેય મળી પણ નથી!
પૌષ્ટી : છતાં મારી કરુણતા સર્વાધિક જ છે !
દેવયાની : હું તો મારાં જીવનની કરુણતા ગણી રહી છું !
પૌષ્ટી : એ માટેનું દાયિત્વ કેવળ આપનું જ છે ! મનુષ્યનો વર્તમાન તેના અતીતના ગર્ભમાં જ જન્મે છે !
દેવયાની : મને જ્ઞાત છે !

પૌષ્ટી :  કિન્તુ.... મારો વર્તમાન જન્મ્યો છે, આપના અતીતના ગર્ભમાં !
દેવયાની: શી રીતે ?
પૌષ્ટી : પિતાશ્રીની મંત્રસત્તાને આપની વાસનાના ગ્રહણે કરી ભ્રષ્ટ, અને આપને પ્રાપ્ત થયું  એક અનિષ્ટફળ ! જેને આ ભોગવી રહ્યાં છો એના પર આપનો અધિકાર જ નથી !
દેવયાની : આપ શાની વાત કરી રહ્યાં છો ?
પૌષ્ટી :  પૂરુની યુવાવસ્થાની !
દેવયાની : ઓહ !
પૌષ્ટી : આપ પરિધિની પારનું પાત્ર છો ! આપનો માર્ગ છે, અનન્તનો ! આપનું ધ્યેય છે, શાશ્વતી !  કિન્તુ, આપના અતિવ્યામોહે આપને ખેંચી આણ્યાં છે પરિધિનાં કેન્દ્ર પર્યત !
દેવાયની : આપ સત્ય કહો છો ! આપ સર્વજ્ઞ છો !

પૌષ્ટી : એક ધ્યેયહીન રચાયેલાં વમળમાં આપ વમળાઈ રહ્યાં છો ! ‘
દેવયાની : કોણે રચ્યું  છે વમળ ? (ક્ષણિક શાંતિ)
પૌષ્ટી : આપના સ્વામીએ !
દેવયાની : ઓહ ! મારી અધમ સ્થિતિનું જ્ઞાન થઈ ગયું છે, મને ? અત્યંત વિષાદ ઘેરી વળ્યો છે, મને ! સર્વજ્ઞ ! શી રીતે પામી શકીશ હું મારાં ધ્યેયને ?
પૌષ્ટી :  માત્ર એક જ ડગ… આ વમળાતા પરિધિની પાર ! અને ધ્યેયપ્રાપ્તિની અનન્ત યાત્રાનો પ્રારંભ...

દેવયાની :
મને કોઈ દિશા જણાતી નથી, જ્યાંથી હું એ પરિધિની પાર જઈ શકું !
પૌષ્ટી : અતીતના અનર્થોનાં પ્રાયશ્ચિત દ્વારા અનાગતનું નિર્માણ  કરી શકાય !
દેવયાની : શું છે, મારું પ્રાયશ્વિત ?
પૌષ્ટી : શાંતિની ક્ષણોમાં આપની અંતરાત્મા જ શોધી આપશે દિશા ! ચીંધી દેશે માર્ગ !
દેવયાની : શાંતિની ક્ષણોમાં..…અંતરાત્મા ચીંધી દેશે માર્ગ... કિન્તુ, એવી ક્ષણો આ રાજમાતાના ભાગ્યમાં ક્યાંથી ? અહોરાત્ર રાજયની સમસ્યાઓમાં રત રહેવું...અને જયારે સમસ્યાઓ ના હોય ત્યારે ઉત્સવોમાં!
(નેંપથ્યે નગારાંનો ધ્વનિ)

ઉદ્દઘોષક : સાંભળો ! સાંભળો ! સાંભળો ! મહારાજા શ્રી યપાતિ અને રાજમાતાજીનો આદેશ સાંભળો ! મહારાજને પ્રાપ્ત થયેલાં પુત્રીરત્ન માધવીને આજે એક માસ પૂર્ણ થશે ! એ નિમિત્તે માસોત્સવ ઊજવાશે ! સાયંકાળે મહારાજા અને રાજમાતા રાજપ્રાસાદનાં પ્રાંગણમાં પ્રજાજનોને દર્શન આપશે, આશ્રિતોને મનવાંછિત દાન પણ આપશે ! સાંભળો ! સાંભળો ! માસોત્સવની ઘોષણા સાંભળો !
(નગારાંનો ધ્વનિ ક્રમશઃ ઘટી, શાંત થાય છે.)

દેવયાની : અરે ! માસોત્સવની ઘટના જ હું વીસરી ગઈ ! મારૂ પ્રસ્થાન કરવું ઘટે !
(પૌષ્ટીની સમીપે સંમુખ ઊભી વંદન કરે છે.)
(પ્રસ્થાન)
(અંધકાર)



0 comments


Leave comment