72 - જે સતત ચાલ્યા કરે ઘડિયાળના કાંટા ઉપર / ઉર્વીશ વસાવડા


જે સતત ચાલ્યા કરે ઘડિયાળના કાંટા ઉપર,
શક્ય છે વર્તુળ વિષે ના હોય કૈં એને ખબર.

આ શહેરમાં રોજ જે આવે છે અફવાઓ લઈ,
પૂછતો એ હોય છે સૌને સદા ઘટનાનું ઘર.

હું સમયની એક શિલા પરનો કોઈ લેખ છું,
અહીં પડ્યો છું કૈંક સદીઓથી હું વંચાયા વગર.

મારી ચારેકોર કોઈ વૃક્ષ દેખાતું નથી,
નામ મારું તે છતાં કોને પૂછે છે પાનખર ?

આજના વરસાદમાં કેવી ઉદાસી છે ભરી,
આ અષાઢી સાંજ પણ વરસે છે ટહુકાઓ વગર.


0 comments


Leave comment