79 - કાફલો આગળ ધપાવી નહીં શકું / ઉર્વીશ વસાવડા


કાફલો આગળ ધપાવી નહીં શકું,
વ્હાણ રેતીમાં ચલાવી નહીં શકું.

કાલ સૂરજ ઊગશે એ ખ્યાલથી,
આજ હું દીવો બુઝાવી નહીં શકું.

શ્રાપ છે ત્રિકાળદર્શનનો મને,
છે ખબર સઘળું બતાવી નહીં શકું.

છોડ પરથી ફૂલ તોડીને પછી,
ફૂલદાની હું સજાવી નહીં શકું.

માનવી છું હું નથી ઈશ્વર કંઈ,
મારાં સર્જન હું મિટાવી નહીં શકું.


0 comments


Leave comment