25 - પૂર / ઉષા ઉપાધ્યાય


ક્યાંથી રે આવ્યાં ને ક્યાં લગ,
    આ તે છલક્યાં કેવાં પૂર !

અહો ! ઠાઠથી તમે અમારા
    હૈયે બાજોઠ ઢાળી બેઠા,
અમે ઢોળિયા હેતે ચામર
    તમે અલખના દીધા નેઠા,
    તેજે નેણાં – શા ચકચૂર !

વેણ તમારે પલક એકમાં
    સુખદુ:ખોની ભ્રમણા ઠારી,
અખંડ અવિચળ એક વિચરતા
    તત્વરૂપ પર મન હું હારી,
    શમ્યા સૌ દાવાનળ આ ઉર !

કૈં પ્રહર ફોરતા રહે કમળ શા
    નભથી વરસે ચંદન-ફૂલો,
કોઈ શ્વાસ અને ઉચ્છવાસે
    રચતું કેવો અનુપમ ઝૂલો,
    કરે એ હરપળ ગાંડાતૂર!

હવે આ સમય વહે છે એમ
    હવામાં કસ્તુરી વીખરાતી,
અઢળક વરસે સૂર-મંજરી
    અહો ! અનાહત બાંસુરી સંભળાતી,
    ચહુદિશ એનાં છલકે નૂર !


0 comments


Leave comment