27 - વસંતનું પરોઢ(મંદાક્રાન્તા) / ઉષા ઉપાધ્યાય


અંધારું આ સુખડ સરખું, શી સુગંધે છલે છે !
ધીમે આવી પવન હળવે શો અડે મોરપીંછે !
ધીરો મીઠો ટુહુરવ કરી સ્હેજ માથું હલાવી
નીડે કેવી હળુકહળુ બે પાંખ નાની ખૂલે છે !

વૃક્ષો નીચે ધુમસ પર ત્યાં, એમ ફૂલો ઝરે છે,
જાણે વામા પ્રિયઉર પરે હેતથી શીશ ઢાળે,
વૃક્ષે વૃક્ષે પુલક છલકે તેજછાયા વિલાસે,
લાગે છે કૈં મધુર નમણી કેટલી સૃષ્ટિ આજે !

ચારે બાજુ સુરભિ છલકે, કેટલાં છંદ જાગે !
હૈયે સૂતાં સપન સઘળાં પાંખ કેવી પ્રસારે !
સૃષ્ટિનાં આ અજબ નમણાં રૂપને મુગ્ધ થૈને,
જોતાં જોતાં સહજ વળતી, સ્હેજ પાછી ફરું જ્યાં-

ત્યાં તો પેલાં ગિરિશિખરથી સ્વર્ણધારા ઢળે છે,
જોતો આહા ! છલછલ થતી શી ય હેલિ ચડે છે!


0 comments


Leave comment