28 - સ્મરણ(મંદાક્રાન્તા) / ઉષા ઉપાધ્યાય


જાણે જિદ્દી અનવરત કો’ બાળ નાખે રમતમાં,
એવી ખરતી સ્મરણરજને કેમ વાળી શકાતી?
થાકું એના સતત ધસતા વેગને નિત્ય ખાળી,
આવે ઊડી ધસમસ થતી ઢાંકતી ગોખ મેડી.

છેડો ખોસી કમર ફરતો, હાથમાં કામ લઉં જ્યાં,
ધીમે આવી નયન ઉપરે કોણ ત્યાં હાથ દાબે?
ચોંકી ઊઠી પળવિપળ મન ને પછી તરફડે છે –
ના, ના, છે એ; ફક્ત છળ આ, હાય ! મનની તરસનું.

હારું; વારું હ્રદયમનને, ના છલક તું આમ આવું,
જે ના લેતા ખરખબર કૈં લેશ તારી સપનમાં,
એને માટે સતત રટણા હોય ના આમ આવી,
ભૂલો એને – છળછલકતા એમના બોલ સઘળા.

ઓચિંતો ત્યાં નિકટ સરતો સ્વર કશો ગુંજતો ક્યાં?
ચાહે તુજને; હ્રદય પર એ, હોય આરોપ આવો?


0 comments


Leave comment