29 - હે કવીન્દ્ર ! / ઉષા ઉપાધ્યાય


હે કવીન્દ્ર!
તારા યુગે હતી પદ્મા
પ્રશાંત વેગમાં જેના
વહી જતી તરી
તારી સમસ્ત ક્લાન્તિને
હળુ હળુ વહાવી જતી હતી
નિજ સંગે.

એ પદ્મા તીરે
મંદ્ર-મધુર જલધારા સૂરે
થનગનતી નર્તંતી હવા
શ્રાન્ત ચિત્તને તારા
ધીમી ધીમી થપકીઓથી
કરી આશ્વસ્ત
છલકાવી દેતી હતી
નવઉલ્લાસે
અને તું
ચાંદનીના કરકમળોમાં
આગિયાઓના દીપકો સજાવી
અભિસારે નીકળેલી વસુંધરાનાં
ગીત ગુંજી ઊઠતો હતો;
તારી વાણીમાં જાગી ઊઠતો હતો
માટીમાં માટી બની જઇને પણ
સૂર્યની કરોડો પરકમ્મા
કરતા રહેલા
ને એમ
ફરી ફરીને દીપ્તિવંતા
બનતા રહેલા
માનવની કૃતાર્થતાનો સભર સભર ધ્વનિ.
વ્યથા તારી આમ
પામતી હતી ધન્યતાનું ગાન.

કવીન્દ્ર હે !
સૃજન માત્રની જનની જે
આજે યે છે હયાત
વ્યથાનો એ
કેન્દ્રચ્યુત કરી દેતો
અપ્રતિહાર્ય
નિબિડ સ્પર્શ.
પ્રત્યેક વાર એ સ્પર્શ
ફરી ફરીને સન્મુખ કરી દે છે
મને
મારી જ જાત સમક્ષ.
હોય છે મહાવિસ્ફોટક
અતિક્રૂર
એ સ્પર્શ, એ પળ...
દૈનંદિનીય ઘટમાળમાં
રઝળી પડેલા મને
ભયંકર રોષથી ખેંચી લાવીને એ
ફરીથી ખડો કરી દે છે જ્યારે
નિજની જ સન્મુખ
ત્યારે વર્ષોની મહેનતથી
એક એક કરીને ચણેલી
દીવાલો સઘળી
તૂટી પડે છે એકસામટી
કડડડભૂસ......
ને હું
થઇ જાઉં છું સાવ
અવગુંઠનહીન, અવલંબનહીન
મને આરપાર વાગવા લાગે છે
અનંતકાળથી વન-રણમાં
ઉન્મુક્ત વહેતા પવન
અને
પૃથ્વીની કૂખમાં
ઊછળતા રહેલા સમુદ્રની
કલશોર કરતી છાલકો પર છાલકો.
ને
મારા આયુષ્યના કેલિગૃહને શણગારતા
સર્વન્ટ-બોસ
હસબન્ડ-વાઈફ
સ્ટુડન્ટ-ટીચર
ફ્યુચર-ફીચર
-નાં સઘળાં મહોરાંઓ
ખેલાઘરમાંથી ફેંકાઇ ગયેલાં
તુચ્છ રમકડાંઓની જેમ
ફંગોળાઈ ફંગોળાઈને
તણાઇ જાય છે
ક્ષણ માત્રમાં.
એ પળે
મારા એ નિરાવૃત ચહેરાથી
હું જ પામું છું ભય.

ને ત્યારે
કોઈ પદ્મા, કોઈ વેત્રવતી
કે કોઈ શોણ
સ્થાપતી નથી મને
ફરી મારામાં.


0 comments


Leave comment