30 - વિક્ટોરિયા ઑકામ્પો / ઉષા ઉપાધ્યાય


હે કવિ,
સાંજના ઘેરાતા પડછાયાની સાથે
આ કઈ વેદના તમને લઈ જાય છે
ઉદાસીના અતલ સાગરમાં?
તમારી શૂન્યવત્ આંખોમાં ફરફરે છે
કઈ વેદના-તરીના સઢ ?
પાછા આવો, પાછા આવો
આ પ્લાતા નદીને તીરે હે કવિ,
ડર લાગે છે મને
તમે ઉદાસ હો છો
ત્યારે,
લાગે છે કે જાણે એકાએક
કોઈએ ધકેલી દીધી છે મને
ઊંડી ખીણની ધાર પર...
હું લંબાવું છું હાથ
તમારા ચહેરા પર છવાયેલી
ગાઢ ઉદાસીને લૂછવા
પરંતુ
ખરી જાય છે બધી જ આંગળીઓ
ચહેરા સુધી પહોંચે તે પહેલાં જ
ને ઘેરી વળે છે મને
ચારે બાજુથી
એક અસહાય વેદનાનું પૂર..
પણ,
વળતી જ પળે
મારામાં રહેલી નારીને હૈયે
જાગી ઊઠે છે તલસાટ
શિશુની જેમ તમને
પાલવમાં ઢબુરી લેવા,
થાય છે
તમારી બધી જ વેદનાઓને
થંભાવી દઉં
મારા પાલવની પેલે પાર
અને ફરકતું જોઉં
તમારા ચહેરા પર
પીંછાની હળવાશ જેવું
ચિર-પરિચિત મધુર સ્મિત;

હે કવિ,
સાંજના મ્લાન ઓછાયાની જેમ
આંખોમાં ચૂપચાપ પથરાતી જતી
ને હોઠ પર એક મૌન ચીસ બનીને
અટકેલી
તમારી નિબિડ વેદનાઓ
આપી દો મારા આ પાલવને,
હું નારી છું હે કવિ!
જીરવી જ નહીં જાઉં;
જીવી જઇશ તમારી વેદનાઓને
અતલ ઊંડાણેથી
ને પછી
ખીલી ઊઠીશ તમારા
તુષારમંડિત પ્રભાત જેવા સ્મિતમાં...

(* વિક્ટોરિયા ઓકામ્પોની રવીન્દ્રપ્રીતિ વિશેના બે લેખ શ્રી જયંત મેઘાણીએ વાંચવા આપેલા. એ વાંચતા સ્ફુરેલું આ કાવ્ય શ્રી જયંત મેઘાણીને સાદર અર્પણ.)


0 comments


Leave comment