31 - દેવયાની / ઉષા ઉપાધ્યાય


જાઓ!
લઈ જાવ બધું યે
છીનવી છેતરી મનાવી
રીઝવીને કદી વળી
લઈ લો જે કંઇ રિદ્ધી મારી,
ખંખેરી લો
પ્રણયસપનાં, ઉષ્મા મૈત્રીની યે.

સ્વાર્થ થતાં પૂરો
ભીરુ સાથી
જાવ, ભૂલી જાવ
મુજ હ્રદયની ન્યોછાવરીને,
નિર્મ્યું જે કંઈ વિધિએ
મળી રહેશે સુખ સકલ એ
ફરી ફરીને તમોને.

હું ના દધિચી
માનવેન્દ્ર યે ના
યાચીશ નહીં કદી
ટક્યા જે પરે તુજ જીવનના
કીર્તિસ્તંભો રૂપાળા,
ને ના કહીશ કદી યે ગર્વવચનો
વ્યથા લૈ દીધું જે કંઇ તમોને.

જાઓ, લઈ જાવ સુખેથી
ચાહો જે મુજ કનેથી,
લઈ લો ઉશેટીને
રક્ત ટશર આંકી મુજ હ્રદય પરે,
રક્ત ઝરતું તો યે નહીં રંક
હૃદય આ સભર છે સ્નેહસ્વર્ણે
નિર્મમ થઇ જશો તજી તો યે
સ્નેહ સાથી હશે પ્રલયસમયે.


0 comments


Leave comment