32 - ફિલ્મ ‘પરમા’ની નાયિકા / ઉષા ઉપાધ્યાય


પ્રથમ વર્ષાની સ્નિગ્ધતાથી
મારા તનમનને
નિતાન્ત ભીંજવી દેનાર
ઓ રાહી!
તું ક્યાંથી આવ્યો છે?

વિગત જન્મો જેવી
લાગે છે હવે, એ
ફૂટતી કૂંપળોના રોમાંચની
અનુભૂતિથી મને
ફરી જીવનનો અહેસાસ કરાવનાર
ઓ રાહી!
તું ક્યાંથી આવ્યો છે?

મારા અશબ્દ ભાવ
શિરીષમહેકની જેમ
તારા રોમ રોમ સુધી પહોંચીને
ઝંકૃત કરી ગયા છે
ક્યારેય
તારી હ્રદયવીણાને?
જાણતી નથી એ, પ્રિય!
પરંતુ
મારું અશ્મિભૂત અસ્તિત્વ
રંગાઇ ગયું છે હવે
ગુલમહોરની લાલિમાથી

મારા અંશ અંશમાં
ખીલી ઊઠી છે
જૂઇની નાજુક પાંદડીઓ
અને
મારા સમગ્ર અસ્તિત્વમાંથી
ઝરવા લાગ્યું છે હવે
કોઇ અનામ સુખ
નીમમંજરીઓની જેમ.

આ ચમત્કારને
હે રાહી!
તું ક્યારેય જાણી પણ શકીશ?
જાણી પણ શકીશ?.....


0 comments


Leave comment