3.3 - અંક : દ્વિતીય - દૃશ્ય : તૃતીય / પૂરુ અને પૌષ્ટી / વીરુ પુરોહિત


અંક : દ્વિતીય
દૃશ્ય : તૃતીય
સમય : અંતિમ દૃશ્ય પછી ૩૦ વર્ષ. વર્ષાકાલ, દિવસનો પ્રથમ પ્રહર.
(પ્રાતઃકાલના સૂર્યનું પ્રથમ કિરણ કુટિમાં પ્રવેશી રહ્યું છે. શર્મિષ્ઠા મોરપિચ્છનાં ગુચ્છથી ભૂમિ સ્વચ્છ કરી રહી છે. મયૂરોની કેકાથી વાતાવરણ પ્રફુલ્લ જણાય છે. કુટિમાંથી વૃઘ્ધ પૂરુ સ્કંધ પર અંગૂછો ધરી પ્રવેશે છે.)

શર્મિંષ્ઠા : સુપ્રભાતમ્, પૂરુ !
પૂરુ: સુપ્રભાતમ્ I વંદન કરું છું!
શર્મિંષ્ઠા : આયુષ્યમાન ભવ ! પૂરુ, અત્યંત ઉલ્લાસ અનુભવું છું, આજે !
પૂરુ : અનેક વર્ષો પછી આપના મુખ પર પ્રસન્નતા નિહાળી ધન્યતા અનુભવું છું !
શર્મિષ્ઠા: મને સંદેહ હતો કે હું ઉલ્લાસનો અર્થ જ વિસરી ગઈ છું, કિંન્તુ, આજ બ્રાહ્મમુહૂર્તે મને પ્રાપ્ત થયેલાં સ્વપ્ને મને પ્રાપ્ત થયો એ અર્થ !

પૂરુ : શું હતું એ સ્વપ્ન ?
શર્મિંષ્ઠા : મેં નિહાળ્યું કે સરોવરમાં અડાબીડ વિકસેલાં કમળની શાભા વિસ્તરી છે... દૃષ્ટિમર્યાદા પર્યંત સર્વત્ર માત્ર કમળ જ કમળ ! મારાં આશ્ચર્ય વચ્ચે પ્રત્યેક કમલની મધ્યેથી શનૈ: શનૈ: શ્વેતવસ્ત્રધારી, કરમાં શ્વેત પુષ્પોની માલા ગ્રહણ કરી, દેવીઓ પ્રકટ થાય છે ! હું તો દિગ્મુઢ બની નિહાળતી જ રહું છું ! પછી હું સર્વને પ્રણામ કરું છું.... કે તુરન્ત ચોપાસથી ધ્વનિ સંભળાય છે : ‘શર્મિષ્ઠા, વત્સ ! સમીપ આવ ! હું તો અસમંજસમાં પડી છું કે મારે કઈ બાજુ જવું ? થોડી ક્ષણોમાં તો સર્વ દેવીઓ મારા ભણી ત્વરાથી આવે છે, અને.… અને હું કંઈ પણ વિચારું એ પહેલાં દેવીઓ મારા કંઠમાં સહસ્ત્ર માલાઓ રોપી અંતર્ધાન થઈ જાય છે ! મારું હૃદય આનન્દથી ઊભરાઈ રહ્યું છે ! અપ્રતિમ શુકન થયાં છે ! હા, પૂરુ અપ્રતિમ શુકન !

પૂરુ : શુભમ ભવતુ !
શર્મિષ્ઠા: અને પૂરુ, સ્વપ્નપૂર્ણ થતાં હું જાગીને ગૌશાળામાં સુરભિવંદન કરવા ગઈ ત્યાં મેં નિહાળ્યું કે વચ્છ આંખો મીંચી, મુગ્ધ થઈ, સ્તનપાન કરી રહ્યું છે.
પૂરુ : શુભમ્ ભવતુ. ! હું અત્યંત આનંદિત છું, આપને પ્રાપ્ત થયેલાં શુભશુકનોથી ! આપની આજ્ઞા હોય તો સ્નાનાદિકાર્ય પ્રયાણ કરું !
શર્મિષ્ઠા: (નાટકીય ઢબે) આજ્ઞા છે, પૂરુ ! આજ્ઞા છે ! (પૂરુનું સસ્મિત પ્રસ્થાન)
(શર્મિંષ્ઠા બન્ને ભુજા પ્રસારી આકાશ ભણી મુખ કરી વર્તુલાકાર ઘૂમતાં પૌષ્ટી ભણી નિહાળતાં સ્તબ્ધ બની ઊભી રહે છે)
પૌષ્ટી, વત્સ! મને સ્મરણમાં છે જ, વત્સ ! તારી પ્રતિજ્ઞાને આજે શતવર્ષ પૂર્ણ થયાં, એ વિષે હુ જ્ઞાત છું જ !
(આસપાસથી નાનાં છોડ, તૃણ ઈત્યાદિ દૂર કરતાં)
મને શુકન થયાં છે, પૌષ્ટી ! હું અત્યંત આનન્દિત છું... સુખમય ભાવિની કલ્પનાઓ મારા ચિત્તમાં ઊભરાઈ રહી છે ! વત્સ, પૌષ્ટી ! આજે શત વર્ષે પુનઃ મૂર્ત થઈશ તું ! મારી હાર્દિક કામના છે કે પુનઃ કાષ્ઠવત્ ના થઈશ, વત્સ !
(પર્ણકુટિમાં જતાં) સ્મરણમાં રહે.... પુન: કાષ્ઠવત્ થવાનું ન વિચારીશ, પૌષ્ટી!
(કુટિમાં પ્રવેશે છે)

દેવયાની : (પ્રવેશી) સર્વજ્ઞ ! મેં નિશ્ચય કરી લીધો છે, મારા ધ્યેયની પ્રાપ્તિનો ! મારી આસપાસ વમળાતા, સંકોચાતા આ પરિધિની પાર પ્રથમ ડગ ભરવા હું કૃતસંકલ્પ છું ! મારા સર્વ વ્યામોહો પરહરી હું રાજમહાલયની બહાર નીકળી ચૂકી છું... પુનઃ કયારેય ત્યાં ન જવાના સંકલ્પ સાથે I
(ભાવવાહી સ્વરે) વર્ષો પછી અનુચરો વિના જ વનમાં વિહાર કરતાં અનહદ સુખ પ્રાપ્ત થયું ! આજે કેટલાં વર્ષો પછી મારી આ આગળીઓએ આ પુષ્પો ચૂંટયા… અને મારું સમગ્ર સંવિત મઘમઘી ઊઠયું !!
(હાથમાં રહેલાં પુષ્પો પૌષ્ટી પાસે મૂકી, વંદન કરે છે)
કેટલો આહ્લલાદ ! કેટલું સુખ ! જાણે મારી ચેતનાનાં સર્વ તત્ત્વો એકઠાં મળી ઊજવી રહ્યાં છે ઉત્સવ ! ચોમેર ઊડી રહ્યો છે, ગુલાલ ! સર્વજ્ઞ ! મેં ગ્રહેલા માર્ગમાં આપ સહાયક…

શર્મિષ્ઠા : (પર્ણફુટિના દ્વારે ઊભી) પધારો મહારાણી ! રાજમાતાનો જય હો !
દેવયાની : મહારાણી ? રાજમાતા ? કોણ રાજમાતા ? નહીં સખી શર્મિષ્ઠા ! માત્ર ‘સખી’ કહે ! વિસરી જા અન્ય સંબોધનોને ! એ સત્તાધારી પદને તો હું કયારનીય ત્યજીને નીકળી ચૂકી છું ! તું મને એકવાર... હા, સખી, એકવાર ‘દેવયાની’ કહી સંબોધ ! મારા કંઠે વીંટળાઈ જા, પુન: એકવાર !
(શર્મિષ્ઠા આશ્લેષમય સ્થિતિમાં રહીને)
શર્મિષ્ઠા : અને મહારાજ ?
દેવયાની : હું જ્યારે રાજમહાલયમાંથી નીકળી ત્યારે તેઓ નિદ્રાધીન હતા !
શર્મિષ્ઠા : તેઓ વ્યાફુળ થઈ જશે !
દેવયાની : (અળગાં થઈ) શા માટે ? મારી અહીં ઉપસ્થિતિ વિષે એમને જાણ થશે જ !
શર્મિષ્ઠા : રાજમાતા ! સખી ! દેવયાની ! (ગૂંચવાય છે)
દેવયાની : (સસ્મિત) માત્ર ‘સખી' જ કહે !
શર્મિષ્ઠા : સખી ! આ પદત્યાગનો વિચાર શી રીતે જન્મ્યો ? શું મહારાજ... ?
દેવયાની : ના, શર્મિષ્ઠા, ના ! બધું જ યથાવત્ છે ! માત્ર હું જ.… માત્ર મારું જ અંતર ડહોળાઈ ગયું છે ! ત્રસ્ત છું હું મારી આ સ્થિતિથી ! મેં જ, હા, મેં જ કરી છે મારી અધોગતિ !

શર્મિષ્ઠા: સખી ! આટલાં વર્ષે આવો માર્ગ,…
દેવયાની : મને ચીંધ્યો છે માર્ગ, સર્વજ્ઞ પૌષ્ટીએ ! મારે માત્ર સત્તાનો જ નહીં, સખી ! આ રાજમાતાનાં વસ્ત્રો, અલંકારો સર્વનો પણ ત્યાગ કરવો છે... શર્મિષ્ઠા, તારાં વસ્ત્રો મને આપીશ ? તારા અલંકારો મને આપીશ ? સખી ! મારે પુન: આશ્રમવાસી થયું છે ! પુન: મારે થવું છે, તપસ્વિની ! મને સહાય કર સખી ! સહાય કર !
શર્મિષ્ઠા : આપની એ જ કામના હોય તો મારાં વસ્ત્રો ધારણ કરી શકો છો !
(દેવયાની પર્ણફુટિમાં પ્રવેશે છે)
સરિતા કદાચ સમુદ્રથી પર્વત ભણી વહી શકે ! વાદળો પણ કદાચ પૃથ્વી પરથી આકાશમાં વરસી શકે; કિંન્તુ દેવયાનીમાં આમૂલ પરિવર્તન…! બુધ્ધિ સ્વીકારી શકતી નથી ! હૃદય માની શકતું નથી ! રહી રહી માત્ર સંદેહ જ થયા કરે છે... આ કોઈ દેવયાનીલીલા તો નહીં હોય ! પુન: કોઈ પ્રપંચ તો નહીં હોય ! આ નૂતનમાર્ગે પુનઃ કોઈ છલના, કોઈ સત્તાનું પ્રદર્શન કરવાનું નૂતન આવિષ્કરણ તો નહીં હોય ?
(વિરામ)
શકય છે કે પશ્ચાતાપના અગ્નિમાં એ વિશુધ્ધ થઈ પણ હોય ! શક્ય છે કે એના આત્માનો મૂળ અંશ હજુ જીવિત હોય અને સર્વ અધ્યાસો પરહરી, આજે જાગૃત થયો પણ હોય ! અથવા કોઈ દૈવી ચમત્કાર ! કશું સમજાતું નથી.

પૌષ્ટિ : એ આત્માનો ઉઘ્ધાર થયો છે ! લેશ પણ સંદેહ ન કરો, માતાજી ! નૂતનમાર્ગે પ્રયાણ કરવા એમને સહાય કરો, માતાજી !
(શર્મિષ્ઠા અત્યંત પ્રસન્ન થાય છે)
(દેવયાની પર્ણફુટિમાંથી બહાર આવે છે, તેણે શર્મિષ્ઠાનાં વસ્ત્રો ધારણ કર્યાં છે. એનો કેશકલાપ પણ શર્મિષ્ઠાની જેમ જ છે. તેણી સંપૂર્ણ આશ્રમવાસી જણાય છે…)
દેવયાની : સખી !
શર્મિષ્ઠા : ઓહ, સખી ! દેવયાની ! તર્દન આશ્રમવાસી જ…! (આવેશપૂર્ણ થઈ દેવયાનીને આશ્લેષે છે) થોભો, આપના માટે અલંકારો પણ લઈ આવું !
(કુટિમાંથી ક્ષણાર્ધમાં જ ભીનાં વસ્રમાં રાખેલાં પુષ્પાલંકારો લાવે છે. દેવયાનીનો શૃંગાર કરતાં...) સખી ! વર્ષો પહેલાં બાળાદેવયાનીને આમ જ શૃંગાર કરી આપતી ! આપને સ્મરણ થાય છે, ઋષિપુત્રી ?
(દેવયાની મસ્તકથી ‘હા’ કહે છે) જુઓ, મસ્તક ‘આમ’ કરવાથી વેણીનાં પુષ્પો ધૂજી રહ્યાં છે ! જરા સ્થિર રહો, દેવયાની !
(બન્ને મુકત હાસ્ય કરે છે.) (દેવયાનીની ચિબુક બન્ને હથેલી વચ્ચે રાખી નિહાળે છે…) કયાંય નથી નીરખ્યું આવું સૌંદર્ય ! નહીં….નહીં, સ્વપ્નમાં પણ નહીં ! અનુપમ, અલૌકિક, અદ્ભુત સૌંદર્ય નીખર્યુ છે, સખી! (પર્ણફુટિમાં જવા કરે છે.)

દેવયાની : કયાં જાય છે, સખી?
શર્મિષ્ઠા : કાજલ પાડી લાવું ! આપના માટે ! (કુટિમાં પ્રવેશે છે.)
દેવયાની : બહાવરી બની ગઈ છે, મારું નૂતનરૂપ જોઈને! કિંન્તુ, કેટલી વ્યથા અનુભવી છે, મેં આ દ્વિજરૂપ ધારણ કરતા પહેલાં ! અત્યંત કઠિન છે... હા, દુષ્કર છે, પરિવર્તન!
(વિરામ)
પૂરુએ પણ આવી જ….. કદાચ, સહસ્રગુણિત અધિક વ્યથા અનુભવી હશે !
(પૂરુનાં ધનુષ્ય-તૂણીર પાસે ઊભી પોતાનાં વસ્રથી પસવારે છે…)

યયાતિ : (પ્રવેશી) દે...
(સ્તબ્ધ થાય છે, ચોપાસ નિહાળે છે, ધીમેથી દેવયાનીની પાછળ ઊભી)
શર્મિષ્ઠા ! હું પુન: આવ્યો છું ! તે દિવસ અસ્વસ્થતાના કારણે જ તૃપ્ત ન થયાં આપણે !
આવો આજે કામપૂજા... (પાછળથી દેવયાનીને આશ્લેષમાં લેવા જાય છે, તે જ સમયે શર્મિંષ્ઠા પર્ણફુટિમાંથી બહાર આવે છે, તે જ ક્ષણે દેવયાની યયાતિના અધખૂલા બાહુમાં ત્વરાથી ઘૂમે છે !) (બે ડગ પાછાં હઠી) આપ ?!
દેવયાની : હા, હું ! હું જ ! (સ્વગત) અનેક તીર્થંજળથી ભરવા છતાં જે ઘટમાં એકદા મદ્ય ભર્યો હોય, તે ક્યારેય મદ્યની ગંધથી મુકત નથી થતો !

યયાતિ : આટલાં ચકિત થવાની શી આવશ્યકતા હતી?
દેવયાની : ચકિત તો આપ થયા છો, હું નહીં! મને તો આ અપવિત્ર સ્પર્શનું વ્યસન થઈ ગયું છે!
યયાતિ : અપવિત્ર સ્પર્શ ?!
દેવયાની : હા, મહારાજ ! અપવિત્ર સ્પર્શ !
યયાતિ : મહારાજ ?!
દેવયાની : શર્મિષ્ઠા, મહારાજને પવિત્ર સ્પર્શની વ્યાખ્યા પણ સ્મૃતિમાં રહી નથી !
યયાતિ : દેવયાની ! શર્મિષ્ઠા ! આ વિદૂષકત્વ મને લેશ પણ પ્રિય નથી ! .
દેવયાની : વિદૂષકત્વ તો આપે આચર્યુ છે, મારાં શરીર સાથે... મારી ચેતના સાથે... આજ પર્વત !
યયાતિ : મેં ? ક્યારે ? શી રીતે?
દેવયાની : હા, આપે જ! આપે મને સતત એક એવાં કેન્દ્ર ભણી ઘસડયા કરી છે જયાં કેવળ અધ્યાસો જ હોય ! અને…. અને એ કેન્દ્રની આસપાસ વર્તુલાકારે આપે અવિરત રચ્યાં કર્યું આવરણ... આ૫ની કામાંધ સત્તાનું ! સતત ભીંસાઈ છું હું ! અવિરત ક્ષય પામતો રહ્યો છે મારો આત્મા !

યયાતિ: આપની આ સ્થિતિનું દાયિત્વ કેવળ મારું જ નથી! આપ પણ ઉત્તરદાયી છો જ !
દેવયાની : હું કયાં અસ્વીકાર કરું છું, મારાં દાયિત્વનો ?
યયાતિ : તો શો અર્થ છે આ દોષારોપણનો ?
દેવયાની : પ્રાયશ્ચિત ! મારું પ્રાયશ્ચિત જ છે, માત્ર અર્થ?
યયાતિ : પોતાનાં સ્વામી સાથે કામભાગ એ કંઈ પાતક નથી, કે પ્રાયશ્ચિત .....
દેવયાની : કિંન્તુ, શત વર્ષથી હું મારા સ્વામીને નથી ભોગવતી !
પૂરુ : શું કહો છો આપ ?!
દેવયાની : સત્ય જ કહું છું! પૂરુ યુવાવસ્થા ગ્રહણ કયાઁ પછી આપ જયારે મને રાત્રીના આછા પ્રકાશમાં આશ્લેષમાં લેતા ત્યારે મને આપના વદન પર એક બીજું જ વદન જોવા મળતું ! અને એ વદન..... એ વદન પૂરુનું હતું !!
(યયાતિ બે ડગ પાછાં હઠી જાય છે)
અને મહારાજ ! આપ જયારે કામક્રીડામાં રત રહેતા ત્યારે મેં આપની ક્રીડામાં હંમેશા પૂરુનો જ અનુભવ કર્યો છે ! મહારાજ, આવો અનુભવ એક–બે-ત્રણ નહી પણ શત વર્ષ પર્યંત મેં કર્યો છે.…. અને તે પણ સર્વ કંઈ જ્ઞાત હોવા છતાં ! ધિક્કાર હો મને ! જ્ઞાત હોવા છતાં મેં મારા પુત્રની યુવાવસ્થા ભોગવી ?! ધિક્કાર હો મને !!
(યયાતિ પટકાઈને બેસી પડે છે. બન્ને હથેલી કર્ણ પર ધરી, વલોપાત કરે છે)
(પૂરુનો પ્રવેશ)

યયાતિ : દેવિ ! એકવાર કહી દો કે આપે જે કંઈ કહ્યું તે કેવળ મિથ્યા સંભાષણ જ હતું ! કહી દો, દેવિ ! માત્ર પ્રલાપ જ હતો !
દેવયાની : નહીં, મહારાજ ! એ સત્ય જ છે ! એક કટુસત્ય !
યયાતિ : ઓહ, પ્રભુ ! અનેક અપરાધો કર્યા છે, મેં ! અનેક અનર્થો સર્જ્યા છે મેં.… આ સર્વ અનિષ્ટોના મૂળમાં હું જ છું ! મેં કચાંક રાજાની, ક્યાંક સ્વામીની તો ક્યાંક પિતાની સત્તાને મારી કામાંધતાનો પુટ આપી અનિષ્ટનું જ સર્જન કર્યુ છે ! વાસ્તવમાં હું એક એવું પાત્ર છું, જેને માર્ગ તો છે, દિશા નથી ! જે ચાલી તો રહે છે, પણ કોઈ ધ્યેય નથી ! હું… હું ક્ષમાને પણ માત્ર નથી ! મેં જઘન્ય અપરાધ કર્યા છે, અને તે પણ વારંવાર ! મને આજે જ્ઞાન થયું કે સપ્તસમુદ્રો ભરેલાં રત્નો હોય તો પણ મનુષ્યની લાલસા સંતોષાતી નથી! સહસ્ર પૂરુની યુવાવસ્થા પણ કદાચ મારી વાસના નહી તૃપ્ત કરી શકે... હા, નહીં જ સંતોષી શકે !! આ વ્યામોહ તો છે એક એવો અગ્નિ જે સઘળું જ બાળી શકે છે... આજે આપ બન્નેમાં મને નિર્ધૂમઅગ્નિનું રૂપ જોવા મળ્યુ છે... યજ્ઞકુંડમાં પ્રજવળતા અગ્નિ જેવું જ ! દેવિ ! શું આપ મને પણ નિર્ધૂમઅગ્નિનું રૂપ ન આપી શકો ? મોક્ષનાં યજ્ઞકાર્ય માટે મને ઉપયુક્ત ના બનાવી શકો?

દેવયાની-શર્મિષ્ઠા : સ્વામિ ! (બન્ને વામ-દક્ષિણ ઊભી યયાતિને આલંબન આપે છે…)
યયાતિ : પૂરુ, વત્સ ! જેનો ત્યાગ કરવો અત્યંત કઠિન છે, જે કેવળ પ્રાણાન્તક ઋગ્ણાવસ્થા જ છે, અને જે વૃઘ્ધ થવા છતાં વૃઘ્ધ થતી નથી, એવી આ તુષ્ણામાંથી, વત્સ, મને મુકત કર ! મુકત કર, વત્સ ! મને મુકત કર !
પૂરુ : પિતાશ્રી ! મને આજ પર્યંત આપની આજ્ઞા સદૈવ શિરોમાન્ય રહી છે; કિંતુ, આજે હું આપની આજ્ઞા ઉથાપું તો શું આપ મને એકવાર પણ ક્ષમા નહીં કરો ?
યયાતિ : પુત્ર ! ક્ષમાની પ્રાર્થના તો મારે કરવી ઘટે ! મેં જ કર્યો છે અન્યાય ! કિન્તુ, વત્સ ! મને ન્યાયનું આચરણ કરતાં તું શીદને રોકે છે ?
પૂરુ : ક્ષમાની પ્રાર્થના ? અન્યાય ? પિતાશ્રી, આપ આ શું કહી રહ્યા છો ?
યયાતિ : હા, પુત્ર ! મારા અંતસ્તલમાં પ્રકાશનો પુંજ ઝળહળ્યો છે, આજ ! હું એ ઊંડાણમાં મારા અતીતને પ્રત્યક્ષ નિહાળી રહ્યો છું. રહી રહીને બસ એક જ દૃશ્ય પાસે મારાં ચક્ષુઓ રોકાઈ જાય છે… અને એ દૃશ્ય છે, મેં તને અર્પણ કરેલી મારી શાપિત વૃધ્ધાવસ્થાનું ! મેં આચરેલા અન્યાયનું !
પૂરુ : પિતાશ્રી, લેશ પણ વ્યથિત ના થાઓ ! આપે કોઈ જ અન્યાય આચર્યો નથી ! મારી યુવાવસ્થા પર તો આપનો અધિકાર હતો જ !

યયાતિ :
હા, વત્સ ! તું સત્ય કહે છે... મારો અધિકાર હતો ! વત્સ ! મેં તારી ફુશળ બાણવિદ્યાને લક્ષ્યમાં લઈ, દેશ પર આવી પડેલ કોઈ સંકટનું નિવારણ કરવા તને યુધ્ધભૂમિમાં મોકલ્યો હોત અને ત્યાં સહસ્ર બાણોથી વીંધાયેલા તારા દેહને નિહાળ્યો હોત તો તારી યુવાવસ્થાનો એ હ્રાસ નિહાળીને પણ મને ગર્વ થયો હોત ! એ મારો અધિકાર હતો ! કિન્તુ મેં, મારી કામપિપાસાની તૃપ્તિ અર્થે જ તારી યુવાવસ્થાનો ભોગ કર્યો છે ! એ મારો અધિકાર ન હતો !
(વિરામ)
પૂરુ ! આજે મને જણાય છે કે મને પ્રાપ્ત થયેલી અકાળ વૃધ્ધાવસ્થા એ મારો શાપ ન હતો... પરંતુ મેં પ્રાપ્ત કરેલી તારી આ યુવાવસ્થા જ મારો ખરો શાપ છે ! એ વૃઘ્ધાવસ્થાના શાપે તો કેવળ મારા દેહને જ વ્યથા કરી હતી, કિંન્તુ આ યુવાવસ્થાએ મારી સમગ્ર ચેતનાને જ ડહોળી નાખી છે... મારી સાથે છલ થયો છે, પૂરુ ! છલ ! વત્સ, મને શાપ-મુકત કર ! વત્સ, મને પુન: શાપ મુકત કર ! મને મારી શાપિત વૃધ્ધાવસ્થા પ્રત્યર્પણ કર ! વત્સ !

પૂરુ : પિતાશ્રી ! મેં સર્વ અનિષ્ટોની જન્મદાત્રી સત્તાને અત્યંત સમીપથી નિહાળી છે ! સર્વ અનર્થોના સર્જનહાર વ્યામોહને પ્રત્યક્ષ પ્રમાણ્યો છે ! મારું મન, મારું હૃદય, મારી ચેતના આ કષાયોને ત્યજવા યોગ્ય જ ગણે છે ! મારે મત આ યુવાવસ્થાનો હવે કશો જ અથઁ રહ્યો નથી ! પિતાશ્રી, મને ક્ષમા કરો !
યયાતિ : વત્સ ! આ એક એવી છદ્મજાળ છે, જેણે અનેક મત્સ્યો ને ગ્રસી લીધાં છે ! મનુષ્ય પોતે જ રચે છે એ જાળ ! પછી પોતે જ એમાં ગૂંગળાય છે, તરફડે છે, પ્રયત્ન કરે છે એ જાળને ભેદીને બહાર નીકળવાનો..… કિંન્તુ, એ નિરુપાય બની રહે છે, કેમકે આ છદ્મજાળ ભેદવાનો કોઈ જ ઉપાય તેની પાસે નથી હોતો ! વત્સ ! હું પણ આવું જ એક મત્સ્ય છું જે પોતે જ રચેલી છદ્મજાળમાં ગ્રસાયું છે ! હું એ જાળ ભેદવા આજે પ્રયત્ન કરું છું… વત્સ, તું મારો માર્ગ અવરોધ નહીં ! કૃપા કરી વત્સ, મારી વૃઘ્ધાવસ્થા મને પ્રત્યર્પણ કર !

પૂરુ : પિતાશ્રી ! આ મોહક સત્તા, મનુષ્યને રમણીય જણાતા આ વ્યામોહ... સર્વ કંઈ છે છદ્મ ! મને આ જ્ઞાન જેણે આપ્યું છે તે વૃધ્ધાવસ્થા મને પ્રિય છે...
દેવયાની : નહીં પુત્ર ! (પૂરુ ચોંકીને દેવયાનીને જુએ છે.)
તારી યુવાવસ્થા પર તો કેવળ તારો જ અધિકાર છે ! તે ખાસ કરેલું એ ફળ છે... તારુ ફળ તને પુન: મળવું જ જોઈએ, વત્સ ! વળી, તને જયારે સર્વ સ્થિતિનું જ્ઞાન છે, ત્યારે તું ધારે છે તેમ, કોઈ જ વ્યામોહ તને ચલિત કરવા શક્તિમાન નથી ! વત્સ ! તારી યુવાવસ્થા પુન:ગ્રહણ કરી લે !
પૂરુ : માતાજીની આજ્ઞાથી મેં યુવાવસ્થા અર્પણ કરી હતી... અને માતાજી આજ્ઞા આપશે તો..
શર્મિષ્ઠા: વત્સ ! માતા દેવયાનીની કામના એ જ મારી આજ્ઞા છે ! તું તારી યુવાવસ્થા પુન:પ્રાપ્ત કર !
પૂરુ : પિતાશ્રી ! મને આપણી આજ્ઞા શિરોમાન્ય છે !

યયાતિ : (મંચપરના એક ખૂણે ઊભી) રુદ્રદત
રુદ્રદત : (પ્રવેશી) નમસ્કાર ! મહારાજ !
યયાતિ : તમે હમણાં જ પ્રસ્થાન કરો ! અને...
(એના કાનમાં કશુંક કહે છે.) (રુદ્રદત્તનું પ્રસ્થાન)
પૂરુ ! પર્ણફુટિનાં પાર્શ્વભાગે સ્થિત યજ્ઞકુંડ સમીપે આવ !
(બન્ને જાય છે) (નેપથ્યે અગ્નિપ્રાકટ્યના શ્લોકો પછી યયાતિ દ્વારા ૐ ણે હ્રીં કલીં શ્રી’નું પુનરાવર્તન ક્રમશઃ મંદ થતા નાદથી સંભળાય છે.)

શર્મિષ્ઠા : પૌષ્ટી ! વત્સ ! તારી પ્રતિજ્ઞાને આજે શતવર્ષ પૂર્ણ થયાં છે ! તેં સાંભળ્યું ને ? પૂરુને પુન: યુવાવસ્થા અર્પણ કરી રહ્યા છે, મહારાજ!
દેવયાની : સર્વજ્ઞ પૌષ્ટીને વળી, પૂરુની યુવાવસ્થા સાથે શો સંબંધ છે, સખી?
શર્મિષ્ઠા : સખી પૌષ્ટી તો છે પૂરુની હૃદયેશ્વરી ! બન્નેનો વિવાહ થાય એ પૂર્વે જ આ ઘટના ઘટી હતી ! પૌષ્ટીએ તેથી જ, કાલદેવતાને અવરુધ્ધ કરી, સ્વયં કાષ્ઠરૂપ ધારણ કરી, શતવર્ષ પરર્યંત કર્યું છે તપ !
દેવયાની : ઓહ ! અપ્રતિમ સમર્પણ ! નિર્વ્યાજ પ્રણય ! નિર્ધૂમહોમાનલ !
(પૌષ્ટી રાફડામાંથી પ્રકટ થઈ શર્મિષ્ઠાને પ્રણામ કરે છે. દેવયાની, પૌષ્ટીને વંદન કરવા જાય છે, પણ તેને પૌષ્ટી પ્રણામ કરે છે)

પૂરુ : (યુવાવસ્થા સાથે પ્રવેશી) માતાજી, પ્રણામ !
શર્મિષ્ઠા : શતં જીવ શરદ: |
દેવયાની : વત્સ, મારા પણ આશિષો છે !
પૂરુ : પ્રણામ, માતાજી !
(વૃધ્ધ યયાતિ પ્રવેશે છે. દેવયાની અને શર્મિષ્ઠા તેની પાસે ઊભી આલંબન આપે છે.)

યયાતિ : કોઈ જ પીડા અનુભવાતી નથી, આજ ! નથી કશા જ આલંબનની આવશ્યકતા ! માત્ર દેહનો જ ધર્મ છે પીડાનો અનુભવ ! દેહને અતિક્રમી જાય તેને જ પ્રાપ્ત થાય છે, આત્માનું સૌંદર્ય, નિતાન્ત સુખ, શાશ્વત શાંતિ !
(નદી તટે પહોંચી, નદીમાં નિહાળતા)
વૃધ્ધાવસ્થા પણ શું આટલી સુંદર હશે?! વદન પર આ અનન્ય શાંતિ, ક્ષીણ આંખોમાં પવિત્ર તેજ ! સ્વનો અત્યંત સુખદ અનુભવ ! આહ્હા !! (યયાતિ સ્થિર થાય છે.)
શર્મિષ્ઠા : જો સખી ! આકાશમાં અમીવર્ષણ શ્યામ વાદળો ઊમટી આવ્યાં છે !
(સંવાદ સાથે બન્ને એક એક ડગ ભરતાં આગળ ધપે છે ! અને મંચની તદ્દન આગળ પહોંચે છે. એ જ રીતે પરસ્પર અપલક નિહાળતા પૂરુ-પૌષ્ટી પણ એક-એક ડગ ભરતાં મંચ મધ્યે મળે છે.)
દેવયાની : હા, સખી ! હમણાં જ વરસી રહેશે વાદળો !
શર્મિષ્ઠા : અને જો, સખી ! પેલાં વાદળની આસપાસ બલાકાની પંક્તિઓ !
દેવયાની : કયાં છે ? ક્યાં, સખી ?
શર્મિષ્ઠા : ઓ રહ્યું... જોઈ શકે છે ?!
(બન્ને સ્થિર)

પૂરુ : સુન્દરી ! કોણ તમારી આંખોમાંથી પ્લૂતિ રહ્યું છે, હરણ બનીને ? કોણ તમારા ઓષ્ઠદ્વયેથી પરવાળાંની પુનઃપુનઃ છાલક મારે છે? કોણ કપોલે-ભાલે આજે કમલ બનીને....
(પૌષ્ટી એના ઓષ્ઠ પર તર્જની ધરી દે છે)
પૌષ્ટી : પવનનાં સ્કંધ પર પુષ્પનું પમરવું, વૃક્ષનાં તન વિષે વેલનું વળગવું, રજમાત્ર પણ કષાય વિણ પ્રણયનું પ્રગટવું, એક પણ ઈચ્છા વિના આત્મનું જાગવું .... સ્નેહ જ, પ્રિય! સ્નેહ જ ! કેળવ સ્નેહ જ !
(નેપથ્વે નગારાંનો ધ્વનિ)
ઉદ્દઘોષક : સાંભળો ! સાંભળો ! સાંભળો! મહારાજા શ્રી યયાતિની ઘોષણા સાંભળો ! શ્રીયુત યયાતિ મહારાજે યુવરાજશ્રી પૂરુનો રાજ્યાભિષેક કરી, આજથી જ રાજયની ધુરા મહારાજશ્રી પૂરુને સુપ્રત કરી છે ! અને મહારાજાશ્રી યયાતિએ સ્વયં સન્યાસમાર્ગ ગ્રહણ કર્યો છે ! મહારાજાશ્રી પૂરુનો
નગરજનો : જય !
મહારાજા શ્રી પૂરુનો
નગરજનો : જય !

દેવયાની : (નેપથ્યે ઘોષણા થાય છે એ વેળાએ ફુટિમાંથી પોતાનાં વસ્ત્રાલંકારો લાવી શર્મિષ્ઠાને આપે છે.) (ઘોષણા પૂર્ણ થતાં)
દેવયાની : શર્મિષ્ઠા ! હું અત્યંત આનંદિત છું, આજે ! જો, શર્મિષ્ઠા, જો ! પૂર્વના દિગંતે આજે બે અરુણોદય થયા છે ! મારાં વસ્રપરિવર્તનની ઘટનાએ મહારાજની ચેતનામાં કેટલો પ્રકાશ પાથર્યો ? એમણે માત્ર યુવાવસ્થા જ પ્રત્યર્પિત નથી કરી, સત્તાને પણ પરહરી છે ! સ્વામિ ! આપને પ્રાપ્ત થયું છે, નિર્ધૂમઅગ્નિનું સાક્ષાત સ્વરૂપ ! અનેક દુઃખદ યુધ્ધોની યાતના સહી, અંતે આપ વિજયી થયા છો ! હું અત્યંત આનંદિત છું, સ્વામિ !
યયાતિ : પૂરુ, વત્સ ! અહીં આવ અને સત્તાનો સ્વીકાર કર !
પૂરુ : પિતાશ્રી ! મેં જાણ્યું છે કે સત્તા અનિષ્ટીની જન્મદાત્રી છે ! છતાં આપ મને સત્તા ગ્રહણ કરવા કહો છો ?!
યયાતિ : હા, વત્સ ! તું પરિચિત છે સત્તાના દુષ્પ્રભાવથી, તેથી જ સત્તા હસ્તગત કરવાનો શ્રેષ્ઠતમ અધિકારી છે ! તને કશો જ વ્પામોહ નથી, તેથી તું સર્વ કંઈ પ્રાપ્ત કરવાનો અને ભોગવવાનો સંપૂર્ણ અધિકારી છે ! વત્સ, આજે મને યોગ્ય માર્ગ મળ્યો છે ! ઈષ્ટ ધ્યેય પ્રાપ્ત થયું છે !

(સંવાદ બોલતાં અલંકારો પૂરુને આપે છે. અંતે સ્વહસ્તે પૂરુના શિર પર મુગુટ મૂકે છે, એ જ ક્ષણે નેપથ્યે ....)
ઉદઘોષક : મહારાજાશ્રી પૂરુનો...
નગરજનો : જય !
ઉદ્દઘોષક :મહારાજાશ્રી પૂરુનો …
નગરજનો : જય ! …
ઉદ્દઘોષક : મહારાજાશ્રી પૂરુનો ...
નગરજનો : જય !
દેવયાની : (આશ્લેષમાં લઈ) પૌષ્ટી ! સર્વજ્ઞ પૌષ્ટી ! મારી ફુલવધૂ ! અત્યંત સૌભાગ્યશાળી છું હું !
(હાથમાંથી સુવર્ણવલય કાઢી પૌષ્ટીને પહેરાવતાં) આજથી આ સુવર્ણવલય, જે રાજમુદ્રા પણ છે, તે તું જ ધારણ કર ! અને આ રાજમાતાનો હાર પણ તું જ ધારણ કર ! સખી ! શર્મિષ્ઠાનું આ રાજમાતાનું વસ્ત્ર પૌષ્ટીનાં શિર પર આચ્છાદી દે !
(તેમ કરે છે.)

પૌષ્ટી : રાજમાતા, આપ ?
દેવયાની : હું મારા સ્વામીની અનુચારિણી થઈશ ! હું સન્યાસિની થઈશ, વત્સ !
શર્મિષ્ઠા: હું પણ આપની સાથે સન્યાસ ગ્રહણ કરીશ !
દેવયાની : તું ? તું શા માટે ?
શર્મિષ્ઠા : હું વચનબધ્ધ છું ! મેં દાસત્વ સ્વીકાર્યું છે !
દેવયાની : હું તને મુકત કરી ચૂકી છું, દાસત્વથી, સખી !
શર્મિષ્ઠા : (લજજા પામી) કિન્તુ, હું શી રીતે મુકત થઈ શકું મારા સ્વામીના દાસત્વથી ?
દેવયાની : હા, સખી ! તું પણ આવ I સુખેથી આવ !
શર્મિષ્ઠા : પુરુ !
પૂરુ : માતાજી! આપની આજ્ઞા શિરોમાન્ય છે. પ્રણામ, માતાજી !
(દેવયાનીને) પ્રણામ, માતાજી ! પ્રણામ, પિતાશ્રી! (પૌષ્ટી પણ પ્રણામ કરે છે )
(યયાતિ-દેવયાની-શર્મિષ્ઠાનું પ્રયાણની મુદ્રામાં અને પૂરુ –પૌષ્ટીની પ્રસન્ન મુદ્રામાં દૃશ્ય સ્થિર થાય છે. નેપથ્યે નગારાંનાં ધ્વનિ સાથે “મહારાજા પૂરુનો જય!” અને “રાજમાતા પૌષ્ટીનો જય ! ” ધ્વનિત થાય છે)

(જવતિકા)
સંપૂર્ણ


2 comments

softpad infotech

softpad infotech

Nov 30, -0001 12:00:00 AM

વાહ! ખુબ જ સરસ છે.અત્યાર સુધી લાઇબ્રેરીની પહોંચ દૂર હોવાથી, મને વાંચવા નહોતું મળ્યું.પણ આ નાટકનું શીર્ષક એનો ટૂંકો આસ્વાદ વાંચેલો એકવાર,એટલે આજે જોતાં જ વાંચવા લાગ્યો.ખુબ ખુબ આભાર ગુજલીટ અને મિત્રોનો કે જેમણે આ ટાઈપ કરીને ઉપલબ્ધ કરાવ્યું.સાથે સાથે આ નાટકના સર્જકનો આભાર માનું એટલો ઓછો,કેમ કે એમણે આ નાટક ઓનલાઇન મુકવા આપ્યું. સાહિત્યની ઉત્તમ અને સાચી સેવાનું આ ઉદાહરણ છે. આભાર..ખુબ ખુબ આભાર..

0 Like

Jaydip Lila

Jaydip Lila

Nov 30, -0001 12:00:00 AM

સરસ

0 Like


Leave comment