5 - પ્રકરણ - ૫ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


   ચા બનાવવા નીલકંઠ ઊભો થયો, પણ તરત એને યાદ આવ્યું કે ગેસ તો ખલાસ થઈ ગયો હતો. મૂંઝવણ અને અણગમો વધી પડ્યાં. તે થોથવાતા સ્વરે બોલ્યો : ‘મહેશભાઈ, વાત એમ છે .... કે ગેસ તો જતો રહ્યો છે, એટલે આપણે બહાર હોટેલમાં જ....’

   મુકેશભાઈ કફની ખંખેરતાં ઊભા થઈ ગયા અને બોલ્યા : ‘જવા દે હવે. હું હોટેલની ચા કદી પીતો નથી – કારણ વિના. નકામાં કાળજાં બાળવાં....’ પછી પ્રશ્નો : ‘ગેસ ક્યારનો જતો રહ્યો છે ? કંપનીમાં ફોન કર્યો ?... નથી કર્યો ? ચાલ, મને તારો સર્વિસ નંબર આપી દે, હું કરીશ....તું તો ભાઈ, બહુ બેદરકાર, તેમાં બૈરા વગરનું ઘર –‘

   ‘તમે ગયે જન્મે ધારાસભ્ય હતા ?’ નીલકંઠે મનોમન આ પ્રશ્ન પૂછ્યો, પછી તેણે કહ્યું : ‘આપણે જઈશું હવે ?’

   બંને ફરીથી દાદર ઊતરીને નીચે આવ્યા. ગલી વટાવી. હવે બંનેના રસ્તા જુદા પડતા હતા. મહેશભાઈ ઉત્તર તરફ વળ્યા. થોડાંક ડગલાં ચાલી તેમણે થોભી જઈને બૂમો પાડી : ‘નીલકંઠ !’ નીલકંઠને રોકાઈ જવું પડ્યું. ‘હું જે કામ માટે આવ્યો હતો તે તો ભૂલી જ ગયો !’ તેમણે કહ્યું. મહેશભાઈ ચોક્કસ ઉછીના પૈસા માગશે, અથવા આવતી કાલે ક્યો આંકડો આવવો જોઈએ તેની આડેધડ ધારણા કરવા કહેશે અથવા ઉત્તરપ્રદેશની લોટરીનો ડ્રો ક્યારે છે તે પૂછશે અથવા – નીલકંઠની કલ્પના વધુ લંબાય તે પહેલા મહેશભાઈએ નજીક આવી. કફનીના ખિસ્સામાંથી એક ચૂંથાઈ ગયેલો પોસ્ટકાર્ડ કાઢી નીલકંઠ તરફ ધરતાં કહ્યું : ‘સુરાથી બાપુનો કાગળ આવ્યો છે. ત્રણચાર દિવસ પછી મહાશિવરાત્રિ....’ મહેશભાઈનું વાક્ય પૂરું થાય તે પહેલાં નીલકંઠને લાગ્યું કે એના મનમાં કશુંક તૂટી ગયું, અથવા પોચી જમીનમાંથી કોઈકે તૃણનો એક અંકુર ખેંચી કાઢ્યો... પણ મહેશભાઈ તો હંમેશની જેમ બોલ્યે ગયા : ‘મહાશિવરાત્રિ આવે છે એટલે મને તો એવો ઉત્સાહ જાગે છે ! વર્ષે એક વાર ગામનું મોઢું જોવા મળે, બા-બાપુનો ભેટો થાય, જયાભાભીના હાથની રસોઈ જમવા મળે, મોટા ભાઈની તબિયત જોઈ અવાય... ડોસા-ડોસી છે ત્યાં સુધી મંદિરની જાહોજલાલી છે. પછી તો કોણ એ પૂજા ને અર્ચા કરવાનું હતું ? આપણે તો અહીં મુંબઈમાં દટાઈ ગયા છીએ અને મોટા ભાઈનું મગજ દિવસે દિવસે વધારે મેડ થતું જાય.... (મહેશભાઈ દર વખતની જેમ ‘મેટ’ ન બોલ્યા ! નીલકંઠે મનોમન નોંધ કરી ) ડોસા-ડોસીને ઘડપણમાં કેવા દહાડા જોવાના આવ્યા ! ત્રણ ત્રણ દીકરા તોયે કોઈની ઓથ નહિ. શંકરની ત્રણ આંખ જેવા ત્રણ દીકરા તોયે અંધારા જેવું.... ! (મહેશભાઈએ ઉપમા ગજબ આપી – ત્રણ દીકરા અને શંકરની ત્રણ આંખ ! પોતે કઈ આંખ હતો ? – પેલી મોટે ભાગે બંધ રહેતી ? ના, ના.....) શિવરાત્રિના પર્વે જઈએ તો એમને સંતોષ થાય... તુંયે તૈયાર થઈ રહેજે.... આ વખતે તો તારી ભાભી અને છોકરાંનેય લઈ લેવાં છે – હે... ય બધાં કલ્લોલ કરશે. ડોસાડોસીની આંતરડી ઠરશે – પેટનાં પેટ જોઈને.... આપણે પરમ દિવસની રાત સુધીમાં નીકળી જઈશું, બરાબર ને ? ગામ જઈને ઓછાં મહેમાનની જેમ રહેવાનું છે ? ઉત્સવની તૈયારીઓ કરવી પડશે ને ? તું ઓફિસની રજા-બજાનું ગોઠવી દેજે. હું તને આજે સાંજે કે કાલ સુધીમાં ફરીથી મળી જઈશ....’ મહેશભાઈની વાતનું પૂર્ણવિરામ, ડિલક્સ ટ્રેનના લાંબે ગાળે આવતા સ્ટેશનની જેમ, નજીક જણાયું. નીલકંઠ બેધ્યાનપણે માથું ધુણાવતો લાગ્યો. એની નજર ફરીથી મહેશભાઈના પહોળા નાકની આસપાસ ચોંટેલા તપખીરનાં રજકણો પર ઘૂમતી રહી અને ફરીથી તેને ફૂંક -
(ક્રમશ:....)


0 comments


Leave comment