8.1 - ભારતીય નારી : કાગળમાં બે પૂતળિયું કાંઈ હસતી રમતી જાય રે.... / સંવાદ / જ્વલંત છાયા


   ૧૯૬૨માં રિલીઝ થયેલી એક હિન્દી ફિલ્મનું થોડું માર્મિક ગીત હતું – ‘સીતા ભઈ જહાં સુખ પા ન સકી તું ઉસ ધરતી કી નારી હૈ...’ દેશભક્તો, ભારતને મહાનભૂમિ કહેનારા લોકોના મોઢા ચડી જાય તેવી આ વાત હતી. જે સાહિરે લખ્યું હતું કે, ‘જિન્હેં નાઝ હૈ હિન્દ પર વો કહાઁ હૈ...’ એ જ સાહિર લુધિયાનવીએ લખેલાં આ ગીતને ઉષા ખજાના સંગીતમાં મહેન્દ્ર કપૂરે કંઠ આપ્યો હતો. આપણે આપણા દેશની મહાનતાની ભલે ઘણી વાતો સાંભળતાં, વાંચતાં અને કરતા હોઈએ પરંતુ કબૂલવું રહ્યું કે મિથ્યાભિમાન અને વાસ્તવિકતાથી દૂર રહેવું તે આપનો રાષ્ટ્રીય રોગ છે તેવી પ્રતીતિ કરાવતા અનેક કિસ્સાઓ બને છે, બનતા રહે છે. નારીને પૂજવાની સંસ્કૃતિ આપણી છે. પરંતુ દંભી નારીવાદ જેટલો જોરથી વકરે છે, ન લડવા જેવા ઈસ્યૂઝ પર નારીવાદી કહેવાતા લોકો લડે છે તેટલું લક્ષ્ય ખરેખર અપાવું જોઈએ ત્યાં અપાયું ? આ સવાલ સમાજે પૂછવા જેવો ખરો, પોતાને જ. ઈન્ટરનેટ, ફેસબુક, વ્હોટ્સેપના યુગમાં નારી માટેના ખ્યાલો બદલાયા ?

   આપણી પ્રજાની ચામડીની થિકનેસ એવી છે કે મગરને પણ ક્યારેક નવાઈ લાગે તેથી રોજિંદી ઘટનાઓ સાથે આપણને ન્યુઝ પેપર કે ચેનલ સિવાય કોઈ નિસ્બત લગભગ હોતી નથી. દિલ્હીમાં યુવતી પર સરેઆમ બલાત્કાર થાય ત્યારે આપણે શેરીઓમાં, રસ્તાઓ પર મીણબત્તીઓ લઈને પહોંચી જઈએ છીએ. સંતના પહેરવેશમાં આસારામ જેવી કોઈ વ્યક્તિના છિનાળા બહાર આવે ત્યારે આપણે છળી ઊઠીએ છીએ. પછી ટ્વીટ કરીને, કોમેન્ટ-લાઈક કરીને રીમોટ એના સ્થાને મૂકીને ઊંઘી જઈએ છીએ. બળાત્કાર કે છેડતી કે યૌનશોષણ જ નારી ગરિમાનું અપમાન નથી ભાઈ. છોકરી, યુવતી, સ્ત્રી, મહિલા, બાનું, માનૂનીનું અપમાન અહીં અનેક રીતે થાય છે અને આપણે બસ યા દેવી સર્વ ભૂતેષુ... કરતા બેઠા રહીએ છીએ. નવરાત્રી વખતે નાની નાની છોકરીઓ હાથમાં ગરબો રાખી, તેમાં દીવા પેટાવી ઘરે ઘરે ગરબો ગાવા જાય. ‘ગરબડીયો ગોરાવો માથે જાળિયા...’ તેમાં એક લીટી આવે છે, ‘વેલમાં બેઠા વાણિયો કાંઈ કાગળ લખતો જાય રે, કાગળમાં બે પૂતળિયું કાંઈ હસતી રમતી જાય છે.’ ક્યારેક આપણને એમ થાય કે ભારતમાં ઘણી સ્ત્રીઓ (બધી નહીં જ)જાણે કઠપૂતળી છે અને તેમણે હસાવવા-રક્ષિત રાખવાની વાતો કાગળ પર જ છે.

   બસપા એટલે કે માનનીય બહેનશ્રી માયાવતીજીના પક્ષના એક નેતાએ એકવાર કહ્યું હતું, ‘છોકરીઓને મોબાઈલ ફોનની જરૂર શું છે ? તેને મોબાઈલ ફોન અપાય જ નહીં !’ તે પછી બીજી વાત એવી પણ આવી હતી કે હરિયાણાની ખાપ પંચાયતે એવો સુજ્ઞ વિચાર આ પ્રગતિ કરી રહેલા અને સુનીતા વિલિયમ્સ જેના મૂળના છે તેવા ભારત દેશને આપ્યો કે ‘છોકરીઓને પંદર પંદર વર્ષે પરણાવી દેવી જોઈએ. આવી વાતો કરનારાઓના વકીલો પણ ફૂટી નીકળે અને વળી એમ કહે કે તેમાં કહેવાનો અર્થ તો આમ નહીં ને આમ હતો. અરે આમ કે તેમ આ બધી વાતોનો એક જ અર્થ છે, અને તે છે અનર્થ ! છોકરીને મોબાઈલ ફોન ન આપવાની કે પંદર વર્ષે પરણાવી દેવી જોઈએ તેવી વાતો ભારત નામના વિકાસશીલ દેશમાં, વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં, વેદો અને ઉપનિષદોની ભૂમિમાં થાય છે અને ૨૦૧૨માં થાય છે. એક સવાલ શૂળની જેમ ઊઠી રહ્યો છે કે ખરેખર આપણે જ એવું ઉચ્ચાર્યા હતા, ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે, રમન્તે તત્ર દેવતા !!’

   એવી દલીલો અને રજૂઆતોમાં સંપૂર્ણ દમ છે, ઘણે અંશે સત્ય છે કે અનેક કાયદાઓ બિનજરૂરી રીતે અને ફક્ત સ્ત્રી તરફી છે. તેનો ઉપયોગ થવાના બદલે દુરુપયોગ જ વધારે થાય છે, બાળકીથી લઈને દાદી સુધી સ્ત્રીને સામાજિક દરજ્જે વધારે મહત્વ અપાય છે, પીતાં કરતાં માતાના ગુણગાન વધારે ગવાય છે. તેવી અનેક બાબતો છે પરંતુ તેનો અર્થ એ નથી કે આજે પણ આપણે સ્ત્રીને છોકરીને ‘પાંવ કી જૂતી’ બનાવીને રાખીએ. વાતો આપણે કરીએ નારીના સન્માનની, તેની પૂજાની, નવધા ભક્તિની અને નવદૂર્ગાની અને નારીની અવગણના પણ કરીએ ? અરે ફક્ત મૂર્તિની પૂજા કરવાથી શું થવાનું ? એ પૂજા મૂર્તિમંત થવી જોઈએ ને ? અલબત્ત આપણા દેશમાં કોઈ પક્ષના કોઈ નેતાને હવે લોકો વધુ પડતા સિરિયસલી લેતું નથી એટલે આવું કોઈ સાંસદ કે ધારાસભ્યે ગ્રામ પંચાયતનો સભ્ય કે સરપંચ બોલે તો જેને અસર નથી થવાની તેને નથી જ થવાની પરંતુ વિરોધ આ મૂળ વિચારનો છે. શા માટે તરુણીના પંદર વર્ષે લગ્ન ? શા માટે તેને મોબાઈલ નહીં ? શા માટે તેણે રાત્રે બહાર ફરવાનું નહીં ? અરે એક શબ્દ આગળ કહું કે શા માટે તે મોજથી રખડી શકે ? જવાબ છે શાસ્ત્રમાં છે, મેડિકલ સાયન્સમાં પણ છે. સ્ત્રીનું શારીરિક બંધારણ સારું, સુદ્રઢ હોવું જોઈએ. તેણે ભવિષ્યમાં માતા બનવાનું છે તેથી તેણે અમુક ચીજો ન ખાવી ન પીવી. એગ્રી. પરંતુ આ બધું ત્યારે ક્યાં જાય છે, જ્યારે કોઈ ઘરમાં કામ કરતી સ્ત્રી સાથે ૧૩ વર્ષની પુત્રી કામ કરવા આવે, વાસણ માંજે અને તેનો પતિ અને પુત્ર ઘરે રોટલા તોડે ? ઘરે મહેમાન આવે ત્યારે બી.એ.માં બે વાર નાપાસ થયેલો કુંવર ‘મહેફિલે મંડાય’ અને એમ.બી.એ. કરતી બહેને કોલેજ નહીં જવાનું કારણ કે મમ્મીને મદદ કરાવવાની છે. આ છોકરીઓનું ઉપરાણું લેવાની વાત નથી પરંતુ આ પિક્ચર આપણે ત્યાં છે.

   આજે પણ શહેરમાં સારાં અને શિક્ષિત ગણાતા પરિવારોમાં પણ સ્થિતિ એવી છે કે દીકરી-દીકરા વચ્ચેનો પ્રેમ ૨૫% - ૭૫% છે. બીજે ય હશે પરંતુ રાજકોટ જેવા શહેરમાં એવું બને કે દીકરી ગવર્નમેન્ટ સ્કૂલમાં ભણે અને દીકરો સેલ્ફ ફાયનાન્સ સ્કૂલમાં. અને પછી દીકરીને એક વાર જેટલા ટકા આવે તેટલા દીકરાને ત્રણ પરીક્ષા પછી આવે !! દીકરીઓ સારું ભણે છે તેવો મારો દાવો નથી. તમને સુજ્ઞ રીડરલોગને એસ.એસ.સી., એચ.એસ.સી.ના છેલ્લાં દસ વર્ષનાં પરિણામો જોઈ જવા વિનંતી છે. દીકરીઓ જ વધારે સારી રીતે પાસ થઈ છે. દીકરીને આપણે ત્યાં પહેલેથી જ કેરિંગ શીખવાય છે. જો તો ભાઈ જાગ્યો ? તો હીંચકો નાખ, પપ્પા માટે ચા બનાવ, દાદીને મંદિરે લઈ જા ! ઓકે સામાજિક ઢાંચા અનુસાર કદાચ આ તમને યોગ્ય લાગતું હશે પરંતુ તેને લીધે છોકરીઓને વહેલી પરણાવવાનો વિચાર કરવાનો ? સામાજિક રીતે તો ઠીક આ વૈજ્ઞાનિક રીતે પણ અયોગ્ય છે.

   વચ્ચે કહીં દઉં કે ‘દીકરી જ વ્હાલનો દરિયો, દીકરી બે ઘર તારે, દીકરી તુલસી ક્યારો, ‘દીકરા કરતાં માં-બાપનું દીકરીને વધારે બળે, દીકરી ઘરનું અજવાળું આ એક પણ વાત સાથે આપણે સંપૂર્ણ સંમત નથી. જેટલું વ્હાલ દીકરીને હોય તેટલું દીકરાને હોય જ. અહીં સવાલ એ છે કે આ યુગ હવે દીકરીને સેકન્ડરી ગણવાનો નથી. દીકરી ચાર દીવાલની વચ્ચે રહે અને છોકરાઓ ફરે રાખે તે નથી. અરે વિચાર તો કરો, સોરી સોરી વિચારવાની જરૂર જ નથી. આજે છોકરી ક્યાં પહોંચી છે ? પોલિટિક્સ હોય કે પોલક્લિનિક ક્યાં ક્યાં છોકરીઓ નથી ? છતાં હજીય એ દરજ્જો નહીં ? મર્યાદા જુદી વસ્તુ છે, નિયંત્રણો અલગ બાબત છે. આપણે મર્યાદાના નામે છોકરીઓ, સ્ત્રીઓ પર નિયંત્રણો લાદી રહ્યા છીએ. અને એવું શા માટે થાય છે ? લોકશાહીમાં નેતાઓ લોકોનું જ નહીં તેના વિચારોનું પણ પ્રતિનિધિત્વ કરતાં હશે !!

   આપણે ત્યાં આ બે વિધાન બે નેતાઓએ કર્યા હતા : કાગડા બધે કાળા અને નેતા બધે સરખા. અમેરિકામાં પણ ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે ત્યાં એક નેતા પણ એવું બોલ્યા, ‘કોઈના પર બળાત્કાર થાય અને જો ગર્ભ રહી જાય તો છોકરીએ તેને પ્રભુનો પ્રસાદ માનીને સ્વીકારી લેવાય.’ અરે અમેરિકન નેતાજી તમને પ્રસાદ અને એંઠવાડ વચ્ચેનો તફાવત ખ્યાલ નથી. આવી માનસિકતા ક્યાંય ન ચાલે. જ્યાં સુધી સમાનતા નથી, જ્યાં સુધી ખરેખર પૂજનીય ભાવ નથી ત્યાં સુધી તમામ પ્રકારની પ્રગતિ, વિકાસ, સવલતોનો કોઈ અર્થ નથી. અલબત્ત એક પછી એક ભૂમિકા બદલતાં રહેવી તે સ્ત્રીની નિયતિ છે પરંતુ એવું તો પુરુષના ભાગે પણ રહે છે. દીકરો, કર્મચારી, પિતા, દાદા, ભાઈ, પતિ, પ્રેમી આ બધા રોલ પુરુષ કરે છે તેથી તેની સ્વતંત્રતા જોખમાતી નથી. તો પછી શા માટે છોકરીઓ પર પ્રતિબંધ ? મોબાઈલ ફોન છોકરી રાખે તેમાં શું આભ ફાટી પડ્યું ? તે શા માટે એસ.એમ.એસ. ન વાંચે ? શા માટે ફેસબુક પર ન હોય ? કોઈ તો સમજા ? સકારણ, સતર્ક !! આમાં તો એવું થવું જોઈએ કે આવું બોલનારા કોઈ પણ હોય તેના મોબાઈલ નંબર મેળવીને છોકરીઓએ મેસેજીસનો મારો ચલાવવો જોઈએ. ખબર તો પડે આગ નહીં ચિનગારી હૈ, હમ ભારત કી નારી હૈ.


0 comments


Leave comment