33 - જીર્ણદુર્ગ: એક અનુભૂતિ / ઉષા ઉપાધ્યાય


સૂરજના
અણીદાર ભાલાથી
વીંધાઈને ખરી પડતા
તારાઓ
એક દિવસ
તૂટી પડ્યા મધરાતે જ
અચાનક
ટપોટપ્
      ટપોટપ્.....

ભરતવન- શેષાવનની કંદરાઓમાં
ટહુકતી રહી કોયલ
ને તારાઓ તો કૂદતા રહ્યા
ભૈરવજપની કરાડ પરથી
રાતભર.

સવાર થતાં તો
ભરાઇ ગઈ આખ્ખી સોનરેખ નદી
મરેલા કરચલાઓથી
ને ભયભીત થયેલું પાણી
હડી કાઢતુંકને થઈ ગયું
અલોપ.

હવે,
રોજ રાતે
ઉપરકોટની અવાવરુ રાંગ પરથી
પડતું મૂકે છે
રાણકદેનાં સોગઠાં, મહેલ અને
ગિરનાર આખ્ખોય.
ગઢની ડોકાંબારીએથી રોજ મધરાતે
ચૂપચાપ નીકળે છે
ઘુવડનું સરધસ,
અશોકના શિલાલેખના અક્ષરો
મધરાતે થાય છે જીવતા
અને નીકળી પડે છે
લટાર મારવા
સૂમસામ રસ્તાઓ ઉપર.
સાવ રમત રમતમાં જ
ઢસડી લાવે છે એ
ખુલ્લી બારીઓમાંથી ડોકાતી
સુંદરીઓને
ને બનાવી દે છે એને
સુદર્શન તળાવ પર
ચક્કરવક્કર ઊડતાં
ચિચિયારી પાડતાં
ચામાચિડિયાં.

ભાંગતી રાતે
ધી...રે ધી...રે પરીતળાવમાં ખીલે છે
એક
સોનેરી કમળ
કોઇ મંત્રમુગ્ધ કુંવરી
લંબાવે છે એની પાછળ હાથ
ઊતરે છે જળમાં
ને વળતી જ પળે
થઈ જાય છે
જળમાં ગારદ્.

અને –
અચાનક ગાજી ઊઠે છે
જીર્ણદુર્ગની અંધારઓઢી
દીવાલોમાંથી
બુકાનીબંધ ચોકિયાતનો અવાજ
જાગતા...રહેજો...!


0 comments


Leave comment