34 - સૌંદર્યલહરી / ઉષા ઉપાધ્યાય


જેના પર હું
પગ મૂકું છું
એ દરેક માર્ગ
તારી છાયા સુધી આવી
નિબિડ અંધકારમાં
સરી ન જતો હોય તોયે શું ?
કારણ કે મારે તો પહોંચવું છે
અતળ ઊંડાણને તાગતાં
તારાં નયનોની યે પેલે પાર.

પરંતુ
તારી દૃષ્ટિ તો
નવોઢા પૃથ્વીને
આબદાર મૌક્તિક માલાઓથી
શણગારતા
મેઘને વિલોકતાં
મુગ્ધ બની છે,
તારાં કર્ણદ્વય મગ્ન છે
લીલોતરીમઢ્યા કિનારાઓ વચ્ચે
અભિનયપટુ પ્રગલ્ભાની જેમ
કમનીય છટાથી
હસી ઊઠતી
સરિતાના નિનાદને ઝીલવામાં,
કમલદલની પરાગરજમાંથી જ
ઉદભવી હોય, તેવી-
ગગનતટે સરતી
મસૃણ વાદળીને સ્પર્શવા
લંબાયેલા છે તારા હાથ..

અને,
હું તો છું
સ્થૂળતાઓના નાનાવિધ અવરોધો વડે
રચાયેલી
પૃથ્વીની શરીરધારિણી.

પરન્તુ જ્યારે
મારાં અસ્તિત્વના અણુ અણુમાંથી
ઊભરાતી
અતલ અનુરાગની સૌંદર્યલહરી
તને સ્પર્શી જશે
ત્યારે –
તારી સમસ્ત ચેતના
સૃષ્ટિનાં તમામ સૌંદર્યની
દીપમાળા પ્રગટાવી
મારા સ્વાગતનો ઉત્સવ મનાવશે.


0 comments


Leave comment