35 - સ્ફિંક્સ / ઉષા ઉપાધ્યાય


એક દિવસ
મિસરના મમીને
સપનું આવ્યું
કે
ઇસ્તંબૂલની સુંદરીએ
ધરી દીધો છે એની સામે
ઈરાની અંગુરનો છલકાતો જામ.
પવનમાં ફરફરતા એના લીબાસમાં
તોળાઇ રહ્યું છે ઇશાની આકાશ
જામ સાથે લંબાયેલા એના હાથના
કમનીય વળાંકમાં
દશેય દિશાઓ મરડી રહી છે આળસ
અને તરંગિત થઈ રહ્યો છે
એની આંખોમાં
ચંડુલની ચહકતી ઉડાનનો લય.
અને મમી ?
બિચારો ઘાયલ ઘાયલ
જામના આકાશમાં પાંખો ફફડાવવા
તલપાપડ
પણ...
ધત્ તેરેકી
અપશુકનિયાળ બિલ્લીએ
કૂંડુ પાડ્યું ધડામ્
ને મમી સડાક્-
એક અંગુર-વા જ દૂર રહેલો જામ
તૂટીને વેરણછેરણ,
હાથ બિચારા સાવ ખાલીખમ
ગળે શોષ
આંખોમાં પિરામિડની
તોળાતી દીવાલોનો બોજ....

પણ ત્યાં તો
વળતી જ પળે
તરફડતી ટચલી આંગળીને ફૂટી
ડહાપણની દાઢ
ને બોલી ઊઠી-
“ મમી ! રે મમી !
તારી સાથે દફનાવાયેલી
બાંદીઓના મુજરાને
કબૂલ કર,
કબૂલ કર સોનાની સુરાહી
અને પોખરાજની પ્યાલીઓને
અને મુરખ, સલામ કર સલામ
ઊંટની વણઝારને દૂર રાખતા
રણના વંટોળિયાને દૂર વાળતા
સૂરજના સ્પર્શને સદાયે ટાળતા
વરસાદની ભીનાશને ખાળતા
ને તને ઇંચેઇંચ સાચવતા
આ પાષાણી કવચને...”

ડહાપણની દાઢના આ ઝરણાંમાં
ઝબકોળાતાં જ
શમી ગઈ
મમીની તરસ
ને પછી દાઢી પસવારી
પિરામિડની ટોચે
સ્થિર બેસી ગયો
સ્ફિંક્સ.


0 comments


Leave comment