36 - ફ્લેમિંગો / ઉષા ઉપાધ્યાય


પરવાળાના ખડકો જેવી
તારી યાદ
પથરાઈ ગઈ છે
મારા જીવતરના ટાપુ પર,
જડાઈ ગઈ છે
મારા અસ્તિ-નાસ્તિના પટ પર.
ઉઝરડાતા-ચિરાતા
વહ્યા કરે છે શ્વાસ.
ને તોયે,
કોઈ દિવસ અચાનક
મેઘભર્યા વાદળ જેવી
પરીઓની પાનીની રતુંબડી ઝાંયને
પોતાની શ્વેત પાંખોમાં છુપાવી
ઊતરી આવે છે ક્યા ફ્લેમિંગોનાં
ટોળેટોળાં અહીં ?


0 comments


Leave comment