38 - મહાનગરના રાજપથ પર / ઉષા ઉપાધ્યાય


કોઈ દિવસ કરતી જ નથી પ્રત્યાખ્યાન
સાલી, કેવી છે આ જિંદગી !
અડફટે ચડતા ગુલમહોરને
પળવારમાં ઊઝરડી નાખતા
ને કોકિલના ગીતને ટૂંપી નાખતા
લૂ-ઝરતા વંટોળિયાઓ ટાઈ
પહેરીને
ચાલે છે અહીં
આસ્ફાલ્ટની સડકો ઉપર
અહીં
સૂરજ જાય છે રોજ
હેલમેટ પહેરીને ઓફિસે
ને નદી નીકળે છે
સાડી પહેરીને શોપિંગમાં
ક્ષીણજલા સાબરમતીની કાયાને
વહેર્યા કરે છે ધુમ્મસનું કરવત
અને ધુમાડે છાંટી કાળોતરી જેવી
મોતની હથેળી
ઊડતાં-સરતાં, દોડતાં-ધસતાં
પૈડાં વડે
રોજ કર્યા કરે છે શેકહેન્ડ
પરંતુ જિંદગી તો
આંખો મીંચીને ધર્યા કરે છે
પોતાનાં કામના-પુષ્પો
સૂરજનાં દાહપગલાં નીચે
વનની લીલાશ ને નદીની ભીના
ખોઈ બેઠેલી
આ તપ્ત જિંદગી ભમ્યા કરે છે
આ કર્ણાવતી મહાનગરનાં રાજપથ પર
એની નજર શોધે માણસ
પણ જેના અજવાળે મંડાય નજર
એવું ક્યાં છે ફાનસ ?
આ લોહનગરની નાગચૂડમાંથી
છોડાવે
એવું ક્યાં છે ફાનસ ?
પ્રશ્નોની ઘૂંટાતી મીંડ જ્યાં શમે
એવો ક્યાં છે સમ?
અહીં તો બસ
ચોમેર પડઘાયા કરે છે
તીખા તોખારનો તેજીલો હણહણાટ
ને ચોમેર ચકરાયા કરે ચે
મૃત્યુની
કચડાયેલા ડમરા જેવી તીવ્ર ગંધ.
એક જ અક્ષર પણ જો ઉચ્ચારાય હવે
પ્રત્યાખ્યાનનો
કે તરત ખસી જાય
માંચડા નીચેનું પાટિયું
ને ઊડી જાય
ધુમાડાનો ધૂંધવાતો ગોટો આભમાં.


0 comments


Leave comment