39 - અભયભિક્ષા / ઉષા ઉપાધ્યાય


હે ધરા,
જનની હે !
અબુધ માનવબળ સૌ આ
તુજ ઉર પરે
યુગ યુગોથી શા શા કરે
રે, ઉધમાત અદકા !


ધરી પરમ વાત્સ્લ્યે
દીધો તેં વૈભવ જે કાનને-આનને
ગ્રહી પરમાનંદે
સહજ તુષ્ટિ ના ધારતા એ કદીયે
ને તોં યે શી ધરી સમતા સહે તું !

ગિરિગહવરોનો વ્યત્યય કરતા
નગર નગરમાં માનવો આ
રચી રહ્યા શા અભિનવ રાફડાઓ!
એક સામટા કૈં કેટલાયે મનુજો
જ્યાં શ્વસે, ખસે ઊધઇ હાર શા !
વહિન જિહ્વા-શી તૃષ્ણા ધરી એ
યુગે યુગે લઈ ઓજાર નવલાં
કાયા તારી ખોદી-શોષી
નિર્મમપણે નિત કેવાં ચચુષતા!

ને વળી
સાગરોના અચ્છોદ સરોવરે
વિષમવન-શા જળ દૂષિતની
ઢાંકી દઈ કરાળ કાળપિછોડી
રૂંધી રહે નિત શ્વાસશ્વાસો જળજીવોના
શી ધરી સમતા સહે તું એ સહુ!
પણ,
જતરડે જવ ચડે કદી રોમ તારા
ના ક્રોધથી; રે !
નિજ નાદાન પર નિ:શ્વાસતી
તું મસ્તક ધુણાવે જ્યાં જરા
ભૂકંપ, જ્વાળા, ભૂપ્રપાતો, તાંડવો ઘનઘોરના
ઘેરી વળે નાદાનને
ને ત્રાહિ-ત્રાહિ ચીખતા સૌ
અણુ-અવકાશની કલગી ઉતારી
અંકમાં તવ શિર નમાવી
શી અભય ભિક્ષા યાચતા!

(ચેર્નોબીલની અણુ-દુર્ઘટના સમયે કાવ્યપ્રતિભાવ)


0 comments


Leave comment