6 - પ્રકરણ - ૬ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


    નવરાત્રિના નવ દિવસો, માતાજીની સ્થાપના નજીક અખંડ દીવો બાળવો પડે. એમાં ભેળસેળિયું ઘી ન ચાલે. પૂના રબારીને પંદર દિવસ પહેલાં કહી જ મૂક્યું હોય : ‘પૂનાભાઈ, માતાજીના દીવા માટે ચોખ્ખું ઘી આપી જજો હોં.’ અને પૂનો તાંબડી ભરીને ઘી આપી જાય, એક પૈસોયે ન લે, ઊલટો કહે : ‘મા’રાજ, તમે માતાજીનો દીવો બાળો ને હું એનાં કાવડિયાં લઉં ? મને પાપમાં કાં પાડો ધરમી ?’ અને એ દીવા પર કાણાંવાળી પિત્તળની ચાળણી ઢાંકી મૂકવાની. દિવસમાં બે-ચાર વાર ઘી પૂરવું પડે. બા તો રાતે ય ઊઠીને ઘી પૂરી આવે. એક વાર ભારે ઊંઘ ચડી ગઈ. રાતે ઉઠાયું જ નહિ. મળસકે આંખ ઊઘડી ને માતાનો દીવો યાદ આવ્યો. હાંફળીફાંફળી બા ત્યાં પહોંચી, જોયું તો દીવો ઓલવાઈ ગયેલો. બા તો ત્યાં જ ઢળી પડી; ઘરમાં જાણે કોકનું મરણ થયું હોય એમ આક્રન્દ કરવા લાગી : ‘માડી.... એક ગુનો માફ કરો.. તમારો દીવો હવે કદી નહિ ચૂકું.... મારાં જ કરમ ફૂટ્યાં ને ઊંઘ ચડી ગઈ...’ પછી બાપુ જાગ્યા અને તેમણે બાને સાંત્વન આપ્યું. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ફરીથી દીવો પ્રગટાવ્યો. દીવો પ્રગટતાં જ બા શાંત, સ્વસ્થ થઈ ગઈ, એણે દંડવત્ પ્રણામ કર્યા....
(ક્રમશ:....)


0 comments


Leave comment