40 - નારી, આકાશ અને પાંખો / ઉષા ઉપાધ્યાય


પ્રકાશ...
કાશ....કાશ....આકાશ,
બાળકની પાટી જેવા ભૂરિયાં આકાશ
ક્યાં છે તારો પ્રકાશ?
ક્યાંથી આ
ધા...ર ધા...ર અંધકાર
આટલો?
વરસે છે એ આકાશના શ્લથ અંગથી
કે ચડે છે આકાશમાં
બળીઝળી ધરતીથી ઊઠતા
ધૂમ્રગોટ-શી વૃક્ષઘટાથી ?

મારે જોઇએ
પ્રકાશ-આકાશ...
પણ કોણ આ રોજ રાતે
રૂંધી દે છે આકાશને
અંધાર-બુરખામાં?
ને કોણ આ
રોજ પરોઢે
રાતભર અંધાર ઓઢીને ગૂંથી કાઢેલી
કિરણોની રૂપાળી જાળ
બિછાવી દે છે આખ્ખાયે આકાશમાં?
મારું વનપંખી
ફડફડ ફડફડ જાય
જરા ના જાય
ને વળતું
તરફડ તરફડ
જાળ મહીં સપડાય,
રે પંખી !
ઊડવાની શી ધખના?
ભૂલી જા
જા ભૂલી જા
પાંખ જેવી કોઈ ઘટના,
વૃક્ષ ડાળ પર નીડ
ને પાદર ખેતર નહીં તો બીડ મહીં
નીત ચણવું
રે ! તો યે ઊડવાની શી ધખના?
ભૂલી જા
જા ભૂલી જા
જા ભૂલી જા
પાંખ જેવી કોઇ ઘટના.


0 comments


Leave comment