41 - ઉત્તરા / ઉષા ઉપાધ્યાય


પ્રિયજનના સ્પર્શની
હૂંફ લઈને આવતો સૂર્ય
આવે છે આજે
યમમહિષ બનીને,
ને પઞ્ચજન્યના
ઘોર નિનાદ સાથે
ઊઠે છે
એક ત્રસ્ત ચીસ-
हता:, विश्वप्रभा हता: ….
ભૂમાના ગર્ભમાંથી
ઊઠતી ચીસ
વીંધે છે ગભરુ અવકાશને
પ્રસરે છે દિગ્ગજોના
સ્પર્શજડ તોરણ સુધી
અને ચીરી નાખે છે
માંસ-મજ્જાની મેદુર જવનિકાને.

ઓહ ! કોણ હતભાગીએ
કર્યો છે પ્રહાર
આ મંત્રપૂત દર્ભશૂલનો ?
કોની અસૂયાનું તોરણદ્વાર
આમ છળભર્યુ ત્રાટક્યું છે
આ અનાગત કુમાર પર ?
તુષારખચિત તૃણ ઉપર

રે ! રોકો, રોકો કોઈ ;
આ દિશાઓને ભીંસતા
જરઠ અંધકારને.
વિરાટતનયાના ગર્ભાગારમાં
કોણ રચી રહ્યું છે પુન:
આ અભિનવ લાક્ષાગૃહ ?
રે કેમ ભૂલો છો;
હજુયે નિ:શેષ નથી થયા
પૃથાની કજળેલી આંખોના અંગારા.
મૌન કેમ છે પાર્થસારથિ ?
કહો, કહો,
શું લાક્ષાગૃહ જ ચિરંતન સત્ય છે
પૃથાની જીવનાવધિનું ?
અને સાથે
મારી ભવાટવીનું પણ ?


0 comments


Leave comment