42 - દુષ્યન્તને / ઉષા ઉપાધ્યાય


હું શકુન્તલા નથી, હે સુભગ !
પ્રત્યાખ્યાનની જ્વાળામાં
પ્રજવાળી નહીં શકે તું મને.
પત્ર-પુષ્પ જળ-પવન, અરે !
રક્તસ્પંદન સુધ્ધાં
તારો પદધ્વનિ ઝીલવા
ઉત્સુક છે
પરન્તુ તો યે...

જ્યારે શરદની સ્નિગ્ધ રાત્રિઓમાં
માલીનીતીરની ભેખડ ભેખડ
સજીવ થઈ ઊઠે છે ત્યારે
નિકટ સરી આવેલી ક્ષિતિજ પર
તારી આકૃતિ
ઊપસી આવ્યાના આભાસથી
થડકી ઊઠું છું હું
ને
વન-ઉપવન ગુંજી ઊઠે છે
પ્રાત: અર્ધ્યના મૃદુ સ્તોત્રોથી
ત્યારે મીટ માંડી રહું છું હું
તુષારખચિત તૃણ ઉપર
તારાં પદચિહ્ન નિહાળવા.
સરોવરજળની અંજલિ લેવા જતાં
નીલોત્પલને જોઈ
તારી નેત્ર-દ્યુતિના અણસારે
થંભી ગયેલી હું
હંસક્રીડાએ ઊડતાં
જળશીકરના સ્પર્શે ચમકીને
બોલી ઊઠું છું-
‘કોણ? આર્યપુત્ર કે!!’

નશ્વરતાના આ અરણ્યમાં
શિરીષતંતુઓનું ભુવન રચી
બોરસલ્લીની માળા ગૂંથતી
હું
રાહ જોઉં છું તારી
પરન્તુ તો યે-
પ્રત્યાખ્યાનની જ્વાળામાં
પ્રજવાળી નહીં શકે તું મને
કેમ કે
હું શકુન્તલા નથી, હે સુભગ!


0 comments


Leave comment