43 - મોક્ષ અને... / ઉષા ઉપાધ્યાય


નિદ્રાના કુંભમાં
સાતમે પાતાળ પોઢેલા
હે પ્રાણ,
તને ખમ્મા ! ખમ્મા !
ગર્ભાગારનાં અંધકારમાં જ
ઘડાયાં તારાં ગાત્ર,
તે હવે
પેલા સૂર્યનો
રવરવતો અંજવાસ તો તું
કેમ કરી ખમે ?
તને નથી નર્કાગારનો ભય
ને નથી કામના
ઇન્દ્રાસનની,
પછી મોક્ષ તે વળી
કઈ વાડીનું ચીભડું ?
ને ભલા !
એ મોક્ષ
ચીભડું યે હોય
તો તો જાણે સમજ્યા
કે મારી તૂટેલી ખાટલીની કાથીએ
વાંસો ઘવડતાં ઘવડતાં
એ....યને લે....રથી એને
કરડ્ કરડ્ ભચડી તો શકાય !
પછી ભલેને
મશીનગનની તડેડાટી
ફોડતી રહે ખોપરીઓનાં તરબુચ
ઇઝરાયલમાં
    કે
અંગોલામાં
    પંજાબમાં
        કે
    સીલોનમાં,
અહીંયાં
    કે
    ત્યાં,
        તારા ફળિયામાં
            કે
        મારા ફળિયામાં-
ચીભડાની ભચડાટીમાં
સાલા એ નકામના ગોકીરાને
અહીં સાંભળે છે જ કોણ ?

પણ,
બડો ચીંગુસ છે
આ વિધાતા !
એણે મને
રાણીનો માનીતો પોયરો ની બનાઇવો
તેનું તો કાંઈ ની ઓહે
પણ એણે તો મારા ઘર હાંમ્ભે
એક-બે આફૂસ બી ની રેવા દીધલાં જો !
ને બાકી હૂતું તે
મોક્સને હો ચીભડું ની થાવા દીધલું !
દીકરા,
ની થાવા દીધલું
તો કાંઇ ની હેં !
રાજ્જા કાંઇ ની હેં!
રાજ્જા તો એ... યને
લેટ્ટી રેયહે આ નિંદરાસણ પર.
પછી ભલેને
ગામનો સતવાદીયો રાજા
સારિસ્કા જાય
    કે
આંદામાન !
    લક્ષદ્વિપ જાય
        કે
    મોરોક્કો ! –
ને ભજવ્યા કરે ભવાઇ
ગામની ગરવી અસ્મિતાની
રાજ્જા તો એ...યને
લેટ્ટી રેયહે નિંદરાસણ પર.
હે ક્ષરાત્મન !
કુંભકર્ણે તો ભૂલથી જ
માગી લીધું હતું નિદ્રાસન
પણ તું તો મહાતપસ્વી
મહાજ્ઞાની,
ઉત્ક્રાંતિના ભેદને જાણનારો
ને માનવીના અકળ મનની ગર્તાને
ડુંગળીના પડોની જેમ ખોલનારો,
એક પગલે ચન્દ્ર બીજે પગલે મંગળ
ને ત્રીજે તો
બ્રહ્માંડ સમસ્તને
પગ તળે કરવા
તુલસી રહેનારો.
પૃથ્વીનો પ્રથમ શ્વાસ
લેતાંની સાથે જ તને લાધેલું
બોધિજ્ઞાન
‘સત્ય નિદ્રા, નિત્ય નિદ્રા
નિદ્રા ઘર ને બાર,
નિદ્રાના જે જપે જાપ
તે થાય મહા સુખવાન.’
ને તેથી જ
હે ભાગ્યવાન,
ભરચક ભરેલી રહે છે
તારા ફ્લેટની પાણીની ટાંકી સદા,
તારા કોઠારમાં વસે છે
વરસ વરસની સાક્ષાત્ અન્નપૂર્ણા,
પૂરપાટ દોડ્યા કરે છે
ઘર-ઑફિસ વચ્ચે તારાં સ્કૂટરનાં પૈડાં.
હે સ્થિતપ્રજ્ઞ !
હજીયે ઊતરે તારા પર
એવા અદકેરા આશિષ
કે ચચ્ચાર નહીં, વરસે વરસે
તું જાય લંકા
વાગે ચહુ દિશ તારા ડંકા
ડંકામાં ડૂબે ફૂલ,
ફૂલનું કુળ,
કુળની અડવાણે પગે
રડવડતી સૌ ભૂલ...


0 comments


Leave comment