44 - જિજીવિષા / ઉષા ઉપાધ્યાય


વર્ષાજલે ભીંજાતા
મોતીસરીના વનમાં
આ પાણકંદાનાં પર્ણો
ફરી ફરીને ફૂટી નીકળે છે
કોઇ વંધ્યાની આસ્થા જેવાં
ને ગોરડની જરઠ ત્વચા પર
ફરફરી ઊઠે છે
શતાવરીની લીલવરણી કાયા
પરંતુ નીલકંઠની પાંખો જેવા
આ અષાઢી આકાશમાં પ્રિયાને રીઝવતા
ચંડુલની ઉડાનો
દુર્લભ બની છે હવે.
સારસની ભૂખરી પાંખો જેવી
અહીંની સ્તબ્ધ હવામાં
ખંજનની સૂરધારા
નિ:શેષ બની ચૂકી છે હવે.
અબાબીલોનાં ટોળાં
ખાલીખમ ગઢની રાંગે
વળી વળીને ચકરાયાં કરે છે
કોઈ નગરવધૂની કામનાઓ જેવા;
ને હવડ કૂવાનું સ્થિર જળ
ખળભળી ઊઠે છે
ચીબરીના કર્કશ ચિત્કારે.
અષ્ટપ્રહરી પર્ણમર્મર,
નિર્ઝરોના નૂપુરધ્વનિ
અને દૈયડના મધુસ્વરો
શણગારતા નથી હવે
મોતીસરીની સંધ્યાને;
ને જાંબુ-આંબલીની
વરણાગી શાખાઓનાં નૃત્ય
ખંડિત નથી કરતાં
શિવમંદિર સમીપના
જળદર્પણને.
અને તોયે-
ન જાણે કેવી યે જિજીવિષાથી
મોતીસરીનું આ વન
પથ્થર પથ્થર પર
ફૂટી રહ્યું છે આજે
ફરીથી
હરિત તૃણાંકરો બનીને!


0 comments


Leave comment