45 - હે નિયતિ / ઉષા ઉપાધ્યાય


હે નિયતિ
ચૂમી લીધું છે તેં ક્યારેક
મારા હ્રદયને
વિષકન્યાનો સ્પર્શ બનીને
તો ક્યારેક
જકડી લીધી છે તેં મને
ધૃતરાષ્ટ્રના કઠોર આલિંગનમાં,
ક્યારેક
નિર્વાસનના દિવસોમાં
તેં વરદાન પણ આપ્યું છે
તો દમયંતિના કરકમળનું
અને સ્નેહની સુરભિત ક્ષણોમાં
ચમકી ગઈ છે તું
પુરુરવાની વીજળી બનીને.

પરંતુ હે નિયતિ !
તારી લાખ લાખ કોશિશો પછીયે
હું રહી છું
અજેય, અણનમ.
તારા પ્રત્યેક પદાઘાતે
હું ખીલી ઊઠી છું
અશોકનાં ફૂલોની જેમ.
અને કદાચ,
ક્યારેક,
મારા મુખેથી શબ્દ પણ સર્યા છે
તો ફક્ત એટલા જ કે
હે જિન્દગી !
તું મને મળી છે
વહેતી નદી
અને ઊછળતા સમુદ્રની જેમ
ધુંવાધાર
બસ, ધુંવાધાર...


0 comments


Leave comment