9 - પ્રકરણ - ૯ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


     કાઉન્ટર પર બેઠેલા પ્રૌઢ, સ્થૂળ ઈરાનીએ તેને સલામ કરી, પણ તે તેણે ઝીલી નહિ. વેઈટરે તેની સામે જોયું એટલે તેણે એક આંગળી ઊંચી કરી. પછી વીજળીના ઝબકારાની જેમ તેના મનમાં કશોક વિચાર આવતાં ઊભો થઈ તે કાઉન્ટર પાસે ગયો. ‘જરા ફોન કરું છું’ એમ ઈરાની તરફ જોઈને કહ્યું અને પછી ગેસ કંપનીનો નંબર જોડવાનો પ્રયત્ન કર્યો. નંબર ત્રણ વાર એન્ગેજ આવ્યો. રિસીવર મૂકીને તે ઊભો રહ્યો, પછી સહેજ ખચકાટની લાગણી સાથે તેણે ફરીથી રિસીવર ઉપાડ્યું અને ડાયલ ઘુમાવ્યું. આંગળી ફરતી ગઈ. ફોન કનેક્ટ થયો અને સામે છેડે ઘંટડી રણકી ઊઠી. નીલકંઠનો શ્વાસ સંપૂર્ણપણે રોકાઈ ગયો. ‘હલો ?’ એક મીઠો સ્ત્રીસ્વર ઝરણાની જેમ વહી આવ્યો. નીલકંઠ કશું બોલી ન શક્યો. ‘હલો... કોણ છો આપ ? Who’s speaking?’ ફરી પૃચ્છા થઈ. નીલકંઠે એકબે ખોંખારો ખાધા, પછી કહ્યું, ‘હું.... હું... નીલ..... આપ-તમે-તું નીરા છે ને ?’ અને તેણે શ્વાસ છૂટો કર્યો. થોડીક ક્ષણો સુધી ફોનમાં અજંપ શાંતિ ઘૂંટાયા કરી, પછી પેલો ઝરણા જેવો સ્વર ગાલે તમાચો મારી જતા દરિયાના તોફાની મોજાંનું સ્વરૂપ ધરી ધસી આવતો લાગ્યો : ‘નીલ... પ્લીઝ ડોન્ટ ટ્રાય ટુ કોન્ટેક્ટ મી... આ મારી ખાસ વિનંતી –‘ અને બાકીના શબ્દો સામે છેડેથી જ મુકાઈ ગયેલા ફોનમાં ડૂબી ગયા. ‘નીરા... નીરા... હલો.... નીરા.... ની....’ નીલકંઠ બોલતો રહ્યો. અને પછી પ્રયત્નપૂર્વક રિસીવર કાનેથી હઠાવી તેના રિક્ત વર્તુળ તરફ ધૂમિલ દૃષ્ટિ કરી તેણે તે ક્રેડલ પર મૂકી દીધું અને ટેબલ પર મુકાયેલી ચા પીધા વિના કાઉન્ટર પર બિલ ચૂકવી તે ધીમે ધીમે પગથિયાં ઊતરી રસ્તા પર આવ્યો.

     ખીલતી વસંતની એ સવારે તેણે ઉકળાટ અનુભવ્યો. આસપાસ ઘૂઘવતાં વાહનો અને પસાર થતાં માનવીઓથી સાવ છેદાઈ જઈને તે યંત્રની જેમ ફૂટપાથ પર ચાલી રહ્યો હતો. તેની ખુલ્લી આંખો આગળ સતત એક આકૃતિ આવ્યા કરતી હતી. કપાવેલા સોનેરી વાળની ખભા સુધી ઝૂલતી રેશમી લટો, હોઠ પર લિપસ્ટિકનો ઘેરો શેઈડ, આંખોની ચીતરેલી ભમ્મરો અને ખૂણેથી કાજળની ખેંચાયેલી લકીર, અંગ પર ચુસ્ત કુર્તું અને પગની પિંડી સાથે ચપોચપ ભિડાયેલી સલવાર, હાથમાં મોટી પર્સ અને થોડી થોડી વારે વીંઝાતું બેફામ હાસ્ય અથવા ક્રુદ્ધ શબ્દો.... એ આકૃતિ નીરાની હતી. નીલકંઠને લાગ્યું કે એની સાથે ના, આગળ એ આગળ દોડતી હતી, એ હાથ લંબાવવા જતો હતો અને દૂર ચાલી જતી હતી, વળી નજીક આવી તેની તરફ લોભામણો સંકેત કરતી હતી. અને ફરીથી.... એ નીરા હતી... કે... કે.... મરીચિકા ? અને પોતે મુંબઈનાં આસ્ફાલ્ટ માર્ગ પર અપાર માણસોથી વીંટળાઈને ચાલી રહ્યો હતો કે કોક વિજન રણની બળબળતી રેતીમાં ? નીલકંઠને તરસ લાગી. ગળું સુકાતું હતું, પણ તે રોકાયો નહિ, ચાલતો રહ્યો.... વળી નીરાની આકૃતિ આગળ થઈ ગઈ હોય એવો આભાસ થયો અને –
(ક્રમશ:....)


0 comments


Leave comment