1 - પ્રકરણ ૧ - સુવર્ણપુરનો અતિથિ / સરસ્વતીચંદ્ર - ૧ / ગોવર્ધનરામ ત્રિપાઠી


“ઘર તજી ભમું હું દૂર સ્વજનહીન, ઉર ભરાઈ આવે,
નહીં ચરણ ઊપડે હુંથી શોકને માર્યે.”
* * * *
“સુખ વસો ત્યાં જ જ્યાં ભુલે રંક નિજ દુ:ખો,
જયાં પામે આદરમાત્ર પ્રવાસી ભુખ્યો.”— ઓલિવર ગોલ્ડસ્મિથ.

    સુવર્ણપુર પશ્ચિમસાગરની સાથે ભદ્રાનદી સંગમ પામે છે ત્યાં આગળ આવેલું છે. સાગરે નદીરૂપ હાથવડે કેડ ઉપર બાળક તેડ્યું હોય તેમ એક ટેકરીના એક ઢોળાવ ઉપર પથરાયેલો એનો વિસ્તાર લાગે છે. એ નગરના બંદરમાં માઘ માસમાં એક દિવસ એક વ્હાણ આવી નાંગર્યુ, અને જુદા જુદા ન્હાનામ્હોટા મછવાઓ તે ઉપરનો માલ ઉતારવા ગયા તેમાં માલની ગાંસડીઓ ઉતરતી હતી તેમ કોઈ કોઈ ઉતારુઓ પણ ઉતરતા હતા. એક મછવામાં કેટલાક વ્યાપારીયો ઉતર્યા તેની સાથે એક તરુણ પુરુષ પણ આવી ઉતર્યો અને મછવાની એક બાજુએ લપાઈ ર્‌હેતો હોય તેમ બેઠો. તેની દૃષ્ટિ સમુદ્ર અને સુવર્ણપુર વચ્ચે હીંચકા ખાધાં કરતી હતી–જાણે કે સમુદ્રના તરંગથી મછવો આમ તેમ ખેંચાતો હતો તેનો પ્રત્યાઘાત થતો હોય અથવા તો એક બાળકની પેઠે તેની આંખને મછવાના ચાળા પાડવાનું મન થતું હોય. તે પુરુષનું વય ત્રેવીશ ચોવીશ વર્ષનું દેખાતું હતું, તેનાં વસ્ત્રપર ઉજાસ ન હતો અને મ્હોં કરમાયેલું હતું. તે નિ:શ્વાસ નાંખતો ન હતો પણ તેના અંત:કરણમાં ઘણાક નિ:શ્વાસ ભરાઈ રહેલા હોય એવું એની મુખમુદ્રા સૂચવતી હતી. પરંતુ તેની કાન્તિમાં કાંઈક લાવણ્ય હતું અને તેના મુખ ઉપર કોમળતા હતી. આ સર્વથી આસપાસના આનંદમાં ગરકાવ થઈ ગયેલા પણ ગ્રામ્ય અને કઠોર કાન્તિવાળા વ્યાપારીયોમાં આ તરુણ સર્વ રીતે ભાત પાડતો હતો.

    હોડી કીનારે આવી અને સૌ લોકો ઝપોઝપ ગાંસડાં પોટલાં લઈ ઉતર્યા. તેમની સાથે એ પણ ઉદાસ અને મન્દ વૃત્તિથી ઉતર્યો. થોડી વાર તે કીનારા ઉપર દાઢીએ હાથ દઈ ઉભો રહ્યો અને આખરે એક દિશામાં ચાલ્યો. લોકો નગર ભણી વળતા હતા; પણ એ એક બીજી દિશાએ ચાલ્યો અને થોડીક વારમાં એક ઝાડપાનવાળા મેદાન વચ્ચે એક મ્હોટા બાંધેલા રસ્તા ઉપર સૌ લોકથી જુદો તથા એકલો પડી, એક મ્હોટા પુલ  પર એક એકલ એંજીન સંભાળથી ધીમે શ્વાસે ચાલતું હોય તેમ, જવા લાગ્યો. સામાનમાં તેની સાથે એક ન્હાની સરખી પોટલી હતી. આકાશ, પૃથ્વી, આગળ તથા પાછળ, વારા ફરતી જોતો જોતો તે સ્થિર પગલે ચાલતો હતો. પ્રાત:કાળનો બાલક સૂર્ય તેના આછાં કપડાંવાળાં શરીરને ઠીક લાગતો હતો, તથાપિ કોઈ કોઈ વખત પવનને લીધે તેને હાથનો સ્વસ્તિક [સ્વસ્તિક–સાથીઓ. હાથનો સ્વસ્તિક રચવો–અદબ વાળવી] રચવો પડતો હતો. તોપણ ચાલવાના પરિશ્રમને લીધે તેમ જ તડકાને લીધે તેના વિશાળ કપાળ ઉપર પરસેવાનાં ટીપાંનું જાળ બાઝ્યું હતું. તાપથી તેનું કમળપત્ર જેવું મુખ તથા ગાલ રાતા ચોળ થઈ ગયા હતા. આખરે એક મહાદેવનું દેવાલય આવ્યું તેના દ્વારમાં ચારે પાસ જોતો જોતો તે પેઠો.

     આ દેવાલય રાજેશ્વર મહાદેવનું હતું. તે સુવર્ણપુરના અમાત્ય (કાઉન્સિલર) બુદ્ધિધનના પૂર્વજોનું બંધાવેલું હતું. દેવાલયની આસપાસ ફરતો ફરસબંધી ચોક હતો અને તેની આસપાસ છાપરીવાળી ઓસરી હતી. ઓસરીની આસપાસ કાચા પત્થરની પણ ઘણી જુની છાયેલી ભીંત હતી. આ ઓસરીમાંથી પછીતમાં એક બારી પડતી હતી, અને તે બારી પાછળ એક વાડો હતો જેમાં મહાદેવને ઉપયોગમાં આવે એવાં ફળફુલના છોડ તથા એક બીલીનું વૃક્ષ હતું. વાડાની આસપાસ કાંકળો તથા થોરની વાડ કરી લીધેલી હતી અને તેમાં એક બે છીંડાં રાખેલાં હતાં. ઓસરીની બ્હાર બે બાજુએ મ્હોટા ઓટલા બાંધી લીધેલા હતા, અને જમણી બાજુએ એક ન્હાનું સરખું આરાવાળું તળાવ હતું જેનું નામ રાજસરોવર રાખેલું હતું. દેવાલયની સામી બાજુએ એક કુવો પણ હતો. ઉત્સવને દિવસે ભીડવેળા ઉપર ઉભા રહી મહાદેવનું દર્શન થાય એટલું ઉંચું તેનું થાળું હતું. શિવાલયનું દ્વાર પણ પ્રમાણમાં જમીનથી ઉંચું હતું. પણ ઉમરા ઉપરથી તેનું ઉંચાણ જાણી જોઈને ઓછું રાખવામાં આવેલું હતું તે એવા વિચારથી કે જાણેઅજાણ્યે પણ મંદિરમાં જનારને નીચા નમી દેવને નમસ્કાર કરવા જ પડે. ઓસરી બધેથી લીંપેલી હતી. પણ વટેમાર્ગુઓને ધર્મશાળાના ઉપયોગમાં આવતી તેથી ઘણે ઠેકાણેથી લીંપણ ઉખડી ગયેલું તેના ઉપર થીંગડાં દીધાં હતાં. ઓસરીની ભીંતો ઉપર વટેમાર્ગુઓએ, પોતાનાં નામ અમર રાખવા અથવા પ્રસિદ્ધ કરવાના હેતુથી, અથવા માત્ર અટકચાળાપણાથી, ખડી, ઈંટાળા, કોયલા વગેરેથી લખેલાં હતાં અને કોઈ કોઈ ઠેકાણે તે ખીલા વગેરેથી કોતરેલાં હતાં. આ આલેખોમાં ગામડીયા કવિતા, શુદ્ધ અશુદ્ધ શ્લોક, કહેવતો, અશ્લીલ ગાળો, ધર્મશાળાના ધણીને આશીર્વાદો, સૂચનાઓ, ધમકીઓ, કંઈ કંઈ બનાવોની તિથિઓ, દેવ વગેરેનાં સારાં નરસાં ચિત્રો, ઇત્યાદિ ડગલે ડગલે જોવામાં આવતાં. ચોકની વચ્ચે શિવાલય, સાધારણ ઘાટનું, અને દશ બાર પગથીયાં, ઓટલા, પોઠિયો વગેરે સામગ્રીસમેત હતું.

     દ્વારમાં પેસતાંમાં જ નવો આવેલો તરુણ, ચારે પાસ તેમ જ દેવાલયના ગર્ભદ્વારમાં દૃષ્ટિ ફેરવી, પગથીયાં પર ચ્હડી, બહારના ઘુમટમાં લટકાવેલો ઘંટ વગાડી, દેવને નમસ્કાર કર્યા જેવું કરી, ગર્ભદ્વારમાં ઉમરા ઉપર બેઠો અને પોટલી મ્હોં આગળ મુકી; પણ અંદર પૂજારી મહિમનનો પાઠ ભણી રુદ્રી કરતો હતો. તેણે તેના સામું જોઈ સાન કરી કે તરત ઊમરા બ્હાર હેઠળ બેઠો.

     પૂજારી ત્રીસપાંત્રીસની વયનો એક તપોધન હતો. તેની હજામત વધી ગયેલી હતી અને બેભાન તથા જડ માણસ જેવો દેખાતો હતો. પણ અમાત્યના ઘરનો સહવાસી હોવાથી તથા તેના ચાકરોના અનુકરણની લઢણ પડવાથી તે જરી જરી સભ્યતા શીખ્યો હતો; ગ્રામ્ય ભાષા તેને સહજ હતી તોપણ તેમાં વાક્‌ચાતુર્યનાં ચોરેલાં થીગડાં મારતો. લાંબું લાંબું બોલવાની ટેવ રાખતો, સવાસલાં તથા ખુશામત કરવા જતો, ન્હાના વિષયોમાં મ્હોટાઓનું ધ્યાન ચુકાવી કપટ કરી ફાવી જતો, મ્હોટા વિષયોમાં કપટ કરવા જતાં પકડાઈ જતો, ન્હાનાં તથા અજાણ્યાં માણસોને મ્હોટાંને નામે ધમકાવી સીરજોરી કરી અભિમાન પામતો, અમાત્યનાં માણસો સાથે ઘડીમાં લ્હડતો અને ઘડીમાં નીચ મસલતોમાં ભળતો, અને અમાત્યના કુટુંબવર્ગમાં ગરીબ પૂજારીનો દાવો કરી લાચારી બતાવી ધાર્યું કરવા પામતો હતો. આવું છતાં તેને ભોળો અને બેવકુફ ગણી અમાત્ય તેનો નીભાવ કરતો.

     નવા તરુણને જોઈ પૂજારી મૂર્ખદત્તે રુદ્રીનો ઢોંગ વધાર્યો, જળાધારીમાં અભિષેકથી રેલ આણી, બાણ ઉપર ફુલબીલીને ઢગ રચ્યો અને સ્તવન કરતાં અશુદ્ધ ગર્જના કરવા લાગ્યો. આ મંદિર નગરથી દૂર હોવાને લીધે તેમાં કોઈ આવતું નહીં; પણ શિવરાત્રિ પાસે આવવાથી રાજમંડળ, અમાત્યકુટુંબ, તથા નગરલોક આવવાના–એ વિચારનો નવો કેફ મૂર્ખદત્તને ચ્હડ્યો હતો તેમાં “શ્રીગણેશાય નમ:” માં તરુણને જોઈ ભાંગ પીધેલાને દીવો જોતાં અસર થાય તેમ મૂર્ખદત્તને પણ થયું.
 
     થોડી વાર તો તરુણ પુરુષ એ સર્વ એકટશે જોઈ રહ્યો, પણ પૂજારીની પૂજાના માહાત્મ્યને વિકાસ પામતું જોઈ તેને કાંઈક હસવું આવ્યું, અને મૂર્ખદત્તે એમ ધાર્યું કે મ્હારી મહાપૂજાના આડંબરનો યોગ્ય અસર થયો. આમ ધારી તે મનમાં પ્રસન્ન થઈ પૂજા થઈ ર્‌હેવા આવી એટલે મ્હોટા ડોળ તથા આડંબરથી ખોંખારી વચ્ચે વચ્ચે પ્રશ્નપરંપરા કરવા લાગ્યો.

     “તમે બહુ શ્રદ્ધાળુ દેખાઓ છો!” “તમારૂં નામ શું?” “તમે કેણી પાસથી આવ્યા?” “કાંઈ ધંધાનોકરીનો વિચાર છે?” “અત્યારે ક્યાંથી?” “તમે આ ગામમાં નવા આવ્યા જણાઓ છો.” “હું આ મહાદેવનો વંશપરંપરાનો પૂજારી છું.” “મ્હારૂં નામ મૂર્ખદત્ત.” અંતે ઉઠી મહાદેવનું નમણ તથા બીલીપત્ર તરુણ આગળ ધર્યા.

     મહાદેવના પ્રસાદથી આંખનાં પોપચાં પવિત્ર કરી તરુણ બોલ્યો: “મ્હારૂં નામ નવીનચંદ્ર છે. હું બ્રાહ્મણ છું. અત્યારે જ બંદર ઉપરથી ઉતરી ચાલ્યો આવું છું. આ ધર્મશાળામાં થોડા દિવસ ઉતારો રાખવો છે તેમાં તમારી મદદની જરુર પડશે. મ્હારી રસોઈ તમારા ભેગી કરી નાંખશો તો મને બાધ નથી.” “બાધ નથી” સાંભળી તપોધન આશ્ચર્યમાં પડ્યો; એટલામાં નવીનચંદ્રે ઉમરામાં એક રુપીયો નાંખ્યો. પત્થર ઉપર રુપીયાના શબ્દે તપોધનનું મન વશ કર્યું અને આશ્ચર્યને અપૃચ્છામાં લીન કર્યું.

     આનંદસ્વપ્નમાં મગ્ન થતો પૂજારી લક્ષ્મીદેવીનો સત્કાર કરી ઉઠ્યો અને આગળ એ અને પાછળ નવીનચંદ્ર એમ બે જણ ચાલ્યા. જતાં જતાં મૂર્ખદત્તે વાગ્ધારા છોડી.

     “ભાઈ નવીનચંદર, તમારું નામ અટપટું છે તેથી હું તમને ચંદરભાઈ કહી બોલાવીશ અને તમે પણ બધાંની પેઠે મને દત્ત કહી બોલાવજો. ચંદરભાઈ, ચાલો. આ ઓસરીમાં મ્હારી ઓરડી છે ત્યાં રસોઈ થશે. તમારી પાસે જોખમ હોય તે મ્હારા પટારામાં મુકજો અને કુંચી ગમે તો તમારી પાસે રાખજો. આ પાછળ વાડો છે અને જોડે તળાવ છે. તળાવમાં ન્હાઈ વાડામાં બેસી બે છાંટા નાંખવા હોય તો નાંખી દેજો. જમવાનો વખત થયે હું તમને બોલાવીશ; ધુમાડામાં બેસવાનું તમને નહીં ગમે અને ઓસરી કરતાં વાડામાં ગમશે. વળી કાલ શિવરાત્રિ છે એટલે મહાપૂજાની ગોઠવણ કરવા અમાત્યનાં ઘરનાં બધાં આવવાનાં છે. તે વખત પણ તમે વાડામાં હો તો તેમની મરજાદ સચવાય. ચાલો આ મ્હારી ઓરડી.”
***


0 comments


Leave comment