10 - પ્રકરણ - ૧૦ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


      ત્યારે નીરાની આભાસી આકૃતિ નહોતી, નીરા પોતે જ હતી; પ્રત્યક્ષ, પણ તે આ જ રીતે આગળ ને આગળ ચાલતી હતી. તેના પગમાં વેગ હતો – માત્ર વેગ નહિ, રોષ પણ હતો. એ ઝડપથી ચાલતી હતી અને સૂરા ગામની એ સાંકડી શેરીમાં નીરાનાં ઊંચી એડીનાં સેન્ડલથી ધૂળ ઊડતી હતી. તેની તલવારની કિનાર ધૂળથી છવાઈ ગઈ હતી. થોડી થોડી વારે તે નાક પર રૂમાલ ઢાંકી શ્વાસમાં પ્રવેશતી રજકણોને રોકવા મથતી હતી. એના હાથમાં પર્સ સિવાય કશું ન હતું. એનાથી થોડેક અંતરે નીલકંઠ એક વજનદાર સૂટકેસ અને થેલી ઊંચકીને ચાલતો હતો. ઢળતા શિયાળાની સાંજે ગામમાં અંધકાર પ્રમાણમાં વહેલો ઊતરવા લાગ્યો હતો. નિર્જન બનતી જતી શેરીની બંને બાજુએ ઊભેલાં જીર્ણ વાંકાંચૂંકાં, ઘાટ વિનાનાં મકાનોમાં ક્યાંક ક્યાંક ફાનસો ઝીણું ઝીણું ઝબૂકવા લાગ્યાં હતાં. ‘નીરા, જરા ધીમે ચાલ. મારા હાથમાં વજન છે અને -‘ છેવટે નીલકંઠ અકળાઈને બોલ્યો, પણ નીરાની ગતિ મંદ ન પડી. તે ચૂપચાપ ચાલતી રહી. ઘરોના ઓટલાઓ અને ઉંબર પરથી સ્ત્રી-પુરુષો વિસ્ફારિત નજરે નીરા અને નીલકંઠને જતાં જોઈ રહ્યાં હતાં. કોઈકે તો નીલકંઠને પૂછ્યું યે ખરું : ‘ભઈ, અટાણે શીદ ચાલ્યાં ?’ જવાબ આપતાં નીલકંઠે ખૂબ અસ્વસ્થતા અનુભવી. તે માંડ બોલ્યો : ‘શહેરમાં જવું છે, કામ છે.’ અને તેણે ઝડપથી થોડાંક પગલાં ભરી લીધાં. પાછળ સમીક્ષા રચાતી રહી : ‘શિવશંકર મા’રાજનાં દીકરો-વહુ અટાણે શે’રમાં ચાલ્યાં જાય છે એમાં નક્કી કાંઈ ભેદ છે. હજી શિવરાત્રી તો કાલે છે તો એવાં એ વહેલાં કેમ જતાં હશે ? બે દિવસ પર તો એ લોકો અહીં આવ્યાં’તાં – પરણ્યા પછી પહેલી જ વાર, નહિ ? આ મડમડી ન જોઈ ? નક્કી એને કંઈક –‘ બાકીના શબ્દો સાંભળી શકાય એટલાં નીરા અને નીલકંઠ નજીક નહોતાં રહ્યાં, પણ નીલકંઠે શબ્દો કલ્પી લીધા અને એનું મન વધારે ડહોળાઈ ગયું. તેને થયું કે આ ક્ષણે તે નીરાનો હાથ પકડી તેને ઊભી રાખે અને કહી દે : ‘નથી જવું આપણે મુંબઈ, નીરા ! અહીં ઉત્સવ માટે આવ્યાં છીએ તો એ પૂરો થયા પછી જ જઈશું. તને ભલે આ ગામ, એની ધૂળભરી શેરીઓ અને એનાં ગંદા-ગોબરાં માણસો માટે લાગણી નહિ હોય, પણ મારી તો આ જન્મભૂમિ છે. હું અહીં જન્મ્યો છું ને ઊછર્યો છું. મુંબઈ તો હું સાત-આઠ વર્ષથી રહું છું. અને બાપુજી ગુસ્સે થયા છે તેથી શું થયું ? આપણે એમને મનાવી લઈશું, પગ પકડીને માફી માગીશું....’ પણ નીલકંઠ કશું બોલી ન શક્યો, ન નીરાને અટકાવી શક્યો. ઊલટું એના મને નીરાનો પક્ષ લઈ વળતી દલીલો કરવા માંડી : ‘આ ગામમાં તું જન્મ્યો છે, અહીં જ તું ઊછર્યો છે એવો ઉલ્લેખ કરવાનું છોડી દે નીલકંઠ ! ગામ પ્રત્યે તને એકાએક શાની લાગણી ઉભરાઈ આવી ? આજે નીરાએ આ ગામ અને એના વાતાવરણ પ્રત્યે, અહીંની સંકીર્ણતાઓ અને હાસ્યાસ્પદ માન્યતાઓ પ્રત્યે નિખાલસભાવે અણગમો દર્શાવ્યો એટલે તું સામે છેડે જઈ બેસવાનો પ્રયત્ન કરે છે, બાકી તું યે અહીંની હવામાં ગૂંગળામણ નહોતો અનુભવતો ? કેટલાંયે વેકેશનો અને રજાઓમાં તેં અહીં આવવાનું ટાળ્યું નહોતું ?’ નીલકંઠની ચાલ વધારે ધીમી પડી ગઈ એટલે નીરાનો ખૂબ દૂરથી આવતો હોય એવો અવાજ સંભળાયો : ‘નીલ ! પ્લીઝ.... જલદી ચાલ ને...’ અને નીલકંઠ તેની નજીક પહોંચ્યો એટલે તેણે ઉમેર્યું : ‘મને આવા લાગણીવેડા પસંદ નથી, નીલ ! જો તું નહિ આવવા માગતો હોય તો મને સ્પષ્ટ કહી દે; હું આગ્રહ નહિ કરું. હું એકલી મુંબઈ જઈ શકીશ. તારે તારી પોતાની લાગણીને મારે ખાતર દુભાવવાની જરૂર નથી –‘ ત્યારે નીલકંઠના મનના એક ખૂણાએ તેને ઢંઢોળતાં કહ્યું : ‘નીલકંઠ ! કહી દે ને ના ! ભલે એ એકલી ચાલી જતી. તું અહીં રહી જા. તારું તો આ વતન છે. આ વાતાવરણથી તું તો ખૂબ પરિચિત છે. નીરાની ચિંતા કર્યા વિના તારા બા-બાપુજીની માફી માગી લે... એમનાં મન તો ઉદાર છે... એમણે જેને અપરાધ ગણ્યો છે તેને તેઓ ક્ષમા કરી ભૂલી જવા તૈયાર થશે.....’
(ક્રમશ:....)


0 comments


Leave comment