46 - નઝમ / ઉષા ઉપાધ્યાય


કળીઓએ આંખ ખોલી તો અફવા બની ગઈ.
ફૂલોની ડાળ તોડીને દુનિયા હસી ગઈ.

અફવાના આ નગરમાં હવે ઢોલ પીટાશે,
જ્યાં ધૂમ્ર પણ નથી ત્યાં અંગાર જણાશે.
ગાલિબ ઘણી ગુસ્તાખ છે દુનિયાની આ રસમ,
શયતાન બેફિકર ને ભલાઇ ડરી ગઈ.

શબનમના એ ગુબ્બાર ગુલાબી ચડાવશે,
માહતાબને પણ બે ઘડી તો એ જલાવશે,
જલ્લાદની તલવારને માસૂમ બતાવશે,
ને સાચને નાપાક કહી દૂર સરી ગઈ.

દસ્તુર છે દુનિયાનો કદીયે ન ચૈન દે,
જખ્મી જિગરને ચપટી છાંયો કદી ન દે,
શેવાળને બહુ પ્રેમથી માથે ચડાવશે,
ને બેતમા થઈ ગુલછડી પર પગ ધરી ગઈ.

મિર્ઝા ઘણી કાતિલ છે રસમ આ સિયાસીની,
જેવી અદા કાતિલ છે સનમ ને શરાબની,
ફિરકા કરીને એ કરે કરતૂત કેટલાં,
ફિરદોસ થઈને એ જ પછી દિલ હારી ગઈ.

દુનિયાના આ લિબાસને તું દૂર કરી દે,
શાયર જરા સચ્ચાઇને મગરૂર કરી દે.
અલ્ફાઝમાં શાયરના હો દમ જો જરા હજી,
વલ્લાહ! આ દુનિયા ફરી કેવી સજી ગઈ.


0 comments


Leave comment