47 - ત્વચાનાં વસ્ત્રને / ઉષા ઉપાધ્યાય


ત્વચાનાં વસ્ત્રને ફાડીને જુઓ,
સઘળાં પડળ ઉતારીને જુઓ.

જુઓ તો દિલનાં અજવાળાંને જુઓ,
નયનના અંધાપા ટાળીને જુઓ.

સત્યને સમજવું સ્હેજે ક્યાં કઠણ?
ચણેલી દીવાલો કાઢીને જુઓ.

જીવનને ચાહવાની જો વાત હો,
સહેરા નહીં કફન બાંધીને જુઓ.

ઉપાડ્યો ગોવર્ધન એમાં તે શું વળી?
અશ્રુના બોજને ધારીને જુઓ.

તપાવો ભીતરી આંચે પહેલાં,
પછી એ શબ્દના પાણીને જુઓ.

સમયની આ નદી તો સૌને મળી,
ફક્ત વીરડા ખુદના ગાળીને જુઓ.


0 comments


Leave comment