48 - આ જીવનનાં સત્યને / ઉષા ઉપાધ્યાય


આ જીવનનાં સત્યને લઈ છાબમાં ઊભાં અમે,
ભર અષાઢે ચૈત્રના આ તાપમાં ઊભાં અમે.

તાવવા જો હોય તો તાવી જુઓ ચોપાસથી,
કો’ અદીઠા નૂરના આ ચાપમાં ઊભાં અમે.

તેં ભળાવ્યાં કામ જે કરતાં રહ્યાં નિશદિન અમે,
એમ આઠો જામ તારા ધામમાં ઊભાં અમે.

આમ તો ક્યાં કૈં બચ્યું છે છદ્મવેશી હાથમાં,
રિક્ત જાણે એમ ખાલી ખાકમાં ઊભાં અમે.

ને છતાં પણ કેટલાં યે માનથી જીવ્યાં અમે,
કે ફકીરી હાલની આ શાનમાં ઊભાં અમે.

ને તમારી આંખથી ઝરણું વહે જે પ્રેમનું,
એ છલકતી સાયબીના હાલમાં ઊભાં અમે.


0 comments


Leave comment