51 - ખોબોક જળમાં પલળવું / ઉષા ઉપાધ્યાય


ખોબોક જળમાં પલળવું-તરવું મને ગમતું નથી,
આ ખંડકોમાં અબડતું, ‘હોવું’ મને ગમતું નથી.

કે સાદ કરતી હર પળે ખુલ્લાશ આ આકાશની,
આ છત મને ભીંતો બની, વસવું મને ગમતું નથી.

ને કોઈ ઝૂકી ડાળ પર હું પુષ્પ થૈ ખીલું ખરું,
પણ રેત થૈ ખંડેરની, ખરવું મને ગમતું નથી.

આ નભ વિશે વાદળ બનું, વરસાદ કે ઝરણું બનું,
પણ કોઈના કિલ્લે બુરજ, બનવું મને ગમતું નથી.

ને આપવો જો હોય તો આપો અનલહકનો અનલ,
અમથા કશા અંગારનું, અડવું મને ગમતું નથી.


0 comments


Leave comment